જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર) : પ્રાચીન ભારતીય ભુવનકોશમાં અને પુરાણોમાં વર્ણવાયેલો પ્રદેશ. શ્રીમદ્ ભાગવત પુરાણના પાંચમા સ્કંધમાં ભૂગોળ-ખગોળનું વર્ણન આવે છે. તેમાં 5–1–20માં સાત દ્વીપોમાં; જંબુ, પ્લક્ષ, શાલ્મલિ, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કરનો ઉલ્લેખ છે. આ જંબુદ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નીધ્ર હતા.
તેમાંના જંબુદ્વીપને નવ વર્ષ(ખંડ)માં વહેંચવામાં આવ્યો હતો. તેનાં નામ આ પ્રમાણે છે : (1) હિમવર્ષ, (2) કિંપુરુષવર્ષ, (3) હરિવર્ષ, (4) ઇલાવૃત્ત, (5) રમ્યક્, (6) હિરણ્મય, (7) કુરુ, (8) ભદ્રાશ્વ અને (9) કેતુમાલ.
ભાગવત વર્ણવે છે તેમ, આ જંબુદ્વીપની ચારે બાજુએ ખારા પાણીનો સમુદ્ર છે. તે પદ્મપત્ર જેવો છે. તેની મધ્યમાં મેરુ કે સુમેરુ પર્વત આવેલો છે. તેને કાંચનગિરિ તરીકે પણ ઓળખાવવામાં આવ્યો છે. સંશોધન પરથી આ અંગે કેટલાંક અનુમાનો તારવવામાં આવ્યાં છે :
(1) આ જંબુદ્વીપ એ જ આજનો એશિયાખંડ છે. જંબુદ્વીપની ચારે બાજુ ખારા પાણીનો સમુદ્ર હતો તે પ્રમાણે એશિયાખંડની ઉત્તરે આર્કટિક સમુદ્ર, દક્ષિણે હિંદ મહાસાગર, પૂર્વમાં પૅસિફિક મહાસાગર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર છે અને તેના ઉપરના ભાગે પણ (પશ્ચિમમાં) સમુદ્ર હતો, જેના અવશેષ રૂપે કાસ્પિયન સમુદ્ર અને અરલ સમુદ્ર છે. આમ ચારે બાજુથી ખારા પાણીના સમુદ્રથી વીંટળાયેલો એક સમયનો આ ભૂભાગ તે જ આજનો એશિયાખંડ.
(2) જંબુદ્વીપને પદ્મપત્રાકાર કહેવામાં આવ્યો છે. આજના એશિયાખંડને ચોતરફથી મર્યાદારેખાથી સાંધી લેવામાં આવે તો પદ્મપત્રાકૃતિ બને છે.
(3) બીજા દ્વીપો કરતાં જંબુદ્વીપને અંદરની બાજુએ ઊંડે સુધી પહોંચેલો વર્ણવવામાં આવ્યો છે. એશિયાખંડ દક્ષિણસાગરથી અને પશ્ચિમસાગરથી અંદરની તરફ આર્કટિક મહાસાગર સુધી પહોંચેલો જોઈ શકાય છે.
(4) ઇલાવૃત્તખંડમાં આવેલો મેરુ પર્વત – તેને સુમેરુ પણ કહેવામાં આવ્યો છે. ભાગવતકાર તેને કાંચનગિરિ તરીકે ઓળખાવે છે. એશિયા ખંડની મધ્યમાં આવેલા આલ્તાઈ પર્વતને મેરુપર્વત તરીકે વિદ્વાનો સ્વીકારે છે. અભ્યાસ પરથી જણાય છે કે સિક્યાંગ અને મોંગોલિયાના કેટલાક ભાગની નજીક આવેલા આ પર્વતીય વિસ્તારમાંથી આજે પણ સુવર્ણ પ્રાપ્ત થાય છે. તેથી દુનિયામાં દક્ષિણ આફ્રિકા પછી સુવર્ણપ્રાપ્તિમાં આ પ્રદેશ બીજા સ્થાને છે. આ જ કારણે આ પર્વતને કાંચનગિરિ તરીકે ભાગવતકાર ઓળખાવતા હશે. પુરાણના સમયે અહીંથી સુવર્ણપ્રાપ્તિ વિપુલ પ્રમાણમાં થતી હશે.
