છબીકલા (ફોટોગ્રાફી)

January, 2012

છબીકલા (ફોટોગ્રાફી)

છબીકલા કલા તરીકે

ગ્રીક શબ્દ ‘photos’ એટલે પ્રકાશ અને ગ્રીક શબ્દ ‘graphos’ એટલે લખાણ. તેથી ફોટોગ્રાફી – Photography એટલે સપાટ ફલક પર પ્રકાશ વડે કરાતું અંકન. તેની કલા તે છબીકલા. 15મી સદીમાં કલાકાર લિયૉનાર્દો દ. વિન્ચીએ પોતાની નોંધપોથીમાં ‘Camera-obscura’ (‘કૅમેરા’ એટલે ઓરડો, ‘ઑબ્સ્કુરા’ એટલે અંધારું)નો ઉલ્લેખ કર્યો છે. અંધારા ચોરસ-ઘન ખોખામાં એક સપાટીએ માત્ર એક કાણું પાડવાથી સામેની અંદરની સપાટી પર બહારના ર્દશ્યનું ઊંધું પ્રતિબિંબ પડે છે એ હકીકતની નોંધ તેણે કરી છે. 16મી સદીમાં આવા ખોખામાં એક સપાટી પર વચ્ચે કાણું પાડી ત્યાં લેન્સ બેસાડવાનું કાર્ય વિજ્ઞાની જિયોવાની બાતિસ્તા દેલા પોર્તા (Giovanni Battista deela Porta)એ કર્યું હતું.

જોકે, ર્દશ્યની છાપ મળી શકે તેવો પ્રથમ કૅમેરા ફ્રેંચ ચિત્રકાર જાક દેગ્વારે(Jacques Degwerre)એ 1839માં શોધ્યો. તેણે તાંબાની ચાંદીના ઢોળવાળી પ્લેટ સાથે આયોડિનની કે મર્ક્યુરીની વરાળનો ઉપયોગ કરી ફોટોગ્રાફ લેવાનું શરૂ કર્યું. તેમાં મૂળ ર્દશ્યના પ્રકાશિત વિસ્તારો અંધારા દેખાતા અને મૂળ ર્દશ્યના અંધારા વિસ્તારો પ્રકાશિત દેખાતા. આ કૅમેરાનું વજન 23 કિલો હતું.

આજે જે પૉઝિટિવ-નૅગેટિવ પ્રોસેસ કહે છે તે 1840માં વિલિયમ હેન્રી ફૉક્સ ટૅલ્બૉટે (William Henry Fox Talbot) શોધી. તે કૅમેરામાં સિલ્વર આયોડાઇડ પેપરને પ્રકાશ વડે એક્સ્પોઝ કરી સિલ્વર નાઇટ્રેટ અને ગૅલિક (gallic) ઍસિડના મિશ્ર દ્રાવણમાં ડેવલપ કરી ફોટોગ્રાફ કાઢતો. 1851માં બ્રિટિશ શિલ્પી એફ. સ્કૉટ આર્ચરે પોટૅશિયમ આયોડાઇડ-મિશ્રિત નાઇટ્રોસેલ્યુઝના પડથી આચ્છાદિત કાચની પ્લેટને પ્રકાશમાં ઍક્સ્પોઝ કરી સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ડેવલપ કરી ફોટોગ્રાફીની શરૂઆત કરી.

છબીકલાનું શાસ્ત્ર

છબીકલાના વિચારનો જન્મ ઈ. પૂ. ચોથી સદીમાં થયેલો એમ માની શકાય. પ્રાગૈતિહાસિક કાળમાં કૅમેરા, ર્દક્કાચ (lens), ઢાંકણું (shutter), ઢાંકણાની ઝડપ (shutter-speed), કેન્દ્ર (focus), કેન્દ્રલંબાઈ (focal-length), છિદ્ર (aperture), પડદો (diaphragm), નૅગેટિવ, પૉઝિટિવ, ફિલ્મ, સંવર્ધક (enlarger) આ બધાંમાંથી કશાની ખબર ત્યારના માનવીને ન હતી.

