છારી ઢંઢ (કચ્છ) : પક્ષીઓનું સ્વર્ગ (રામસર સાઇટ).
કચ્છ જિલ્લામાં કચ્છના રણના શુષ્ક બન્ની ઘાસનાં મેદાનો અને કળણવાળા મીઠાનાં મેદાનોની ધાર પર સ્થિત, છારી ઢંઢ વેટલૅન્ડ કન્ઝર્વેશન રિઝર્વ ભારતમાં એક સંરક્ષિત જળપ્લાવિત ક્ષેત્ર છે. સ્થાનિક કચ્છી ભાષામાં, છારીનો અર્થ “ખારી” અને ઢંઢનો અર્થ “છીછરી ભીની જમીન” થાય છે. આ મોસમી રણ વેટલૅન્ડ ચોમાસા દરમિયાન કળણવાળી બને છે અને ઉત્તર તરફ વહેતી નદીઓ અને આસપાસની ટેકરીઓ દ્વારા પોષણ મેળવે છે. આ વિસ્તાર આમ તો પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતો જ હતો, પરંતુ તેને રામસર સાઇટનો દરજ્જો મળતાં આ જગ્યાના પ્રવાસન આકર્ષણમાં ઓર ઉમેરો થયો છે – જાન્યુઆરી 2026માં, તેને ગુજરાતના પાંચમા અને કચ્છના પ્રથમ રામસર સ્થળ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી.
દુનિયાભરમાં આવા જળપ્લાવિત વિસ્તારોનું પર્યાવરણની દૃષ્ટિએ સંરક્ષણ થાય તે હેતુથી આવાં સ્થળોને ‘રામસર સાઇટ’નો દરજ્જો આપવામાં આવે છે.
પક્ષીનિરીક્ષકો અને પક્ષીવિદો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે, કારણ કે તે દર વર્ષે ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન સ્થળાંતર કરનારાં પક્ષીઓની અસંખ્ય પ્રજાતિઓને આકર્ષે છે, આમ આ સ્થળની સમૃદ્ધ જૈવવિવિધતાને કારણે તેને ‘રામસર સાઇટ’ દરજ્જો આપવામાં આવ્યો છે.. આ વેટલૅન્ડ ડાલ્મેટિયન પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર, બ્લૅક-નેક્ડ સ્ટોર્ક અને ઇન્ડિયન સ્કિમર જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું ઘર છે, જ્યારે હજારો ફ્લેમિંગો, કૉમન ક્રેન્સ, પેઇન્ટેડ સ્ટોર્ક, રેપ્ટર્સ અને સ્પૂનબિલ્સ વગેરે પણ અહીં જોઈ શકાય છે. વધુમાં, આ વેટલૅન્ડ લુપ્તપ્રાય પક્ષીઓ ઉપરાંત ચિંકારા, વરુ, કારાકલ, રણ બિલાડીઓ અને રણના શિયાળને પણ આકર્ષે છે. અહીં શિયાળામાં 30 હજારથી વધુ કૉમન ક્રેન સહિત હજારો પક્ષીઓ આવે છે. આ ઉપરાંત વૈશ્વિક ધોરણે અતિ ભયગ્રસ્ત સ્થિતિમાં મનાતી ટિટોડીની પ્રજાતિ sociable Lapwing એટલે કે મળતાવડી ટિટોડી પણ અહીં જોવામાં આવે છે.
કચ્છ જિલ્લાના બન્ની ઘાસનાં મેદાનો પાસે આવેલ આ વિસ્તાર, જેનું નામ તેના ‘છીછરા ખારા પાણીના તળાવ’ પરથી પડ્યું છે, તે 370 થી વધુ સ્થળાંતરિત અને સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓ (ફ્લેમિંગો, ક્રેન્સ, વગેરે) માટે એક મહત્ત્વપૂર્ણ શિયાળુ સ્થળ છે. ગુજરાતમાં આ પહેલાં નળ સરોવર, થોળ તળાવ, ખીજડિયા અને વઢવાણા તળાવ – આ ચાર રામસર સાઇટ હતી. રામસર સાઇટનો દરજ્જો મળતાં, છારી ઢંઢ ખાતે ઇકો ટૂરિઝમને વેગ મળશે. અમદાવાદથી 410 અને ભુજથી 80 કિમીના અંતરે, કચ્છના નખત્રાણા તાલુકાના ફુલાય ગામ પાસે આવેલ છારી ઢંઢ અંદાજે 227 ચોરસ કિલોમીટર એટલે કે 22,700 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. સામાન્ય રીતે વિવિધ ઋતુઓમાં અહીંનું તાપમાન 6થી 47 ડિગ્રી જેટલું રહેતું હોય છે. શિયાળામાં અહીં સાઇબીરિયા, મધ્ય એશિયા અને યુરોપનાં અલગ અલગ પ્રજાતિનાં પક્ષીઓ મોટી સંખ્યામાં સ્થળાંતર કરીને આવે છે. છારી ઢંઢનો વિસ્તાર રકાબી જેવો છે, જેમાં સારા ચોમાસા બાદ પાણી જમા થતાં તે તળાવ જેવું સ્વરૂપ ધારણ કરે છે અને બેથી અઢી લાખ યાયાવર પક્ષીઓ અહીં ડિસેમ્બરથી માર્ચ સુધી જોવા મળે છે.
આમ છારી ઢંઢ વેટલૅન્ડ રિઝર્વ, એ પક્ષીપ્રેમીઓ અને વન્યજીવન ઉત્સાહીઓ માટે મુલાકાત લેવા જેવું સ્થળ છે. આ વેટલૅન્ડ રિઝર્વ ગુજરાતની કુદરતી સુંદરતા અને વન્યજીવનનો અનુભવ કરવાની એક અનોખી તક આપે છે અને આ વિસ્તાર માત્ર પક્ષીઓ માટે આશ્રયસ્થાન નથી, પરંતુ સ્થાનિક વન્યજીવનને ટેકો આપતા શુષ્ક વિસ્તારોમાં પાણીનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત પણ છે. અહીં ઊગતા પ્રહરનું પ્રવાસન અને પંખીઓની હરકતો આહ્લાદક હોય છે.
વન વિભાગના અધિકારીઓના અનુસાર ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા(IBA)ની બુકમાં ભારતભરમાંના આવા બર્ડ પ્લેસમાં કચ્છના છારી ઢંઢને પ્રથમ નંબરનું સ્થાન મળ્યું છે.
ત્રિલોક સંઘાણી