(5) જંબુદ્વીપના આ ભાગમાંથી યુરેનિયમની પ્રાપ્તિ પણ થતી હતી. ભાગવતપુરાણ જણાવે છે તેમ, રાજા પ્રિયવ્રતે રાત્રીને દિવસ કરવાને માટે આ જ પર્વત ઉપર એક પ્રકાશિત રથ ફરતો કર્યો હતો; જે રાત્રીના સમયે જે તે પ્રદેશને પ્રકાશિત કરતો હતો. અર્થાત્ અણુઊર્જાનો ઉપયોગ રાજાએ કર્યો હોવો જોઈએ. અહીંથી આજે પણ યુરેનિયમ રશિયાને મળે છે.
યુરેનિયમને આજની જેમ સંશોધિત કરી, તેનું અણુ-ઊર્જામાં રૂપાંતર કરી, કોઈક સ્પુટનિક પ્રકારનું સાધન મેરુપર્વતની ઊંચેરી જગ્યાએ, સ્થિર કરી રાત્રીના અંધકારને દૂર કરવામાં આવ્યો હશે.
જંબુદ્વીપના આ પ્રદેશના લોકોનું વર્ણન આપતાં ભાગવતપુરાણ કહે છે કે, આ પ્રદેશના લોકોની ચામડીને કરચલી પડતી નથી, વૃદ્ધત્વ આવતું નથી, પરસેવો થતો નથી શીતપ્રદેશનો ભાગ હોવાથી આજે પણ ત્યાંના લોકોમાં ઉપરનાં લક્ષણો સ્વાભાવિક રીતે મળે છે.
આ પ્રદેશ ગાઢ જંગલોવાળો પ્રદેશ છે, પુરાણકારે આ જંગલોને દેવતાઓનાં ઉપવનો તરીકે ઓળખાવ્યાં છે, જેવાં કે, નંદન, વૈભ્રાજક, ચૈત્રરથ, સર્વતોભદ્ર વગેરે. આજના એશિયાના આ પ્રદેશમાં ટુંડ્રની દક્ષિણે યુરોપથી સાઇબીરિયાના પૂર્વ છેડા સુધી શંકુદ્રુમ જંગલો ‘ટૈગા’ નામે ઓળખાય છે. મોટે ભાગે આ પ્રદેશ એશિયાટિક રશિયનોનો છે.
આ જંબુદ્વીપમાં ઇલાવૃત્તની દક્ષિણે નિષધ, હેમકૂટ, હિમવાન પર્વતો છે, જે આજે અનુક્રમે અલ્ટાઈ, તિયાનશાન, કુનલુન, નાનશાન તેમજ હિમાલયને નામે ઓળખાય છે. તે ચીન, તિબેટ અને ભારતમાં આવેલા છે.
નીલ, શ્વેત, શૃંગવાન પર્વતો આજની ભૂગોળમાં અનુક્રમે તારાબાટી, સાયન, વર્ખોયાન્સ હારમાળા, સ્ટાનોવૉય હારમાળા અને કેરસ્કોગો પર્વત નામે પ્રસિદ્ધ છે. આ પર્વતો પશ્ચિમ અને મધ્ય સાઇબીરિયાના પ્રદેશમાં આવેલા છે.
મેરુપર્વત(આલ્તાઈ પર્વત)ની નજીકમાં આવેલી પર્વતમાળાઓને સુપાર્શ્વ તરીકે ઓળખવામાં આવે છે; જે આજની ભૂગોળમાં પામીરની ગિરિમાળા અલાઈન શિખર, ગોલ્ડવીન, ઑસ્ટ્લીન (કેતુ) પર્વતોવાળો પ્રદેશ છે. આ પર્વતો માટે યોજાયેલ સુપાર્શ્વ શબ્દ સ્પષ્ટ છે. ગંધમાદન-કુન-લુન પર્વત, માલ્યવાન, તિયાનશાન પર્વત, ખિન્નાન પર્વત, મેરુ-મંદર યાબ્લોનોવ્યા હારમાળા, તેમજ કુમુદ પર્વત પણ તેમાં જોવા મળે છે.