આજે તો સામાન્ય છબીકાર પણ જાણે છે કે છાયાચિત્ર ઝડપવાનું સાધન એટલે કૅમેરા; કૅમેરામાં જેના પર ચિત્રણ થાય છે એ ફિલ્મ, ફિલ્મ પર પ્રકાશનું સ્પષ્ટ રેખાંકન કરે એ ર્દક્કાચ, કૅમેરામાં પ્રકાશને દાખલ થતો અટકાવનાર પડદો એટલે ઢાંકણું, હલનચલનની ગતિ પ્રમાણે તેમજ પ્રકાશના પ્રમાણને ધ્યાનમાં રાખીને કૅમેરામાં દાખલ થતા પ્રકાશ પર અંકુશ રાખવા ઢાંકણું ક્યારે બંધ કરવું એ નક્કી કરનાર ઢાંકણાની ઝડપ, છબીના ચિત્રણની સ્પષ્ટ પરિપૂર્ણતા એટલે કેન્દ્ર. કેન્દ્રલંબાઈ એટલે ર્દક્કાચને અમર્યાદિત અંતરે રાખવામાં આવ્યો હોય ત્યારે ર્દક્કાચ અને ફોકલબિંદુ વચ્ચેના અંતરનું માપ, છિદ્ર એટલે પ્રકાશને કૅમેરામાં પ્રવેશવા દેવાનું કાણું, પડદો એટલે છિદ્રને નાનું કે મોટું રાખનાર પડદો, ફિલ્મ પર જેટલા ભાગમાં સૌથી વધુ પ્રકાશ પડે તેટલો ભાગ મેટાલિક સિલ્વરને કારણે ડેવલપરમાં નાખ્યા પછી અપારદર્શક થઈ જાય અને પ્રકાશ ન લાગેલ ભાગ પારદર્શક થઈ જાય એવી ફિલ્મને નૅગેટિવ કહેવાય. નૅગેટિવમાંથી પ્રકાશને પસાર કરવામાં આવતાં નીચે ગોઠવેલ દ્રાવણવાળા કાગળ કે ધાતુ પર તેનાં કિરણો પડવાથી તે કાળો થઈ જાય અને બાકીનો ભાગ સફેદ રહે એ પૉઝિટિવ કહેવાય. નૅગેટિવ પરથી છબીને મોટું કરવાનું સાધન સંવર્ધક કહેવાય.

આકૃતિ 1 : છબીની પ્રક્રિયા
(ઉપર) કૅમેરામાં ર્દશ્યનું ઊંધું પ્રતિબિંબ પડે છે. (નીચે) ડાબે : ફિલ્મ ડેવલપ કરવાથી તેની નૅગેટિવ તૈયાર થાય છે, જેમાં પ્રકાશવાળો ભાગ કાળો એટલે કે અપારદર્શક બને છે. જમણે : નૅગેટિવ ઉપરથી ફિલ્મના કાગળ ઉપર લીધેલી પૉઝિટિવ પ્રિન્ટ. તેમાં પારદર્શક ભાગમાંથી આવેલા પ્રકાશવાળો ભાગ કાળો બને છે અને મૂળ ર્દશ્ય ઊપસી આવે છે.

પ્રાગૈતિહાસિક કાળમાં માણસ ગુફા કે પથ્થરનાં કાચાં મકાનોમાં રહેતો. તેણે જોયું કે સૂર્યના પ્રકાશથી પોતાનો કે વૃક્ષનો પડછાયો જમીન કે ખડક પર પડતો હતો અને સૂર્યના કોણ સાથે એ નાનોમોટો થતો જતો. એવી જ રીતે, ગુફાના દ્વાર પાસે વ્યક્તિ કે પશુ-પક્ષી હલનચલન કરતાં ત્યારે ગુફાની અંદરના ભાગમાં પણ ઝાંખી છાયાનું હલનચલન થતું; આથી અંદર બેઠાં બેઠાં પણ બહારનું હલનચલન જાણી શકાતું. એમણે એ પણ જોયું કે ગુફા કે મકાનમાં કોઈ કાણા કે તિરાડમાંથી આવતો પ્રકાશ જ્યારે અંદરની સામી દીવાલ પર પડતો ત્યારે બહાર આવેલ વૃક્ષ કે પસાર થતા બીજા માણસનું પ્રતિબિંબ જોઈ શકાતું; અલબત્ત આકાર થોડો ધૂંધળો જણાતો.

