જાઈ (ચંબેલી)

January, 2012

જાઈ (ચંબેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની વળવેલ સ્વરૂપે જોવા મળતી ક્ષુપીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum officinale Linn છે. તેને ઘણી વાર રૂપભેદ (forma) grandiflorum (Linn) Kobuski, (સં. જાતિ, માલતી; હિં. ચંબેલી, જાતિ; મ. જાઈ : ક. જાજિ મલ્લિગે; તે. જાઈપુષ્પાલુ; મલા. પિચાકમ્; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન) દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. તે ઉત્તર-પશ્ચિમ હિમાલયની મૂલનિવાસી વનસ્પતિ છે અને સમગ્ર ભારતના ઉદ્યાનોમાં વ્યાપકપણે ઉછેરવામાં આવે છે. તેની શાખાઓ ખાંચોવાળી હોય છે. પર્ણો સન્મુખ, અયુગ્મ પીંછાકાર (imparipinnate) અને સંયુક્ત હોય છે; પર્ણિકાઓ 7-11, અગ્રપર્ણિકા પાર્શ્વીય પર્ણિકાઓ કરતાં લાંબી હોય છે. પાર્શ્વીય પર્ણિકાઓ અદંડી કે ટૂંકા પર્ણદંડવાળી હોય છે. દૂરસ્થ જોડ અગ્ર પર્ણિકા સાથે પહોળાં સંયોજિત (connate) તલ ધરાવે છે. પુષ્પો શિથિલ કક્ષીય કે અગ્રીય દ્વિશાખી (dichasial) પરિમિત (cyme) સ્વરૂપે ગોઠવાયેલાં, સફેદ, બહારની બાજુએ જાંબલી છાંટવાળાં અને આનંદદાયી સુગંધવાળાં હોય છે. નિપત્રો (bracts) અંડાકાર કે ચમચાકાર-લંબચોરસ (spathulate-oblong) અને પર્ણસર્દશ (foliaceous) હોય છે. વજ્ર અરોમિલ (glabrous), 5-ખંડોવાળું અને સૂચ્યગ્રી (subulate) હોય છે. દલપુંજ 5-ખંડી, ઉપવલયી (elliptic) કે પ્રતિ-અંડાકાર (obovate) હોય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિસ્ત્રીકેસરી હોય છે.

આકૃતિ 1 : જાઈની પુષ્પોવાળી શાખા

આ સ્વરૂપને મેદાનો અને પહાડી પ્રદેશોમાં 3000મી.ની ઊંચાઈ સુધી ઉછેરવામાં આવે છે. તે યુરોપ અને ભૂમધ્યસમુદ્રીય દેશોમાં વ્યાપારિક અત્તર માટેનો મુખ્ય સ્રોત છે અને તેમાં મોટાં અને સુંદર પુષ્પો ધરાવતી અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી J.officinaleની બધી બાગાયતી જાતોનો સમાવેશ કરવામાં આવે છે. તેને ઘણી વાર J.officinale કરતાં અલગ જાતિમાં મૂકવામાં આવે છે. તેની J. officinale કરતાં વૃદ્ધિ વધારે ઝડપી હોય છે. પર્ણદીઠ પર્ણિકાઓની સંખ્યા વધારે અને પુષ્પવિન્યાસનો આકાર તથા કદ પર્ણો કરતાં વધારે લાંબાં હોય છે. અત્તરના નિષ્કર્ષણ માટે પુષ્પોનું વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા રૂપભેદ grandiflorumની કલમને J.officinaleના મૂલકાંડ (stalk) પર રોપવામાં આવે છે. જોકે આ બંને જુદાં પાડવાં મુશ્કેલ હોવાથી તેમને એકસાથે ગણવામાં સુગમતા રહે છે.