જંબુદ્વીપની નદીઓ ભાગવતકારે જે વર્ણવી છે, તે આજે નામાંતરે આ પ્રમાણે છે :
ક્રમાંક | પૌરાણિક | આજનું નામ | ક્યાંથી ક્યાં ? | કોને મળે છે ? |
1. | અલકનંદા | બ્રહ્મપુત્રા | હિમવાનથી
હેમકૂટ-ભારતવર્ષ |
હિન્દ મહાસાગર |
2. | સીતા | હોવાંગ-હો | ગંધમાદન-(કુન-
લુનશાન પર્વત) ભદ્રાશ્વ |
પૅસિફિક
મહાસાગર |
3. | ચાક્ષુષ | આમુ | તિયાન-શાન-
પર્વત કેતુમાલ |
પશ્ચિમ સાગર
(કાસ્પિયન તેમજ અરબી સમુદ્ર) |
4. | ભદ્રા | લીના | આલ્પઇનની ઉત્તરેથી
શૃંગવાન બાજુથી ઉત્તર કુરુ |
આર્કટિક સમુદ્ર |
આ ઉપરાંત જંબુદ્વીપની નદીઓ આ પ્રમાણે છે : સુપાર્શ્વ પર્વતમાંથી વહેતી પાંચ નદીઓ, લીલી, ચૂ, સીરદરયા, આમુદરયા છે, જે પૌરાણિક ઇલાવૃત્ત ખંડની પશ્ચિમે એટલે આજના માંગોલિયાના કેટલાક ભાગમાં થઈને સિક્યાંગ તરફ વહે છે.
કુમુદપર્વતમાંથી નીકળતી અનેક નદીઓનો પણ ઉલ્લેખ છે. તે આજની તુંગસ્કા, અંગારા, ઇરીટ્સી વગેરે હોવી જોઈએ. આલ્તાઈ પર્વત પાસે આવેલા કોબ્ડાના પર્વતાળ ઉચ્ચપ્રદેશમાંથી નીકળીને એકબીજીને મળતી આ નદીઓ નદ-સ્વરૂપ ધારણ કરે છે.
જંબુદ્વીપનાં સરોવરોનો ઉલ્લેખ કરતાં પુરાણકારે કોબ્ડાપર્વતાળ પ્રદેશ–કુમુદ પર્વત ઉપર (શબ્દસામ્ય શોધી નિર્વચન-ભાષાશાસ્ત્રી રીતે વિચારો) આવેલ સરોવરનો ઉલ્લેખ કર્યોં છે, જે આજની ભૂગોળમાં (1) બાલકશ, (2) ઇબિક સરોવર, (3) ઝૈસાન અને (4) બેકલ સરોવર તરીકે ઓળખાય છે.
મેરુપર્વતની નજીકમાં ભાગવતકારે બીજા 20 પર્વતો ગણાવ્યા છે.
આ જંબુદ્વીપના નવ વર્ષમાંનો એક તે ભારતવર્ષ છે. ઋષભદેવના સો પુત્રોમાં ભરત સૌથી મોટા હતા, તેમને આ વર્ષનું રાજ્ય સોંપવામાં આવ્યું હતું. તેમના ‘ભરત’ નામ ઉપરથી આ વર્ષ ભારતવર્ષ કહેવાયો. તેમાંનો હિમવાન–હિમાલય પર્વત બીજાં વર્ષોથી ભારતવર્ષને જુદો પાડે છે. ભાગવતપુરાણકાર આ વર્ષને કર્મક્ષેત્ર તરીકે ઓળખાવે છે, જ્યારે અન્ય વર્ષોને ભોગભૂમિ ગણાવે છે.
વિનોદ પુરાણી