જંબુસર : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું વડું મથક. નાંદીપુરીના ગુર્જર નૃપતિવંશના રાજાઓના સમયમાં બ્રાહ્મણોએ તે વસાવેલું હતું. આ વંશના રાજા દદ્દ બીજાના કલચુરિ સં. 380 અને 385(ઈ. સ. 629 અને 634)નાં દાનશાસનોમાં દાન ગ્રહણ કરનાર જંબુસરથી આવેલ બ્રાહ્મણનો નિર્દેશ છે. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના વલભી સં. 320(ઈ. સ. 639-40)ના નોગાવા (મધ્ય પ્રદેશ) દાનશાસનમાં પણ દાન લેનાર જંબુસરથી આવેલ બ્રાહ્મણનો ઉલ્લેખ છે. ચાલુક્ય વિજયરાજના ખેડાના કલચુરિ સં. 394(ઈ. સ. 643)ના બનાવટી દાનશાસનમાં જંબુસરના બ્રાહ્મણને દાન અપાયું હોવાનું જણાવ્યું છે. યાસ્કના નિરુક્તની આશરે ત્રીજી સદીની ‘દુર્ગવૃત્તિ’નો લેખક દુર્ગાચાર્ય જંબુસરનો હોવાનું માલૂમ પડ્યું છે. ઈ. સ.ની 13મી સદીની, વિનયચંદ્રસૂરિની ‘કાવ્યશિક્ષા’માં સમૂહવાચક શબ્દો વિશે જણાવતાં ગુજરાતનાં કેટલાંક સ્થળનામ નોંધવામાં આવ્યાં છે, જેમાં જંબુસરનો નિર્દેશ છે. જંબુસર એ પ્રાચીન કાલમાં દક્ષિણ ગુજરાતમાં બ્રાહ્મણોની વસાહતનું કેન્દ્ર હતું.
જંબુસર ભરૂચથી ઉત્તરે 47 કિમી. દૂર ઢાઢર નદીની ઉત્તરે ત્રણ કિમી. દૂર આવેલું તાલુકામથક છે. ભૌગોલિક સ્થાન : 22° 03’ ઉ. અ. અને 72° 48’ પૂ. રે. જંબુસરના મૂળ વતની જાંબુ બ્રાહ્મણ જ્ઞાતિના નામ ઉપરથી આ શહેરનું જંબુસર નામ પડ્યું છે. પ્રાચીન કાલથી વેપારવાણિજ્યના કેન્દ્ર તરીકે તે જાણીતું છે. ટંકારિયા બંદર મારફત તેનો વેપાર ચાલતો હતો. અહીંથી ગળીની નિકાસ થતી હતી. તલ, બાજરી, જુવાર, તુવેર, કપાસ, ચણા, ઘઉં વગેરેના જથ્થાબંધ વેપારનું તે કેન્દ્ર છે. તેનો ઔરંગાબાદ, જળગાંવ, નાગપુર વગેરે શહેરો સાથે બહોળો વેપાર છે. જંબુસર તાલુકાના દરિયાકિનારે મીઠું પકવવા પ્રયત્નો થયા છે. જંબુસર નજીક 550 મી. ઊંડાઈ સુધી પેટ્રોલિયમની શોધ માટે શારકામ કરાયું છે. અંકલેશ્વર સુપર તેલક્ષેત્રનો તે ભાગ છે. કાવી-ભરૂચ બ્રોડગેજ રેલવે દ્વારા તથા જંબુસર-વડોદરા ધોરી માર્ગ દ્વારા તે ભરૂચ અને વડોદરા સાથે જોડાયેલું છે. જંબુસરથી ચાર કિમી. દૂર ભાનુક્ષેત્ર છે. અહીં પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનાં મંદિરો છે. જંબુસરમાં પાંચ બૅંકોની શાખાઓ છે. શહેરમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ તથા આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ અને તાલુકા પુસ્તકાલય છે. 2022માં જંબુસરની વસ્તી 1,96,728 છે.
ભારતી શેલત
શિવપ્રસાદ રાજગોર