આવી બિનાએ કુતૂહલ સર્જેલું; પરંતુ તેનો ખુલાસો કરવા એ વખતનો માનવી સક્ષમ ન હતો; પરંતુ ઈ. પૂ.ની ચોથી સદીમાં ઍરિસ્ટોટલનું ધ્યાન પડ્યું અને એ શા કારણે બની રહ્યું છે એનો વિચાર કરવા લાગ્યો. તેણે નોંધ કરી કે પેન્સિલની જાડાઈ જેવડા કાણાથી અંધારિયા ઓરડામાં 15 સેમી. દૂર જો હથેળી રાખીએ તો બહાર આવેલ વૃક્ષ, વ્યક્તિ કે ર્દશ્યનું ઊંધું પ્રતિબિંબ હથેળી પર દેખાય છે. વખત જતાં, ઇટાલીના લોકોએ આ ક્રિયાને ‘કૅમેરા ઑબ્સ્ક્યોરા’ – જેનો અર્થ ‘ડાર્ક રૂમ’ એવો થાય છે – એવા નામથી જાણીતી કરી. વિખ્યાત ચિત્રકાર લિયૉનાર્ડો દ વિન્ચીએ જ્યારે તેના બંધ ઓરડાના ઝીણા કાણામાંથી આવતા પ્રકાશથી પાતળા કાગળના ટુકડા પર સૂર્યપ્રકાશિત શ્યની ઊંધી આકૃતિ જોઈ ત્યારે સૌપ્રથમ તેણે 1490માં કૅમેરા ઑબ્સ્ક્યોરાની શક્યતાઓની નોંધ કરી; પરંતુ છબીકલાના ઇતિહાસમાં સોળમી સદીમાં એક મહાન પગરણ મંડાયું. ઇટાલિયનોએ કલાકારોને એમની કલાકૃતિઓ બનાવવા માટે કૅમેરા ઑબ્સ્ક્યોરા પદ્ધતિનો ઉપયોગ ત્યારે સૌપ્રથમ કર્યો. ગાર્ડી અને કેનાલેટ્ટો જેવા કલાકારોએ વેનિસ શહેરનાં તેમનાં મશહૂર ચિત્રો આ પદ્ધતિથી બનાવ્યાં.

પછીનાં 50 વર્ષ દરમિયાન બે અગત્યની શોધ થઈ. 1550માં ગિરોલામો કાર્ડાનોના જણાવ્યા મુજબ નબળી ર્દષ્ટિ સુધારવા માટે ર્દક્કાચની શોધ થઈ. ઇટાલિયન ર્દક્કાચ બંને તરફ બહિર્ગોળ હતા અને ઇટાલિયન લોકો જેનું સૂપ બનાવીને પીતા એ કથ્થાઈ રંગના લેન્ટિલ નામના ખાદ્ય પદાર્થ જેવો આકાર હોવાથી આ કાચનું લેન્ટિલના લૅટિન શબ્દ પરથી લેન્સ નામ પડ્યું. ર્દક્કાચ પછી બીજી શોધ પડદાની હતી જે 1530ના અરસામાં કદાચ ડેનિલી બારબરોએ કરી હતી. આ બંને શોધનો ઉપયોગ કૅમેરા ઑબ્સ્ક્યોરામાં આકૃતિને સ્પષ્ટ જોવા માટે કરવામાં આવ્યો.

હવે કલાકારોને પોતાના ઓરડા બહારનાં ર્દશ્યો બરાબર ઝીલવા માટે બહાર લઈ જઈ શકાય એવા ‘પોર્ટેબલ ડાર્કરૂમ’ની જરૂરિયાત જણાઈ. આધુનિક કૅમેરાના સ્વરૂપનું આ પ્રથમ પગલું હતું. આવા બે પ્રકારના પોર્ટેબલ કૅમેરા ઑબ્સ્ક્યોરા (obscura) હતા : (1) તંબૂ આકારનો, અને (2) ઓરડાના આકારનો. તંબૂ આકારમાં ત્રણ પાયાની વિશાળ ઘોડી પર કૅમેરા મૂકવામાં આવતો અને ઘોડી ફરતું કપડું વીંટીને અંદર અંધારું કરી નાખવામાં આવતું. કૅમેરામાં ગોઠવેલ અરીસા મારફત પરાવર્તન થઈને આવતી આકૃતિ, ઘોડીની નીચે ખુરસી-ટેબલ પર બેઠેલો કલાકાર દોરીને ચિત્ર બનાવતો.

ઓરડાના આકારવાળો કૅમેરા ઑબ્સ્ક્યોરા બે માણસોએ ઉપાડવો પડતો. એના ભોંયતળિયાના ચોકઠામાંથી કલાકાર અંદર પ્રવેશતો અને તેની લાકડાની દીવાલના છિદ્રમાંથી સામેની દીવાલના પડદા પર પડતી પ્રતિચ્છાયાને આધારે તે વિશાળકાય ચિત્ર દોરતો.

