જગતશેઠ : અઢારમી સદીમાં થઈ ગયેલા ધનકુબેર શરાફ હીરાનંદના વંશજ ફતેહચંદને મુઘલ બાદશાહ મુહમ્મદશાહે આપેલું બિરુદ. મરકત મણિ ઉપર ‘જગતશેઠ’ કોતરાવી તે ભેટ આપેલો. મુઘલકાળ અને તે પૂર્વે મુસ્લિમ બાદશાહો તથા અન્ય રજપૂત, મરાઠા વગેરે રાજવીઓને નાણાભીડના પ્રસંગે આવા શરાફો અંગ ઉધાર કે મહેસૂલ, જકાત વગેરે ઉઘરાવવાનો ઇજારો મેળવી નાણાં ધીરતા. ઔરંગઝેબના શાસન પૂર્વે શાંતિદાસ ઝવેરીએ જહાંગીર, શાહજહાં તથા જહાંગીરના અન્ય શાહજાદાઓને આ રીતે લાખો રૂપિયા ધીર્યા હતા.

તેના પૂર્વજો હીરાનંદ અને તેના 7 પુત્રો બાદશાહ મુહમ્મદશાહના શાસનપૂર્વે જોધપુર રાજ્યમાંથી બંગાળમાં આવી વસ્યા હતા. સમગ્ર દેશમાં તેમનો વેપાર ફેલાયેલો હતો અને તેમની હૂંડીઓનો સર્વત્ર સ્વીકાર થતો હતો. હીરાનંદનો 1 પુત્ર ઢાકામાં વસ્યો હતો. તે બંગાળના નવાબ મુર્શિદ કુલીખાનનો કૃપાપાત્ર અને મિત્ર હતો.

ફતેહચંદ જગતશેઠે સુમતિનાથનું જૈન મંદિર બંધાવ્યું હતું. ફતેહચંદ જગતશેઠના કુટુંબના વંશજો વંશપરંપરાથી જગતશેઠ કહેવાતા હતા. મુર્શિદ કુલીખાનના અનુગામી અલીવર્દીખાનને પણ આ જગતશેઠે મદદ કરી હતી.

1742માં મુર્શિદાબાદમાં જગતશેઠના મકાનમાંથી મરાઠાઓએ રૂ. 2 કરોડની લૂંટ ચલાવી હતી, પણ કાંઈ બન્યું ન હોય તેમ તેણે રૂ. 1 કરોડની હૂંડીઓ ચૂકવી દીધી હતી. 1749માં જ્યારે બંગાળના નવાબે કાસિમ બજારની અંગ્રેજોની કોઠી ઘેરી લીધી ત્યારે દંડના રૂ. 12 લાખ જગતશેઠ ફતેહચંદ દ્વારા ભરપાઈ કરાયા હતા. મુઘલ બાદશાહની જમાબંધીની રકમ પણ નવાબ વતી આ જગતશેઠ દ્વારા ભરાતી હતી. બદલામાં તેમને સરકારી મહેસૂલ, જકાત વગેરેનો ઇજારો અપાતો હતો. 1765માં મીર કાસિમે જગતશેઠનો સરકાર વતી મહેસૂલ ઉઘરાવવાનો હક રદ કર્યો હતો.

બર્કે પાર્લમેન્ટમાં આ શેઠ વિશે કહેલું કે એનું કામકાજ ‘બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડ’ જેટલું હતું. ‘સિયર-ઉલ-મુત ખેતરિની’માં જણાવ્યા પ્રમાણે તેમની સંપત્તિ એટલી બધી હતી કે આવા શરાફો સમગ્ર હિન્દોસ્તાન કે દખ્ખણમાં જોવા મળતા નથી. પ્લાસીના 1757ના યુદ્ધ પછી જગતશેઠની પેઢીએ અંગ્રેજોને મોટી લોન આપવા ના પાડી ત્યારે હૉલવેલે હૅસ્ટિંગ્ઝને લખ્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે તેમને કંપનીના રક્ષણની જરૂર પડશે. અને ત્યારે જ તેમને ખાતરી થશે કે તેઓને સેતાનને હવાલે છોડી દેવામાં આવ્યા છે.

યતીન્દ્ર દીક્ષિત