છીપ (Bivalve) : પરશુપદી વર્ગનાં, બે ચૂનાયુક્ત કડક આવરણો વચ્ચે ઢંકાયેલા દરિયાઈ કે મીઠા પાણીના મૃદુકાય સમુદાય(phylum)ના જીવો. મીઠા પાણીની છીપોનાં બાહ્ય કવચ દરિયાઈ છીપોના કવચ કરતાં પાતળાં અને નાજુક હોય છે. તે બે કવચ ધરાવતાં હોવાથી તેમને દ્વિપુટ (bivalve) પણ કહે છે. પરશુપદી વર્ગના આ જીવોનો એકમાત્ર માંસલ પગ પરશુ એટલે ફરસી આકારનો હોવાથી તેમને પરશુપદી વર્ગ(Pelecypoda)માં મૂકવામાં આવ્યા છે. મોતીની છીપ અને અન્ય ખાદ્ય અને અખાદ્ય છીપોને આ વર્ગમાં મૂકવામાં આવે છે. આ વર્ગમાં 7000થી વધુ છીપોની જાતિઓ નોંધાઈ છે; જેમાં ક્લૅમ્સ(Clams), સ્કેલૉપ, મસેલ શંબુછીપ, અને ઑઇસ્ટર (શક્તિછીપ) પ્રકારની છીપોનો સમાવેશ થાય છે.
છીપોની મુખ્ય ખાસિયતો આ પ્રમાણે છે : (i) તેની બંને છીપો એકબીજા સાથે મિજાગરાની માફક જોડાયેલી હોય છે. (ii) તેમનું શરીર અને માંસલ પગ પાર્શ્વ ભાગથી ચપટાં હોય છે. (iii) તેમાં શીર્ષનો અભાવ હોય છે અને સાથે સાથે સંવેદનાંગોનો પણ. (iv) અન્ય મૃદુશરીર (molluscan) પ્રાણીઓ કરતાં છીપની પ્રાવાર-ગુહા (mantle cavity) વિસ્તૃત હોય છે. (v) છીપ મોટા ભાગે સ્થાયી જીવન ગુજારે છે અગર તેના માંસલ પગથી ધીમે ધીમે ખસે છે. (vi) અન્ય મૃદુશરીરોમાં જોવા મળતી રેત્રિકા (radula/odontophor) છીપોમાં જોવા મળતી નથી. (vii) કંકત ઝાલર (ctendia) પ્રકારની વિશિષ્ટ ઝાલર શ્વસન અને ખોરાકના કણો ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. (viii) છીપો મુખ્યત્વે દરિયાઈ જીવ છે. 10-15 ટકા મીઠા પાણીની છે.

છીપ
છીપ મુખ્યત્વે ઉષ્ણકટિબંધ-વિસ્તારોમાં જોવા મળે છે, કેટલીક પ્રજાતિઓ શીત પ્રદેશોમાં અને પર્વતોની ઊંચાઈએ આવેલાં શીત સરોવરોમાં પણ જોવા મળે છે. છીપ અને મૃદુશરીર (સમુદાયના) પ્રાણીજીવો અનેક જાતના જળચર અને કિનારે વસનારાં પ્રાણીઓનો અને ખાસ કરીને જળ-નિવાસી પક્ષીઓનો મુખ્ય ખોરાક છે. ઘણાં પક્ષીઓ તેમની મજબૂત ચાંચ વડે છીપ તોડીને તેમાંનાં મૃદુ અને માંસલ અંગોનો આહાર કરે છે. સામાન્ય રીતે બંને છીપોમાં રહેલા અભિવર્તક સ્નાયુઓ (adductor muscle) છીપના કોચલાને અંદરથી જકડી રાખે છે. બંધ છીપ આથી ખોલવી મુશ્કેલ હોય છે. અભિવર્તક સ્નાયુઓના સંકોચનથી છીપો બિડાય છે અને આકુંચક સ્નાયુઓ (retractor muscles) સંકોચાતાં છીપો ખૂલે છે.
બંને છીપની અંદરના ભાગમાં પ્રાવાર (mantle)નું આવરણ આવે છે. માંસલ પ્રાવારની અંદર પ્રાવાર-ગુહા હોય છે. તેની અંદર શરીરનાં અંત:સ્થ અંગો ઢંકાયેલાં હોય છે, જેમાં વક્ષભાગમાં એક માંસલ પગ અને પાર્શ્વ ભાગમાં ટેનિડિયા નામે ઓળખાતી ઝાલરો હોય છે. છીપના અગ્ર છેડે મુખ હોય છે; અને પશ્ચ છેડે પાણી ગ્રહણ કરનાર અંતર્વાહી બકનળી (incurrent siphon) અને પાછું કાઢનાર બહિર્વાહી બકનળી (iexcurrent siphon) હોય છે. કેટલીક છીપોમાં તેમનાં કવચો અસમાન હોય છે અને કેટલીક છીપો જમીન કે ખડકો સાથે ચોંટી રહે છે. ઑસ્ટ્રિડી કુળની કેટલીક જાતોનો ખોરાક અર્થે ઉછેર કરવામાં આવે છે. પિંકટાડા પ્રજાતિની છીપોમાં મોતી પાકે છે. ભારતમાં મોતી-છીપનો ઉછેર થાય છે.
મ. શિ. દૂબળે
રા. ય. ગુપ્તે