છાઉ : ભારતની વિશિષ્ટ નૃત્યશૈલી. ભારતનાં પૂર્વીય રાજ્યો બંગાળ, બિહાર અને ઓરિસામાં થતાં છાઉ નૃત્યો ભારતીય તેમજ દુનિયાની નૃત્યપરંપરાઓમાં આગવું સ્થાન ધરાવે છે. નૃત્યમાં થતો મહોરાંનો ઉપયોગ અને અનોખી દેહક્રિયા આ શૈલીની વિશિષ્ટતા છે. છાઉના મુખ્ય 3 પ્રકાર છે, જે તે વિસ્તારના નામથી ઓળખાય છે : બંગાળના પુરુલિયા જિલ્લાનું પુરુલિયા છાઉ, બિહારના સિંઘભૂમ વિસ્તારના સરાઈકેલા ગામનું સરાઈકેલા છાઉ અને ઓરિસાના મયૂરભંજ જિલ્લાનું મયૂરભંજ છાઉ.
છાઉનાં ઉત્પત્તિ, ઇતિહાસ અને નામ વિશે અનેક અટકળો બંધાય છે. આ પ્રદેશની જનજાતિઓ અને ગ્રામીણો દ્વારા થતી આ નૃત્યશૈલી ઘણી પ્રાચીન છે. પુરુલિયા ક્ષેત્રમાં ઢોલવાદક નૃત્યથી ઉત્તેજિત થઈ ‘‘છો…છો… છો…’’ એમ આવેગથી બોલે છે તેમજ વૈશાખી પૂર્ણિમાને દિવસે વાર્ષિક શિકારે આવેલ આદિવાસીઓ શિકાર ખેલતાં જોશથી ‘‘છો…છો…’’ બોલે છે. છાઉ નૃત્યોમાં મહોરાંના પ્રયોગને કારણે નૃત્યમાં ગીત ગવાતું નથી માત્ર ઢોલ, ઢમસા અને મૌહરી (શરણાઈ) જેવાં વાજિંત્રોના તાલ-સૂરને આધારે નૃત્ય થાય છે.
છાઉ નૃત્યો ચૈત્ર પર્વ દરમિયાન પ્રદેશનાં જુદાં જુદાં ગામોમાં થાય છે. એપ્રિલ મહિનામાં આવતું ચૈત્ર પર્વ મૂળ તો સૂર્યના મેષ રાશિમાં થતા સંક્રમણ સાથે સંકળાયેલ છે. દર વર્ષે 14 એપ્રિલે થતી સંક્રાંતિ નૂતન વર્ષ તરીકે ઊજવાય છે, તેના 13 દિવસ અને મુખ્ય છેલ્લા 4 દિવસ, એટલે કે 10થી 13 એપ્રિલ સુધી ધાર્મિક પૂજાવિધિ થાય છે અને રાતે છાઉ નૃત્યો યોજાય છે. હજામ, લુહાર, ઘાંચી જેવી 13 જાતિઓના ‘ભક્તો’ 13 દિવસ અગાઉ પૂજામાં ભાગ લે છે. સર્જનશક્તિના પ્રતીક સમા માટીના ઘટની સ્થાપના શિવમંદિરમાં થાય છે. સાથે લાંબા વાંસ
સાથે બાંધેલ ધ્વજ–ઢંઢા–ની પૂજા થાય છે. ભરતનાટ્યશાસ્ત્રમાં રંગવિધિ માટે ‘જર્જર’નો ઉલ્લેખ છે તે રીતે ઢંઢાને નૃત્ય પ્રાંગણમાં સ્થાપવામાં આવે છે.
પુરુલિયા છાઉ : બંગાળના અછતગ્રસ્ત વિસ્તાર પુરુલિયામાં થતો આ છાઉ પ્રકાર અન્ય પ્રકારો કરતાં જુસ્સાવાળો અને અલ્પવિકસિત છે કારણ કે ત્યાં સુશિક્ષિત વર્ગના માર્ગદર્શન અને રાજવી અનુદાનનો અભાવ હોય છે. શિવમંદિરના પ્રાંગણમાં થતાં આ નૃત્યો ધાર્મિક કથાના ઉત્તેજક પ્રસંગો પર આધારિત હોય છે. ઉગ્ર યુદ્ધ પ્રસંગ બતાવવા નર્તક મોટા ઠેકડા, ગુલાંટ અથવા ગોળ ફરી ગોઠણ પર ટેકાય તેમજ ધૂળના ગોટા ઉડાડતો દોડે છે. પાત્રની ભવ્યતા તેના મુગટના કદ અને શોભા પરથી વરતાય છે.