આ વિચાર આખા યુરોપમાં આવકાર પામ્યો. કાસ્પર શૉટે 1657માં જોયેલી ડિઝાઇનને આધારે સંગીતવાદ્ય પિયાનો જેવડો વિશાળકાય બૉક્સ કૅમેરા બનાવ્યો. એમાં ર્દક્કાચવાળા બે બૉક્સ હતાં જેમાંનું એક બીજા બૉક્સની અંદર સરકી શકતું. તે એવા ટેબલમાં ગોઠવેલાં કે જેમાં 45o ડિગ્રીએ મૂકેલા અરીસામાંથી પરાવર્તન થઈને ર્દશ્ય ટેબલ પર ગોઠવેલ કાચ, પારદર્શક કે તેલિયા કાગળ પર પડવાથી આકૃતિ દોરી શકાતી. આને ટેબલ-કૅમેરા કહેતા. પ્રખ્યાત ચિત્રકાર ગોએથેએ નવી રીત અજમાવી. ખુરસી પર બેઠેલી વ્યક્તિની એક બાજુ મીણબત્તી અને બીજી બાજુ ખુરસીના હાથા પર ગોઠવેલ જાળી પર કાગળ રાખવામાં આવતો. મીણબત્તીના પ્રકાશથી કાગળ પર પડતા વ્યક્તિના પડછાયાને દોરીને એકપાર્શ્વ ચિત્ર (profile) દોરતો.

આમ, ચિત્રકારો માટે આવી નવી નવી ડિઝાઇનોમાં અનેક કૅમેરા બનવા લાગ્યા હતા; પરંતુ સત્તરમી સદી સુધીમાં કોઈ વિજ્ઞાની કે કલાકારને આવી આકૃતિઓને સ્થાયી કરવાની જરૂરિયાત જણાઈ ન હતી અને સૂઝ્યું પણ ન હતું; પરંતુ 1727માં શરીરરચનાશાસ્ત્રના જર્મન પ્રોફેસર જ્હૉન શુલ્ઝ ફૉસ્ફરસ બનાવવાનો પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે નાઇટ્રિક ઍસિડમાં ચૉક નાખ્યો અને આશ્ચર્ય સાથે જોયું કે પ્રયોગશાળાની બારી પાસેનું આ રસાયણ જાંબલી થઈ ગયું. અપનયનની પ્રક્રિયા દરમિયાન શુલ્ઝે શોધ કરી કે ઍસિડની અંદર ચાંદીની ઉપલબ્ધિ છે અને જોયું કે ચાંદીનો ક્ષાર જો સખત પ્રકાશમાં મૂકવામાં આવે તો તે કાળો થઈ જાય છે. છબીકલાની દુનિયા માટે આ સિદ્ધિ અગત્યની અને અજોડ હતી; પરંતુ શુલ્ઝને પોતાને ઉપયોગી ન હતી.

ઉત્સાહીઓએ શુલ્ઝની શોધ પકડી લીધી. 1737માં જીન હેલટે કાગળ પર સિલ્વર નાઇટ્રેટ લગાડ્યું. ચાળીસ વર્ષ બાદ, સ્વીડનના રસાયણશાસ્ત્રી કાર્લ શીલેએ સિલ્વર ક્લોરાઇડનો પ્રયોગ કર્યો અને શોધ્યું કે પ્રકાશના વર્ણપટનાં જાંબલી કિરણો પર તરત અસર થાય એવું તે છે. તેને એ પણ જાણવા મળ્યું કે કાળું પડી ગયેલ સિલ્વર ક્લોરાઇડ એમોનિયામાં ઓગળી જતું નથી. ‘ફોટોગ્રાફી’ શબ્દનો અર્થ ‘પ્રકાશથી થતું આલેખન’ થાય છે. તેનો ઉપયોગ કદાચ સૌથી પ્રથમ હેલટના કાર્ય માટે થયો, કારણ કે તેણે જે પ્રયોગ કર્યો તે સફેદ કાગળ પર સિલ્વર નાઇટ્રેટના દ્રાવણથી થયેલું લખાણ ‘ગુપ્ત લખાણ’ હતું. જ્યાં સુધી સૂર્યપ્રકાશ લાગે નહિ ત્યાં સુધી તે અર્દશ્ય રહેતું હતું.

