છૂંદણાં : શરીર ઉપર છૂંદીને પાડેલું અલંકારરૂપ ટપકું, ભાત કે આકૃતિ. કુદરતે દીધેલા રૂપને વધુ દેદીપ્યમાન બનાવવા, યૌવનને વધુ આકર્ષક બનાવવા માનવી આદિકાળથી મથામણ કરતો રહ્યો છે. છૂંદણાં એ આદિકાળથી લોકનારીના સૌંદર્યનું પ્રતીક બની રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં છૂંદણાં પડાવવાં એને ત્રાજવડાં ત્રોફાવવાં એમ કહેવામાં આવે છે. સ્ત્રીના થાનનું દૂધ અથવા તાંદળજાની ભાજીનો રસ તથા કાજળ ભેગાં કરી તેનું ચામડી ઉપર ટપકું કરી તે ટપકાંને સોયની અણીએ ટોચ્યા કરી અને પછી લોહી નીકળે ત્યારે તેના ઉપર હળદર ને મેશ દાબવાથી પડતો ડાઘ તે છૂંદણું.
હિંદી ભાષામાં ‘गोदनें’ના નામે ઓળખાતાં છૂંદણાં આદિવાસી સંસ્કૃતિના ઉદગમ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હોવાનું વિદ્વાનો માને છે. જૂના કાળમાં આદિવાસીઓએ પોતાના વંશવેલાને ઓળખવા માટે સ્ત્રીપુરુષ બંનેનાં શરીર ઉપર અમુક ચોક્કસ પ્રકારની નિશાનીઓ અંકિત કરવાની પ્રથા દાખલ કરી હતી. કાળક્રમે આ પ્રથામાં આવેલાં પરિવર્તનો પછી માત્ર માતૃવર્ગનાં અંગો રંગવાનું ચાલુ રહ્યું. પોતપોતાનાં કુળોને ઓળખવા માટે કુળવાર આકૃતિઓ નક્કી થઈ. સામાજિક વ્યવહારોમાં કે લગ્ન જેવા પ્રસંગોમાં પોતપોતાના ટોળાના ગોત્રને ઓળખવા માટે આ નિશાનીઓ જરૂરી જણાવા લાગી એમ તદ્વિદોનું કહેવું છે. કોઈ તો વળી છૂંદણાંને શરીરના સૌંદર્યાલંકારના એક અંગ તરીકે ઓળખાવે છે; પણ શરીરનાં જુદાં જુદાં અંગો પર વનસ્પતિના રસોથી ખાસ પ્રકારની ટકાઉ આકૃતિઓ કાઢવાની પ્રથા ઘણી જૂની છે.
છૂંદણાં પડાવવાનો રિવાજ ગુજરાતના આદિવાસીઓ ઉપરાંત અનેક જાતિઓમાં જોવા મળે છે. પ્રશાંત મહાસાગરમાં આવેલા બેટો ઉપર વસતા જંગલી લોકો આખા શરીરે છૂંદણાં પડાવે છે. સૌરાષ્ટ્રના સૈનિક, કાઠી, કારડિયા, સથવારા, ચારણ, ભરવાડ, રબારી, કોળી, કણબી, આયર, રખેહર તથા ચમાર જેવા લોકવરણમાં છૂંદણાંનો રિવાજ જોવા મળે છે. આજે આ રિવાજ થોડા અપવાદોને બાદ કરતાં લગભગ લુપ્ત થવા લાગ્યો છે.
જૂના કાળે ગામડાગામમાં છૂંદણાં પાડવાનું કામ વાઘરી સ્ત્રીઓ કરતી. માટીના વાસણમાં ‘બીઆ’ના લાકડાના કટકા પલાળેલું લીલા રંગનું પાણી, તાવડીની કાળી મેશ અને મલોખા(જુવારના રાડાની સુકાયેલી ચીપ ઉખાડેલી કાતળી)માં સોય નાખીને એ ઘરોઘર ફરતી ને કુંવારી કન્યાનાં અંગો પર કે રંગીલા જુવાનિયાના હાથ પર છૂંદણાં માંડી આપતી. વાઘરી સ્ત્રીપુરુષો વારતહેવારે ભરાતા મેળામાં જઈને પણ છૂંદણાં પાડી આપતાં. પછીથી છૂંદણાં પાડવાનાં નાનાં યંત્રો આવ્યાં. તેનાથી ધ્રૂજતી સોય વડે છૂંદણાં પડાવા લાગ્યાં.
