જંબુસ્વામી

January, 2012

જંબુસ્વામી : વર્તમાન અવસર્પિણીના છેલ્લા કેવલી (સર્વજ્ઞ). રાજગૃહનિવાસી, મોટા સમૃદ્ધિશાળી, ઋષભદત્ત શેઠના એકના એક પુત્ર. તેમનો જન્મ આશરે વીરનિર્વાણ પૂર્વે 16 વર્ષે થયો હતો. તેમની માતા ધારિણી અને ગોત્ર કાસવ (કશ્યપ). મહાવીરના નિર્વાણ પછી તેમના 5મા ગણધર સુધર્મ પાસે જંબુએ દીક્ષા લીધી હતી. આ સુધર્મે મહાવીરનિર્વાણ પછી શ્રમણસમુદાયની રક્ષા, શિક્ષા અને દીક્ષાનો ભાર ઉપાડી લીધો હતો. દીક્ષાસમયે જંબુની ઉંમર લગભગ 20 વર્ષની હતી. સુધર્મે મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતોનો બધો સાર જંબુ મુનિને સંભળાવ્યો અને સમજાવ્યો. તેથી શ્વેતામ્બરમાન્ય આગમોમાંનાં કેટલાંક તો જંબુના પ્રશ્નના ઉત્તરમાં સુધર્મે રજૂ કર્યાં છે, જ્યારે કેટલાંક આગમો બેમાંથી એકેયનો નિર્દેશ કર્યા વિના ‘હે આયુષ્મન્ ! મેં ભગવાનને આમ કહેતા સાંભળ્યા છે’ એવાં વચનોથી શરૂ થાય છે. આ વચનો સુધર્મે જંબુને ઉદ્દેશી કહ્યાં છે એમ ટીકાકારો માને છે. કેવલી બન્યા પછી સુધર્મે શ્રમણસમુદાયના નાયકપદનો ભાર જંબુને સોંપી દીધો. તે વખતે જંબુની ઉંમર લગભગ 34 વર્ષની હતી. તે લગભગ 84 વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. જૈન ધર્મના શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયોમાં જંબુસ્વામીનું સ્થાન એકસરખું માન્ય રહ્યું છે. બંને સંપ્રદાયના પૂર્વાચાર્યોએ જંબુમુનિની કથાની વિવિધ રૂપે વિવિધ ભાષામાં રચનાઓ કરી છે. માતાપિતાનું મન રાખવા જંબુકુમારે 8 કન્યાઓ સાથે એક જ દિવસે લગ્ન કરી પ્રથમ રાતે જ તેમને વૈરાગ્યપ્રેરક કથાઓ દ્વારા બોધ પમાડી તેમને પણ પોતાની સાથે દીક્ષા લેવા રાજી કરી એ ઘટનાનું રોમાંચકારી વર્ણન જંબુકથામાં મળે છે.

નગીનભાઈ જીવણલાલ શાહ