પ્રકાશની તરત અસર થાય એવા રસાયણ માટેનો પ્રથમ વિચાર આપનાર અંગ્રેજ ટૉમસ વેજવૂડ હતો. તેના પિતા કૅમેરા ઑબ્સ્ક્યોરાની મદદથી ચિનાઈ માટીનાં વાસણો પર સુશોભન માટે આબેહૂબ ચિત્રો બનાવતા. એથી ટૉમસ પણ જાણકાર હતો. તેને રસાયણ પર ગરમી અને પ્રકાશની થતી અસરમાં ખૂબ રસ હતો. તેણે સિલ્વર નાઇટ્રેટ લગાડેલા સફેદ ચામડા પર પાંદડાં અને જંતુઓની પાંખનાં નૅગેટિવ જેવાં સુંદર છાયાચિત્રો બનાવ્યાં હતાં. પણ આવાં ચિત્રોને સ્થાયી બનાવવાનાં રસાયણ શોધવામાં તે નિષ્ફળ ગયો હતો.

અંતે ફ્રાન્સનો જૉસેફ નાઇસેફર નિપ્સે છબીકલાના શોધક તરીકેનું માન ખાટી ગયો. તેના ભાઈ ક્લોડ નિપ્સેની મદદથી બિટ્યુમિન ઑવ્ જ્યુડિયાને કાચની પ્લેટ પર લગાડીને પ્રયોગ શરૂ કર્યો. આ પદાર્થ રંગ ઉડાડી શકતો અને પ્રકાશમાં રાખવાથી સખત પણ થઈ શકતો તથા પ્રકાશ નહિ લાગેલો ભાગ ઓગળી શકતો અને સહેલાઈથી નીકળી શકતો. તેણે બિટ્યુમિન લગાવેલી પ્લેટ ત્રણ કલાક સુધી તડકામાં રાખી. દરમિયાન બિટ્યુમિન સખત થઈ ગયું. આથી ચિત્ર કાયમી રીતે અંકિત થઈ ગયું. છબીને ખામી વિનાની બનાવવા માટે નિપ્સેએ ફોટોગ્રવ્યુઅર (photograveur)ની શોધ કરી અને તેને ‘હિલિયોગ્રાફી’ (heliography) નામ આપ્યું.

આ સફળ પ્રયોગ પછી તેણે તે જ રસાયણ લગાડેલી જસતની પ્લેટ બનાવીને અરીસાજડેલ કૅમેરામાં મૂકી અને પોતાના ઘરની બારીમાંથી સામે દેખાતા ર્દશ્ય તરફ ગોઠવીને તેના પર આઠ કલાક સુધી પ્રકાશ આવવા દીધો કે જેથી થોડા કલાકો બાદ મકાનોના છાંયડા પર તડકો આવી શકે. એ રીતે 1827માં તેણે દુનિયાની પ્રથમ છબી ઝડપવામાં સફળતા મેળવી.

આ અરસામાં ફ્રાન્સનો લુઈ ડગેર પણ આકૃતિઓને સ્થાયી કરવાના પ્રયોગો કરી રહ્યો હતો. કેટલાંય વર્ષો સુધી આદર્શ ફિક્સિંગ એજન્ટની શોધના પ્રયોગો બાદ 1835માં એક દિવસ તેણે એક્સ્પોઝ કરેલી એક પ્લેટ પોતાના રસાયણના કબાટમાં મૂકી. થોડા દિવસો બાદ તેના આશ્ચર્ય વચ્ચે તેણે જોયું કે પ્રચ્છન્ન આકૃતિ ઊપસી આવી હતી. તેણે શોધી કાઢ્યું કે તૂટી ગયેલા એક થરમૉમીટરના પારાની વરાળને કારણે જ આમ થયું હતું. છતાં આકૃતિ સ્થાયી તો થઈ શકી જ નહિ. 1837માં સામાન્ય ક્ષારના દ્રાવણથી આકૃતિ સ્થાયી કરવામાં એ સફળ થયો. આ શોધને તેણે ‘ડગેરોટાઇપ’ નામ આપ્યું.