પુષ્પોના કદનો આધાર વનસ્પતિની ઉંમર, ઉછેરની પદ્ધતિ અને ઋતુ પર રહેલો છે. પુષ્પોનું હૅક્ટરદીઠ ઉત્પાદન 395–642 કિગ્રા. જેટલું થાય છે. (10,000-12,000 પુષ્પો/કિગ્રા.). સૌથી વધારે ઉત્પાદન 988 કિગ્રા./હૅક્ટર નોંધાયું છે. ફ્રાન્સમાં તેનું સરેરાશ ઉત્પાદન લગભગ 3994 કિગ્રા./હૅક્ટર થાય છે. રોપણ પછી પાંચમા વર્ષથી પુષ્પોનું ઉત્પાદન મહત્તમ મળે છે.

જાઈને પાન અને થડનો ગેરુ Uromyces hodsoni દ્વારા થાય છે. તેના પર જાઈનો માંકડ આક્રમણ કરે છે. માછલીના તેલ, રાબ અને સાબુના દ્રાવણના મિશ્રણનો છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થાય છે.

પુષ્પોનો ઉપયોગ હાર,ગજરો, પુષ્પગુચ્છ કે કલગી  બનાવવામાં અને ધાર્મિક પૂજા-અર્ચનામાં તથા કેશતેલ અને અત્તર બનાવવામાં થાય છે. ભારતમાં જાઈના તેલનું ઉત્પાદન થતું નથી. તેનું મુખ્ય ઉત્પાદન ફ્રાન્સ, સિલિસી અને ઇટાલીમાં થાય છે. ઇજિપ્ત, સીરિયા, અલ્જિરિયા અને મોરોક્કોમાં તાજેતરનાં વર્ષોમાં જાઈનું વાવેતર શરૂ થયું છે.

પર્ણો રાળ, સેલિસિલિક ઍસિડ, જૅસ્મિનિન (ઍલ્કેલૉઇડ) અને સંકોચક (astringent) ઘટક ધરાવે છે. મૂળનો ઉપયોગ દાદરમાં થાય છે. તેના લાંબા પ્રકાંડનો ઉપયોગ સીધી નળીઓ બનાવવામાં થાય છે. મોંમાં ચાંદાં પડતાં હોય તો તેનાં પાન ચૂસવાથી લાભ થાય છે. તેનો રસ ધરાવતા તેલનો કર્ણસ્રાવ(otorrhoea)માં ઉપયોગ થાય છે. સમગ્ર વનસ્પતિ કૃમિહર (anthelmintic), મૂત્રલ અને આર્તવજનક (emmenagogic) ગુણધર્મો ધરાવે છે. પુષ્પોનું સુગંધિત તેલ અને અત્તર ત્વચાના રોગો, માથાનો દુખાવો અને આંખની તકલીફોમાં ઠંડક આપે છે.

જાઈનાં પુષ્પોની સુગંધ વજ્રપત્રો અને દલપત્રોની બાહ્ય અને અંદરની સપાટીએ આવેલા અધિસ્તરીય (epidermal) કોષોમાં ઉત્પન્ન થતા બાષ્પશીલ તેલને આભારી છે. છોડ પરથી પુષ્પો ચૂંટી લીધા પછી પણ કરમાઈને નાશ ન પામે ત્યાં સુધી તેઓ સુગંધ ઉત્સર્જિત કરે છે. સૂર્યાસ્ત પછી પુષ્પો ખૂલતાં સુગંધ ઉત્પન્ન થાય છે અને સૂર્યોદય પછી થોડાક જ કલાકોમાં બાષ્પશીલ તેલનું નિર્માણ બંધ થાય છે; પરંતુ રાત્રી દરમિયાન ઉત્પન્ન થયેલા બાષ્પશીલ તેલને કારણે પુષ્પો સુગંધ છોડવાનું ચાલુ રાખે છે.

