છંદોલય (1949) : ગુજરાતી કવિ નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ. ગીત, સૉનેટ, મુક્તક અને અન્ય છાંદસ મળી કુલ 52 કૃતિઓના આ સંગ્રહમાં છંદ અને લય પરનું કવિનું પ્રભુત્વ, રોમૅન્ટિક આવેગ અને પ્રશિષ્ટ કલા-ઇબારત; પ્રકૃતિ, મનુષ્ય, દેશપ્રેમ જેવા વિષયો; બાનીની સુઘડતા અને પ્રાસયોજનાની આકર્ષક ચુસ્તી ધ્યાન ખેંચે છે. અંગત પ્રેમની, અને તેમાંય વિરહવ્યથાની ભાવોર્મિ તીવ્રતાથી અને તાજગીથી અભિવ્યક્તિ પામી છે. 5મા દાયકાના આરંભે જે સૌંદર્યરાગિતા પ્રબળ બનતી જતી હતી તે ધારામાં આ સંગ્રહની રચનાઓનું પ્રદાન વિશિષ્ટ છે. અહીં ગીતોમાં આવર્તનની અવનવીન છટાઓ છે તો સૉનેટમાં સુબદ્ધ આકારનિર્મિતિ છે. મુક્તકોમાં ઊર્મિની ચોટ છે તો ‘સંસ્મૃતિ’ જેવા દીર્ઘકાવ્યમાં આઝાદી પ્રાપ્ત કર્યા પછીના ભારતની તત્કાલીન સ્થિતિનો વિષાદઘેરો અને ક્યાંક વ્યંગભર્યો વિચારભાવ છે. કવિએ આ સંગ્રહમાં મુકાયેલા છેલ્લા ગીત – ‘મારી પાંપણને પલકારે’ –ને સંગ્રહના અનુક્રમમાં સમાવ્યું નથી. અહીં પ્રકટ થયેલી રચનાઓ 1943થી 1948ના ગાળા દરમિયાન રચાયેલી છે, જેમાંની ઘણીખરી અગાઉ ‘કુમાર’, ‘સંસ્કૃતિ’ અને ‘રેખા’માં પ્રકાશિત થઈ ચૂકી હતી. હાથબનાવટના કાગળ પર બહુધા કાકા કાલેલકરે પ્રચારેલ દેવનાગરી લિપિ મરોડમાં સુઘડ મુદ્રણ અને ક્રાઉનથી સહેજ નાનો વિશિષ્ટ બાહ્ય ગ્રંથાકાર જેટલો ધ્યાનાકર્ષક બને છે તેટલો એમાંની કૃતિઓનો કલા-આકાર પણ. આ સંગ્રહમાં એક સાચા કલાકારની કલાસભાનતા અને કલાસંયમ તેની નોંધપાત્ર વિશેષતા બની રહે છે. આ જ નામથી 1957માં કવિએ તેમના અન્ય કાવ્યસંગ્રહો ‘કિન્નરી’ અને ‘અલ્પવિરામ’માંથી તેમજ પ્રથમ સંગ્રહ ‘છંદોલય’માંથી ચૂંટેલાં કાવ્યો સંગૃહીત કરી નવો સંગ્રહ પ્રગટ કર્યો તેમાં મુંબઈનાં પાત્રો અને સ્થળ-કાળ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ પણ સમાવ્યો છે. આ ‘પ્રવાલદ્વીપ’ કાવ્યગુચ્છમાં આધુનિકતાના બોધનો ગુજરાતી કવિતામાં થયેલો અરુણોદય છે. સૌંદર્યાનુરાગી રોમૅન્ટિકતાના આવેગમાંથી કવિ અહીં પ્રથમ વાર આધુનિકતાના વિચારબોધ તરફ ફંટાય છે તે પણ ગુજરાતી કવિતાને નવો વળાંક આપનારી ઘટના છે. ત્યાર પછી 1974માં ‘છંદોલય બૃહત્’ શીર્ષકથી ત્યાં સુધીના પોતાના કાવ્યસંગ્રહો ‘છંદોલય’ (1949), કિન્નરી (1950), અલ્પવિરામ (1954),‘છંદોલય’ (1957), ‘33 કાવ્યો’ (1958) અને 1958થી 1971ના ગાળાની ત્રણ અન્ય રચનાઓને સમાવતો સર્વકાવ્યસંગ્રહ પ્રકટ કરેલ છે.

ધીરુ પરીખ