ડગેરોટાઇપ પ્લેટ પરની છબી હતી, તેની નકલો થઈ શકે તેમ ન હતું, ઉપરાંત નાજુક અને જોવામાં મુશ્કેલ હતી. આથી એ શોધને પરિપૂર્ણ કરવા તેને ફ્રેન્ચ સરકાર તરફથી નાણાકીય સહાય મળી. પરિપૂર્ણતાને અંતે પ્રખ્યાત ચિત્રકાર પૉલ ડેલરોશને ડગેરોટાઇપ બતાવવામાં આવતાં બોલી ઊઠ્યો : ‘આજથી ચિત્રકલા મૃત્યુ પામી છે !’ 19મી ઑગસ્ટ, 1839ના રોજ પૅરિસમાં મળેલ ફ્રેન્ચ અકાદમી ઑવ્ સાયન્સની જાહેર સભામાં ડગેરે દુનિયાને છબીકલાની કૃતિ અને તેની પદ્ધતિ ભેટ આપી. એક કલાક બાદ, એમ કહેવાય છે કે ‘અવનવી છબીઓ’ બનાવવાના આ સાધનની માગણી કરતા ઉત્સાહી ગ્રાહકોથી શહેરમાં આવેલ ચશ્માંના વેપારીઓની દરેક દુકાન ઊભરાતી હતી.

વેજવૂડ, નિપ્સે અને ડગેરની સિદ્ધિઓની જાણ ન હોવા છતાં એ જ દિશામાં અંગ્રેજ ગણિતજ્ઞ વિલિયમ હેન્રી ફૉક્સ ટૉલ્બટ 1833થી પ્રયોગો કરી રહ્યો હતો. તેણે કાગળ પર સિલ્વર નાઇટ્રેટ અને સામાન્ય ક્ષારનું દ્રાવણ લગાડીને પ્રયોગો કર્યા અને વેજવૂડની માફક નૅગેટિવ બનાવી અને કાગળ પર નૅગેટિવ મૂકીને પૉઝિટિવ છબી બનાવી. શરૂઆતમાં કૅમેરાની અંદર છબી ઉપસાવવા કાગળ પરનું રસાયણ સમર્થ ન હતું; પરંતુ ક્ષાર અને ચાંદીનાં વિવિધ દ્રાવણોથી પ્રયોગ કર્યા બાદ નબળા ક્ષાર અને કડક ચાંદીના દ્રાવણના પ્રયોગથી કૅમેરા ઑબ્સ્ક્યોરા દ્વારા લીકૉક ઍબી ખાતેના પોતાના ઘરની બારીની પ્રથમ કાગળ-નૅગેટિવ 1835માં બનાવી. આકૃતિ મંદ ક્રિયાશીલ હતી. તેને કડક ખારા પાણીમાં સ્થાયી કરવામાં આવી. દુનિયાની આ પ્રથમ પેપર નૅગેટિવ હતી.

1838–39માં ડગેરે ઝડપેલી ‘બોલિવર્ડનું દેવળ’ નામની પૅરિસ શહેરનું ર્દશ્ય દર્શાવતી ઐતિહાસિક ડગેરોટાઇપ છબી મ્યૂનિક શહેરના બ્યેરિશીસ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આજે આકર્ષણ જમાવી બેઠી છે. ડગેરે ઝડપથી તૈયાર કરેલ વિશાળ અને વધારે સ્પષ્ટ ચિત્રો બાબતની જનતાની કલ્પનાને પાર કરવામાં ફૉક્સ ટૉલ્બટ અનેક પ્રયત્નો છતાં સફળ ન થયો. તેથી તેણે પોતાના પ્રયોગો વધુ ઉત્કટતાથી આગળ ધપાવ્યા અને નિપ્સે અને ડગેરની માફક તેને પણ આકસ્મિક શોધ સાંપડી – પ્રચ્છન્ન આકૃતિ !