જાઈનું અત્તર તેનાં પુષ્પોમાંથી સંતૃપ્તન (enfleurage) કે દ્રાવક નિષ્કર્ષણ દ્વારા મેળવવામાં આવે છે. બાષ્પ-નિસ્યંદનથી ઘણું ઓછું ઉત્પાદન પ્રાપ્ત થાય છે. સંતૃપ્તન દ્વારા દ્રાવક-નિષ્કર્ષણ કરતાં બેથી ત્રણ ગણું ઉત્પાદન મળે છે. જોકે દ્રાવક-નિષ્કર્ષણ આર્થિક રીતે વધારે મહત્વ ધરાવે છે; કેમ કે આ પદ્ધતિ દ્વારા બધા જ સુગંધિત ઘટકો મેળવી શકાય છે અને મજૂરી ખર્ચ બચે છે.

સારણી 1

જુદી જુદી નિષ્કર્ષણપદ્ધતિઓ દ્વારા

જૅસ્મિનમની જાતિઓમાં અત્તરનું ઉત્પાદન

જાતિનું નામ જલ બાષ્પ સંતૃપ્તન દ્રાવક
  નિસ્યંદન

%

નિસ્પયંદન

%

 

%

નિષ્કર્ષણ

%

જૂઈ

(J.auriculatum)

જાઈ

(J. officinale forma

grandeflorum)

મોગરો

(J. sambac)

0.02

0.02-0.022

0.02-0.025

0.03

 

0.025-0.03

 

 

0.03-0.035

0.146

 

0.18

 

 

0.15

0.04

0.04

સારણી 2

જૅસ્મિનમની ભારતીય જાતિઓનાં અત્તરનાં લક્ષણો

ગુણધર્મ જૂઈ જાઈ મોગરો
ગલનબિંદુ
વિ. ગુ. 0.9548 0.9814

(22° સે.)

0.9727-0.0797
પ્રકાશિક ઘૂર્ણન

[α]

+4.26°

(20° સે.)

વક્રીભવનાંક

(n)

1.5185 1.4970

(22° સે.)

1.506-1.507

(30° સે.)

ઍસિડ-આંક 7.2 1.16 1.51-11.36
ઍસ્ટર-આંક 132.8 121.2-131.5
સાબૂકરણ-આંક 140.04 278.06 126.7-141.0
ઍસ્ટર-દ્રવ્ય

(બૅન્ઝાઇલ)

ઍસિટેટ તરીકે)

35.7 74.8 32.45-35.2

ભૌતિકરાસાયણિક ગુણધર્મો : દ્રાવક-નિષ્કર્ષણથી મળતો જૅસ્મિન-અવશેષ મીણયુક્ત દ્રવ્ય છે. તેને નક્કર પદાર્થ (concrete) કહે છે. તેનો રંગ લાલ-બદામી હોય છે અને તે પુષ્પોની લાક્ષણિક સુગંધ ધરાવે છે. તે 95 % આલ્કોહૉલમાં અંશત: દ્રાવ્ય છે. જૅસ્મિન શુદ્ધ તત્વ (absolute) ઘટ્ટ, સ્વચ્છ, પીળું-બદામી પ્રવાહી છે અને પુષ્પોની આનંદદાયી સુગંધ ધરાવે છે. તે 95 % આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. શુદ્ધ તત્વ સમય જતાં ઘેરા લાલ રંગનું બને છે અને ભૂખરા અવસાદ(sediment)નું નિક્ષેપણ કરે છે. સંતૃપ્તન દ્વારા પ્રાપ્ત થતું શુદ્ધ તત્વ ઘેરા રાતા-બદામી રંગનું ઘટ્ટ તેલ છે. તેની સુગંધી તાજાં પુષ્પો જેવી હોય છે. સમય જતાં તે ઘેરો લાલ રંગ ધારણ કરે છે અને અવસાદનું નિક્ષેપણ થાય છે.

