જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) : શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમોના છઠ્ઠા અંગ નાયાધમ્મકહાઓ-(જ્ઞાતાધર્મકથાઓ)નું છઠ્ઠું ઉપાંગ. તેનો વિષય તેના નામ મુજબ જંબુદ્વીપનો પરિચય આપવાનો છે.
આચાર્ય મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી; પરંતુ કાળબળે નાશ પામી. ત્યારબાદ બાદશાહ અકબરને પ્રતિબોધ આપનાર આ. હીરવિજયસૂરિજીના શિષ્ય શાંતિચન્દ્ર ઉપાધ્યાયે ગુરુઆજ્ઞાથી વિ. સં. 1650માં પ્રમેયરત્નમંજૂષા નામે ટીકા રચી હતી. આનાં અનેક સ્થાનો ત્રુટિત હતાં. તેમની પૂર્તિ જીવાજીવાભિગમ આદિ ગ્રંથોના આધારે કરવામાં આવી છે.
ગ્રંથના પૂર્વાર્ધમાં 4 અને ઉત્તરાર્ધમાં 3 મળી કુલ 7 વક્ષસ્કાર- (અધ્યાય)માં કુલ 176 સૂત્રો છે.
પ્રથમ વક્ષસ્કારમાં જંબુદ્વીપસ્થિત ભરતક્ષેત્ર(ભારતવર્ષ)નું વિસ્તૃત વર્ણન છે. ગંગા-સિંધુ અને વૈતાઢ્ય (વેદ્યર્ધ) પર્વતના લીધે થતા ભારતના 6 ભાગો, તેનો વિસ્તાર, વૈતાઢ્યનું વર્ણન, વિદ્યાધરો ઇત્યાદિ ભારતવર્ષવિષયક ભૌગોલિક સામગ્રીનું આમાં વર્ણન છે.
બીજા વક્ષસ્કારમાં અવસર્પિણી અને ઉત્સર્પિણીનું વર્ણન કરતાં સુષમા-સુષમા, સુષમા-દુષમા, દુષમા-સુષમા, દુષમા અને દુષમા-દુષમા એ 6 પ્રકારના કાળનું વર્ણન છે. સુષમા-સુષમા કાળમાં 10 પ્રકારનાં કલ્પવૃક્ષોનું વર્ણન છે. સુષમા-દુષમા કાળમાં 15 કુલકરો અને તેમાં નાભિ કુલકર, તેની પત્ની મરુદેવી અને તેમના પુત્ર પ્રથમ રાજા, પ્રથમ કેવળી, પ્રથમ તીર્થંકર અને પ્રથમ ધર્મવર ચક્રવર્તી એવા ભગવાન ઋષભદેવનું વિસ્તૃત વર્ણન છે; તેમણે કેવી રીતે પ્રજાને કલાઓ અને હુન્નરો શીખવ્યાં તેનું નિરૂપણ છે. અંતમાં તેમની તપસ્યા અને ધર્મોપદેશનું વર્ણન છે. દુષમા-સુષમા નામે ચોથા કાળમાં અરહંત, ચક્રવર્તી અને દશાર વંશોના 23 તીર્થંકર, 11 ચક્રવર્તી, 9 બળદેવ અને 9 વાસુદેવોની ચર્ચા છે.
ત્રીજા વક્ષસ્કારમાં ભગવાન ઋષભદેવના પુત્ર, પ્રથમ ચક્રવર્તી ભરતનું જીવનચરિત્ર અને તેની વિજયયાત્રાનું વિસ્તૃત વર્ણન છે. અંતમાં ભરતને થતા કેવળજ્ઞાનનો પ્રસંગ છે. ચોથા વક્ષસ્કારમાં જંબુદ્વીપનાં અન્ય ક્ષેત્રોનાં વિવિધ પર્વતો, નદીઓ આદિનું વર્ણન છે. પાંચમા વક્ષસ્કારમાં આઠ દિશાકુમારીઓ દ્વારા ઊજવાતા તીર્થંકરના જન્મોત્સવનું વર્ણન છે. છઠ્ઠા વક્ષસ્કારમાં જંબુદ્વીપનાં સાત ક્ષેત્ર અને ત્રણ તીર્થનો ઉલ્લેખ છે. સાતમા વક્ષસ્કારમાં જંબુદ્વીપનાં સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, ગ્રહો, સંવત્સરો આદિની જ્યોતિષવિષયક માહિતી છે.
આમ જંબુદ્દીવપણ્ણત્તિ જૈન આગમોમાં ગણિતાનુયોગનો અર્થાત્ ભૂગોળ-ખગોળને લગતો પ્રાચીન ગ્રંથ છે.
રમણિકભાઈ મ. શાહ