ઍન્ડ્ર્યૂ રૉસે બનાવેલ નવા કૅમેરાથી ફૉક્સ ટૉલ્બટે સિલ્વર નાઇટ્રેટ અને ગૅલિક ઍસિડના ત્વરિત અસર થઈ શકે એવા દ્રાવણથી કાગળ પર અનેક ચિત્રો લીધાં; પરંતુ આકૃતિ ઉપસાવવામાં કાગળ સફળ ન થયો ત્યારે ફરી વાર એક્સ્પોઝ કરવાના આશયથી એ જ કાગળ પર ચાંદીનો ગૅલોનાઇટ્રેટ વધુ લગાવ્યો, અને 1839માં તેના આશ્ર્ચર્ય વચ્ચે કાગળ પર આકૃતિ ઊપસી આવી. તેને પોટૅશિયમ બ્રોમાઇડથી સ્થાયી કરવામાં આવી. 1841 સુધીમાં ફૉક્સ ટૉલ્બટે અડધી મિનિટ જેટલો ટૂંકો એક્સ્પોઝર આપવા જેવી પ્રક્રિયા પરિપૂર્ણ કરી હતી. લખવાના કાગળ પર સિલ્વર આયોડિનનો ઉપયોગ કરીને તેના પર ચાંદીનો ગૅલોનાઇટ્રેટ લગાવ્યો. પછી કાગળને એક્સ્પોઝર આપવામાં આવ્યું અને જરાક ગરમ કરીને ગૅલોનાઇટ્રેટથી ડેવલપ કરવામાં આવ્યો. આ રીતે તૈયાર કરેલ પૉઝિટિવ છબીની પ્રક્રિયાને તેણે ‘કૅલોટાઇપ’ નામ આપ્યું. ગ્રીક શબ્દ ‘કૅલોસ’ (સુંદર) પરથી ‘કૅલોટાઇપ’ શબ્દ બન્યો છે.

આકૃતિ 2 : પ્રથમ સ્થાયી છબી 1826માં જૉસેફ નિપ્સેએ તેના કામ કરવાના ખંડની બારીમાંથી આ બારોબાર છબી લીધી. તે માટે તેણે તૈયાર કરેલી તકતીને કલાકો સુધી પ્રકાશમાં રાખી. ચિત્રમાં મકાનો, છાપરાં આદિ દેખાય છે.

1844માં ફૉક્સ ટૉલ્બટે કૅલોટાઇપ છબીઓ છાપીને વેચવા માટે રીડિંગ ખાતે એક કાર્યાલયની સ્થાપના કરી. આ શોધથી કૅલોટાઇપની ઝડપે છબીકારોને ધંધાદારી રીતે વ્યક્તિચિત્રો (portraits) લેવા માટે શક્તિમાન કર્યા. ટૉલ્બટે ‘ધ પેન્સિલ ઑવ્ નેચર’ નામનું છબીકલાનું પ્રથમ સચિત્ર પુસ્તક પ્રકાશિત કર્યું. તેમાં તેણે પોતાની શોધના ઇતિહાસનું વર્ણન કર્યું છે.

1842માં કેટલાય છબીકારોએ બ્રિટનમાં વ્યક્તિચિત્રોના સ્ટુડિયો ખોલ્યા. એડિનબરોમાં રૉબર્ટ ઍડમસને અત્યંત સુંદર વ્યક્તિચિત્રો ઝડપ્યાં. સ્કૉટલૅન્ડના ચિત્રકાર ડેવિડ ઑક્ટાવિયસ હિલ કે જે પોતાનાં ચિત્રો દોરવા માટે, ખાસ કરીને સ્કૉટલૅન્ડના ઍસેમ્બ્લી ઑવ્ ફ્રી ચર્ચનાં સમૂહ-વ્યક્તિચિત્રો લેવા માટે છબીકલાનો ઉપયોગ કરવામાં રસ ધરાવતો હતો તેને ઍડમસન મળ્યો. ફૉક્સ ટૉલ્બટની કૅલોટાઇપ પ્રક્રિયાથી ઍડમસન અને હિલની જોડીએ સાથે મળીને એ યુગની કેટલીક અતિ સુંદર છબીઓ ઝડપી.

1845માં ફૉક્સ ટૉલ્બટે રીડિંગ ખાતેના પોતાના કાર્યાલયની સહુ પ્રથમ પેપર નૅગેટિવ પરથી પેપર પૉઝિટિવ બનાવીને દુનિયાને છબીકલાની પ્રથમ છબી ભેટ આપી. 1851માં ડગેરના અવસાન બાદ એક યુગનો અંત આવ્યો. કારણ કે લંડનના શિલ્પી ફ્રેડરિક સ્કૉટ આર્ચરની વેટ કોલોડિયન ટૅકનિક ઊભરી આવી કે જેથી ડગેર અને ટૉલ્બટની પેટન્ટ બાઉન્ડ પ્રક્રિયામાંથી મુક્તિ મળી હતી. હવે છબીકારો સેંકડોમાંથી વધીને હજારોની સંખ્યામાં થઈ ગયા હતા. ખરા અર્થમાં હવે છબીકલાનો જન્મ થયો હતો.