રાસાયણિક બંધારણ : જૅસ્મિન તેલનું મુખ્ય ઘટક બૅન્ઝાઇલ ઍસિટેટ છે. અન્ય ઘટકોમાં લિનેલાઇલ ઍસિટેટ, બૅન્ઝાઇલ બૅન્ઝોએટલ, બૅન્ઝાઇલ આલ્કોહૉલ, જીરાનિયૉલ, નેરોલ, h-α- ટર્પિનિયોલ, d – અને d1 – લિનેલૂલ, યુજેનોલ, p-ક્રેસોલ, ક્રેઓસોલ, બૅન્ઝાલ્ડિહાઇડ, જૅસ્મોન, બૅન્ઝોઇક ઍસિડ, મિથાઇલ ઍન્થ્રેલિનેટ અને ઇન્ડોલનો સમાવેશ થાય છે. ભારતીય અત્તરમાં ઍસ્ટર (બૅન્ઝાઇલ ઍસિટેટ તરીકે) 74.8 %, આલ્કોહોલ (બૅન્ઝાઇલ આલ્કોહોલ તરીકે) 15.46 %, મિથાઇલ ઍન્થ્રેલિનેટ 0.45 %, ઇન્ડોલ 1.75 % અને જૅસ્મોન 3.0 % જેટલું હોય છે.

પુષ્પોનો પેટ્રોલિયમ-ઈથરનો નિષ્કર્ષ (નક્કર પદાર્થ) બાષ્પશીલ તેલ ઉપરાંત રંગીન દ્રવ્ય અને મીણ ધરાવે છે. રંગીન દ્રવ્ય અત્તરો માટે ઉત્તમ સ્થાયીકર(fixative) છે અને શુદ્ધ તત્ત્વના નિર્માણ દરમિયાન નક્કર પદાર્થમાંથી પાછું મેળવી શકાય છે.

ઉપયોગ : ઊંચી ગુણવત્તાવાળાં અત્તરોના ઉત્પાદનમાં જૅસ્મિન તેલનો ઉપયોગ થાય છે. લગભગ બધાં ઉત્તમ કક્ષાનાં અત્તરોમાં થોડાક પ્રમાણમાં પણ જૅસ્મિન તેલ હોય છે. જોકે શુદ્ધ તત્વ અત્યંત ખર્ચાળ હોય છે; છતાં તે સર્વશ્રેષ્ઠ સુગંધ આપે છે.

જૅસ્મિન તેલનો ઉપયોગ સુગંધિત સાબુઓ, સૌંદર્યપ્રસાધનો મુખ-પ્રક્ષાલકો, દંતમંજનો, શેમ્પૂઓ અને તમાકુ બનાવવામાં થાય છે. નક્કર પદાર્થનાં આલ્કોહોલિયા ધાવન(washing)માંથી હાથરૂમાલનાં અત્તરો બનાવાય છે.

આયુર્વેદ અનુસાર જાઈ તૂરી, કડવી, લઘુ, ઉષ્ણ અને તીખી હોય છે. તે મુખપાક, કફ, વાયુ, દંતરોગ, મુખરોગ, નેત્રરોગ, મસ્તકરોગ, કોઢ, વિષ, વ્રણ, રક્તદોષ, પિત્ત, કૃમિ અને વ્રણનો નાશ કરે છે. પુષ્પો કફ અને પિત્તનો નાશ કરે છે. તેઓ મૂત્રલ, આર્તવજનક અને વાજીકર છે. તેનાં પર્ણો શીતળ, કડવાં, વ્રણશોધન, વ્રણરોપણ અને કુષ્ઠઘ્ન હોય છે. પર્ણોનો રસ ચામડીના રોગોમાં ઉપયોગી છે.

તેનો ઉપયોગ જીભ પર કાતરા પડે ત્યારે, ચાંદીઓ, કર્ણશૂળ, ઊલટી, જીર્ણજ્વર, ઉપદંશ વગેરેમાં થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