છૂંદણાંનાં નોખાં નોખાં ચિત્રો અને પ્રતીકો છે. એનાં રૂપાંકનોમાં પણ લોકકળાનું સૌંદર્ય ઊડીને આંખે વળગે છે. લોકવરણના પુરુષો પોતાના હાથ પર લાડવા, માખી, સાંકળી, પહોંચી અને જોતરનાં પ્રતીકો પડાવે છે; જ્યારે ધર્મમાં શ્રદ્ધા ધરાવતા આસ્તિક પુરુષો હાથે રામનામ, રાધાકૃષ્ણ, સીતારામ, ઓમ્ વગેરે લખાવે છે. તો કોઈ વળી હાથ ઉપર હડી કાઢતા હનુમાન જતિ, વાંસળી વગાડતો કાનુડો, શંકરપાર્વતી, ધનુષધારી રામ, અંબામાતા, લક્ષ્મીજી તથા કપાળમાં રામનું બાશિંગ, સીતાનું બાશિંગ, વૃંદાવન, રથ, તુલસી, ત્રિશૂલ વગેરે પ્રતીકો પડાવે છે. ભાલ પંથકના નાનાભાઈ ભરવાડો નેણ ઉપર છૂંદણાં પડાવે છે. હરિજન પુરુષો ગાલની ટસર પર માખી જેવાં છૂંદણાં પડાવે છે; જ્યારે જંતરમંતર ને વશીકરણની વિદ્યા જાણવાવાળા ભગત ભૂવાઓ, પોતાની છાતી પર ‘નરમુંડ’ પડાવે છે એમ ખોડીદાસ પરમાર નોંધે છે.
જુદી જુદી જાતિની નારીઓ હાથે પગે અને મોં ઉપર અનેક ભાતનાં છૂંદણાં પડાવે છે. રબારણો પગની પાનીથી માંડીને ઢીંચણ સુધી, આદિવાસી યુવતીઓ સાથળ સુધી અને હાથની આંગળીથી લઈને કોણી સુધી અને મોં તથા ડોક પર છૂંદણાં પડાવે છે. ભરવાડ નારીઓનાં છૂંદણાંમાં ગોપસંસ્કૃતિ અને સંસ્કારનાં વિશિષ્ટ પ્રતીકો ડેર, ગાય, જોતર, લાડવો, દાણા ઉપરાંત કાવડ, વાવ, દેરડી, એલચડી, ફળ, ખજૂરી, માખ, વીંછી, મોર વગેરે પરંપરાગત ભાતપ્રતીકોની સાથે દેરડી, ધજા, બીજ, ઝાડ, હરબી, કમળફૂલ, નાવડી, ગવરી, ખેરિયા, આંબાપાડા, ચારણી, પીપળાનાં પાન, માશા, રાઈફૂલ, રામનું પારણું વગેરે વિશિષ્ટ પ્રતીકો જોવા મળે છે. સ્ત્રીઓ ગાલે, બે ભમરો વચ્ચે અને હડપચીએ છૂંદણાં પડાવે છે. કેવળ શરીર શણગારવાને માટે ફૂલ, પાંદડી કે પક્ષીના આકારો છૂંદાવવા પૂરતો જ એ શોખ નહોતો, પણ ઈશ્વર અથવા ઇષ્ટદેવ કે દેવીનાં નામો તેમજ આકૃતિઓ જેવાં કે રાધાકૃષ્ણનાં મહોરાં વગેરે છૂંદાવવા સુધીનો ધર્મભાવ પણ તેમાં હતો.
ભારતના આદિવાસીઓમાં પણ જુદી જુદી રીતે છૂંદણાં પડાવવાનો રિવાજ જાણીતો છે. કોઈ છૂંદણાંની આડી તીરછી રેખાઓ પડાવે છે તો કોઈ વળી અમુક નક્કી કરેલાં અંગો પર જ તે પડાવે છે. તેઓ કપાળ પર ત્રિકોણ, છાતી પર મોરનું ચિત્ર અને હાથ પર હળદરની ગાંઠના આકાર જેવાં ચિત્રો કરાવે છે. હાથની પાછળ ઝૂંપડી, જાંઘમાં પાતળી તીરછી રેખાઓ તથા ધનુષનાં ચિત્રો અને ઘૂંટણો પર માછલાંના કાંટ (દાંતિયા જેવા હાડકાં) અને ચકમકનાં અને પીઠ પર મધમાખીઓનાં પ્રતીકો ચિતરાવે છે. છત્તીસગઢી આદિવાસી સ્ત્રીઓ લમ્મર, કરેલાચાની, લવાંગફૂલ, કૂહડા ફૂલ, ભમરો, હાથી, મોર, વીંછી, ગોજરા, કુરાલસેર, ચાંઉ, મંજૂર, સિંકરી, માખી અને ધંધાપોથી જેવાં છૂંદણાંના અનેરાં પ્રતીકો પડાવે છે એમ કાંતિકુમારે નોંધ્યું છે.
