જગતારસિંગ, ડૉ. (જ. 6 જૂન, 1935, રાજગોમલ, જિ. જલંધર, પંજાબ; અ. 31 માર્ચ, 2010) : પંજાબી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જુગનૂ દીવા તે દરિયા’ બદલ 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.
તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી, ઉર્દૂ તથા પર્શિયન ભાષામાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. 1942થી 1972 સુધીમાં પાકિસ્તાનમાં પંજાબી કવિતાનો વિવેચનાત્મક અભ્યાસ કરી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. હોશિયારપુરની સરકારી કૉલેજમાં અધ્યાપન કર્યું અને છેલ્લે રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ ઉર્દૂ, ફારસી, પંજાબી, અંગ્રેજી અને હિંદીના સારા જાણકાર છે.
તેમનો ‘ઋતાં રંગાલિયાં’ નામનો પ્રથમ કાવ્યસંગ્રહ 1957માં પ્રગટ થયો. પછીના કાવ્યસંગ્રહ ‘તલખિયાં રંગિનિયૉ’ 1960માં અને ‘દૂખ પથરી’ 1961માં પ્રગટ થયા. 1967માં ‘અધૂરા આદમી’ તથા 1973માં ‘લહૂ દે નક્શ’ અને 1973માં છઠ્ઠો કાવ્યસંગ્રહ ‘ચંગિયાં રુખ’, ‘ચિતા ઘા ધોબિયા ધુપન’ (1975) પ્રગટ થયો. 1980માં પ્રગટ થયેલ ‘શીશે દા જંગલ’ ગઝલસંગ્રહ છે. ‘જઝિરિર્યાં વિચ ઘિરિયા સમુંદર’ (1990), ‘જુગનૂ દીવા તે દરિયા’ (1993), ‘ચુનાકરી શામ’ અને ‘મૉમ દે લોગ’ તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.
કાવ્યસંગ્રહ ઉપરાંત તેમની પ્રકાશિત કૃતિઓમાં ‘સેઇગ્ઝ ઑવ્ ફરીદ’ તથા ‘પાકિસ્તાની કવિતા’ જેવા સંપાદનગ્રંથો અને વિશ્વસાહિત્યની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓના પંજાબી અનુવાદોનો સમાવેશ થાય છે. તેમણે દેશવિદેશનો વ્યાપક પ્રવાસ કર્યો છે. તેઓ ભારતીય પ્રાચ્યવિદ્યાને લગતી સંશોધન-પરિયોજનામાં વ્યસ્ત હતા.
સાહિત્ય સમીક્ષા સમિતિ સન્માન, રાજ્ય કલા પરિષદ ઍવૉર્ડ (1980), બાબા બળવંત પુરસ્કાર (1980) તથા શિરોમણિ કવિ ભાષા પુરસ્કાર (1991), ધારીવાલ ઍવૉર્ડ (1992) અને 1995ના વર્ષનો કેન્દ્રીય સા.અ. ઍવૉર્ડ જેવાં અનેક સન્માનો તેમને મળ્યાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘જુગનૂ દીવા તે દરિયા’ સુરીલી ગઝલોનો સંગ્રહ છે. કાવ્યાત્મક વિચારોની સહજ અને સુરુચિપૂર્ણ ગતિમયતાના કારણે તે નોંધપાત્ર છે. ગહન દાર્શનિક સૂર, ભરપૂર, કલ્પકતા, ઊર્મિમય ધ્વન્યાત્મકતા તથા નકશીપૂર્ણ કાવ્યકસબ જેવી લાક્ષણિકતાઓને કારણે એ કૃતિ ભારતીય કવિતામાં ગણનાપાત્ર યોગદાનરૂપ લેખાઈ છે.
મહેશ ચોકસી