સરાઈકેલા છાઉ : રાજવી કુટુંબનો આજ સુધી સક્રિય સહકાર મેળવતી આ કદાચ એકમાત્ર શૈલી છે. રાજકુમાર સુધેન્દ્ર નારાયણ સિંઘદેવ સર્વશ્રેષ્ઠ નર્તક અને નૃત્યસંયોજક છે.
સંક્રાંતિ અગાઉ જાત્રાઘટ, વૃંદાવની, ગરિયાભાર અને કાલિકાઘટ એમ 4 દિવસ ઘટની સ્થાપના થાય છે અને મોડી રાત સુધી છાઉ નૃત્યો મહેલના પ્રાંગણમાં થાય છે. માન્યતા એવી છે કે સરાઈકેલા તેમજ મયૂરભંજ છાઉ શૈલીઓ પરિખંડા અથવા ઢાલ-તલવારના ખેલ પર આધારિત છે. ટોપકા, ઊફરી ગતિ અને ભંગિ જેવી દેહક્રિયાની પદ્ધતિમાં પશુપક્ષીની ચાલ અને સ્ત્રીના રોજિંદા કામની ક્રિયા વણી લેવાય છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં રાજા આદિત્ય પ્રતાપ સિંઘદેવે મહોરાં પર સૂક્ષ્મ ભાવ લાવવા સૂચનો આપ્યાં. તેમના ભાઈ બિજય પ્રતાપ સિંઘદેવ કવિ તેમજ મુત્સદ્દી રાજકીય વ્યક્તિ હતા. છાઉમાં કાવ્યાત્મકતા અને ભાવુકતા લાવવાનો આગ્રહ રાખતા. તેમના નિર્દેશન હેઠળ સરાઈકેલા છાઉ શાસ્ત્રીય કક્ષા પામ્યું એમ કહેવું અતિશયોક્તિ નહિ ગણાય. દેહક્રિયા, પોશાક અને મહોરાંમાં ખાસ રાજવી ઠસ્સો અને શિષ્ટતા છે તે અન્ય પ્રકારમાં નથી. ધાર્મિક ઉપરાંત આધુનિક કાવ્ય-વિષયને મૌલિકતાથી રજૂ કરવાની ક્ષમતા આ શૈલીની ખાસિયત છે. મહોરાંને લીધે શ્વાસની તકલીફ થતી હોવાથી નૃત્ય અંશો 8થી 10 મિનિટથી વધુ લાંબા હોતા નથી.
પુરુલિયા તેમજ સરાઈકેલા છાઉનાં મહોરાં માટી, કાગળ અને ચીંથરાંનાં પડ લગાડી બનાવવામાં આવે છે. સુકાયા બાદ બીબા પરથી ઉખાડી ઉપર પાત્રના સ્વભાવ અનુસાર રંગરોગાન કરવામાં આવે છે.
મયૂરભંજ છાઉ : સરાઈકેલાના રાજવીઓના નિકટ સંબંધમાં હોવાથી ધાર્મિક વિધિ તેમજ દેહક્રિયામાં દેખીતું સામ્ય આ શૈલીમાં છે. કહેવાય છે કે વીસમી સદીની શરૂઆત સુધી અહીં મહોરાંનો ઉપયોગ થતો હતો પણ હવે મહોરાં વપરાતાં નથી, છતાં વાચિક અભિનય કે ગીતનો પ્રયોગ નહિવત્ થાય છે. પૌરાણિક પાત્રો ઉપરાંત આદિવાસી શબર પ્રજા પર આધારિત નૃત્યો પણ થાય છે. પ્રજામાં નૃત્યસ્પર્ધાને પ્રોત્સાહન આપવા રાજાએ ઉત્તર સાહિ અને દક્ષિણ સાહિ એમ 2 વિભાગ કર્યા હતા. આજે પણ એવા જ સ્પર્ધાત્મક જુસ્સાથી ચૈત્રપર્વ છાઉ નૃત્ય સમારોહ ઊજવાય છે.
પ્રકૃતિ કાશ્યપ