ભીલ, ગરાસિયા અને અન્ય આદિવાસી જાતિઓમાં કન્યાને છૂંદણાં છૂંદાવવાનો પ્રારંભ થાય ત્યારે વિશિષ્ટ ઉત્સવ ઊજવાય છે. ઢોલના તાલે તાલે નૃત્યગાન ચાલે છે. આ પ્રસંગે ગવાતા ગીતમાં માતા પોતાની દીકરીને શિખામણ આપે છે : ‘મારી વહાલી દીકરી´! તું બંગડી ખરીદીશ તો થોડા વખતમાં તૂટી-ફૂટી જશે, પણ છૂંદણાં તો તને જિંદગીભર સાથ આપશે. આ લોક છોડીને પરલોકમાં જઈશ ત્યાં પણ તને તે સાથ આપશે. જ્યારે જગતના સ્વાર્થી લોકો તું જીવતી હોઈશ ત્યાં સુધી જ તારી સાથે રહેશે. તું છૂંદણાં છૂંદાવવાની પીડા ઘડીભર કાળજું કઠણ કરીને સહન કરી લેજે.’
શરીરના રૂપલાવણ્યની સાથે સંકળાયેલાં ત્રાજવાં વિશે લોકસમાજમાં અનેક પ્રકારની માન્યતાઓ, વિશ્વાસ અને શ્રદ્ધા પ્રવર્તતાં જોવા મળે છે. જેમ કે : (1) હાથ ઉપર હનુમાન જતિ, માતા કે દેવદેવીનું છૂંદણું હોય તો અંધારામાં બીક લાગતી નથી. સીમ, શેઢે એકાંતે ભૂતપલીત કનડતાં નથી. (2) મોં પર છૂંદણું પડાવવાથી કોઈની બૂરી નજર લાગતી નથી. (3) હાથે, પગે નાગ કે વીંછીનું છૂંદણું પડાવ્યું હોય એને નાગ, વીંછી જેવાં ઝેરી જનાવરો કરડતાં નથી, કદાચ કરડે તો એના ઝેરથી માનવી મરતો નથી. (4) આદિવાસીઓ માને છે કે છૂંદણાં પડાવેલી નારી એના પતિને કદી છેતરતી નથી, વિશ્વાસઘાત કરતી નથી. (5) છૂંદણાં પડાવેલી નારી કદી વંધ્યા રહેતી નથી. (6) છૂંદણાંમાં સંમોહન શક્તિ રહેલી છે. છૂંદણાંવાળી કન્યા મનના માનેલાને મેળવી શકે છે. (7) રબારી ભરવાડો માને છે કે જે સ્ત્રીપુરુષના હાથ પર રવૈયાનું ફૂલ ત્રોફાવેલું હોય એના આંગણે અખંડ દૂઝણું રહે છે. એનાં છોકરાં કાયમ ઘી-દૂધે વાળુ કરે છે. (8) સ્ત્રીએ ટચલી આંગળી પાસેની અનામિકા પર ત્રણ ત્રાજવાની દેરડી પડાવેલી હોય તો તેને ‘મામેળો’ કહેવામાં આવે છે. ‘મામેળો’ એટલે મરતી વખતે આ સ્ત્રીને એની માનો મેળાપ થાય છે. (9) જે નારી કપાળમાં ચાંલ્લાની જગાએ હિંગળોકનું ત્રાજવું પડાવે છે એનો ચૂડીચાંલ્લો અખંડ રહે છે એવી લોકમાન્યતા છે. (10) આદિવાસીઓ માને છે કે છૂંદણાં પડાવેલી સ્ત્રી ચારિત્ર્યશીલ અને પતિને વફાદાર હોય છે. (11) સ્ત્રી પગની ઘૂંટી પર છૂંદણું પડાવે તો એના ઘરમાં ‘કેડ્ય સમાણું કામ ને ગોઠણ સમાણું ધાન’ રહે છે. (12) સૌરાષ્ટ્રમાં લોકો એમ કહે છે કે જે માણસ શરીર પર છૂંદણાં નથી પડાવતો એને બીજા જનમમાં સાંઢિયાનો અવતાર મળે છે અને એને ઊની ઊની રેતીના રણમાં દોડવું પડે છે. રબારીઓ એમ માને છે કે શરીર પર છૂંદણાં ન પડાવનાર સ્ત્રીને બીજા ભવમાં આખલાનો અવતાર મળે છે.
છૂંદણાંની સાથે રૂપસૌંદર્યની, ગોત્રની ઓળખની, ધર્મભાવનાની અને સંસ્કૃતિની વાત સંકળાયેલી હોવા છતાં એની પાછળ આયુર્વેદ વિજ્ઞાન પણ પડેલું જોઈ શકાય છે. માનવીના શરીર પર રસોળીની ગાંઠ નીકળે ને વધવા માંડે ત્યારે એ ગાંઠ પર છૂંદણું છૂંદાવવાથી ગાંઠ વધતી અટકી જાય છે એવા દાખલા બને છે. ‘છૂંદણાં છૂંદવાં’ એ કહેવતના અર્થમાં પણ પ્રયોજાય છે. એનો અર્થ થાય છે ‘વારંવાર વાંકા પાડી પાડીને કનડવું. ટોચ ટોચ કરવું. એક ને એક દોષને આગળ ધરીને મહેણાંટોણાં માર્યાં કરવા.’ આમ છૂંદણાંનો સંસ્કાર લોકજીવન સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
જોરાવરસિંહ જાદવ