ધાતુની સરખામણીમાં મીણિયા કાગળની જેમ કાચની સપાટી તદ્દન લીસી અને ધાતુ કરતાં વધુ સસ્તી અને હલકી હોવાથી વેટ કોલોડિયન પ્રક્રિયા નૅગેટિવ બનાવવા માટે વધુ અનુકૂળ હતી. કાચ ઉપરની છબીકલા નવીનતમ ન હતી. પણ તેના ઉપર ચાંદીના ક્ષારને પકડી રાખવા માટે ચોક્કસ માધ્યમની ખામી હતી, જેના કારણે ડેવલપિંગ તથા ફિક્સિંગ પ્રક્રિયા દરમિયાન કાચ પરથી ઊખડી જવાની ભીતિ હતી.

1847માં નિપ્સેના પિત્રાઈ એબેલ વિક્ટરે ઍલ્બ્યુમિન એટલે કે ઈંડાના ફીણેલા સફેદ ચીકણા પદાર્થમાં થોડું પોટૅશિયમ આયોડાઇડ ભેળવીને કાચ ઉપર ચોપડવાની રીત શોધી કાઢી. એ સુકાઈ જતું ત્યારે સિલ્વર નાઇટ્રેટથી પ્રક્રિયા કરીને એકસ્પોઝ કરવામાં આવતી અને ત્યારબાદ ગૅલિક ઍસિડમાં ડેવલપ કરવામાં આવતી. ફ્રેન્ચ છબીકાર બ્લૅન્કાર્ટ-ઇવરાર્ડ સિલ્વર ક્લોરાઇડ પેપરને બદલે ઍલ્બ્યુમિન પેપર બનાવવામાં આ દ્રાવણ એટલું બધું વાપરતો કે આવા પેપર બનાવનાર કારખાનાં દર વર્ષે 180 લાખ ઈંડાં વાપરતાં. અલબત્ત, વિક્ટરને અવગણીને જ્યારે ટૉલ્બટે પોતાની પ્રક્રિયામાં કેટલાક પેટન્ટ સુધારા કર્યા ત્યારથી ઍલ્બ્યુમિન પ્રક્રિયા નિષ્ફળ ગઈ.

છબીકલામાં પ્રયોગ ઉપર પ્રયોગ થવા લાગ્યા, નૅગેટિવ-પૉઝિટિવ તૈયાર કરવાની પદ્ધતિ મળી ગઈ, એક્સ્પોઝર-સમય પણ શરૂઆતના આઠ કલાકથી ઘટીને ત્રણ સેકન્ડ સુધી ઘટી ગયો, ધાતુની જગ્યાએ કાચ આવી ગયો, છબીની સ્પષ્ટતા પણ અત્યંત સુધરી ગઈ; આમ છેલ્લાં પચાસેક વર્ષમાં ખૂબ સિદ્ધિઓ પણ મળી; પરંતુ હવે જરૂરિયાત હતી શક્ય એટલી નાની સાઇઝના કૅમેરાની અને સહેલાઈથી બદલી શકાય એવી પ્લેટની.

માત્ર ત્રણ સેકન્ડ જેટલો એક્સ્પોઝર ફક્ત ડાર્કરૂમ-પ્રક્રિયા માટે જ યોગ્ય હોવાથી અન્ય જાહેર સ્થળો કે કુદરતી ર્દશ્યો ઝડપવા માટે છબીકારોએ પોતાની સાથે નાનો તંબૂ, ડઝન જેટલા બાટલા, અનેક પ્લેટો રાખવાની પેટીઓ, મોટાં ર્દશ્યચિત્રો (landscape) માટે 30.48 x 40.64 સેમી.ની પ્લેટો કે જેનું વજન 13.608 કિગ્રા. હતું વગેરે લઈ જવું પડતું હતું, કારણ કે સંવર્ધક શોધાયું ન હતું અને વિશાળ છબીઓની માગ ઘણી મોટી હતી.

ઈ. પૂ.ની બીજી સદીથી લોકોનું ધ્યાન પડેલું કે પોતાની બંને આંખો પૈકીની પ્રત્યેક આંખ થોડી થોડી જુદી પ્રતિમા ઝડપે છે. સદીઓ બાદ જણાયું કે આ બંને પ્રતિમાઓ એકસાથે જોડાય છે ત્યારે ત્રિપરિમાણ ર્દશ્ય દેખાય છે. કુદરતના આ નિયમને આધારે 1832માં સર ચાર્લ્સ વિટસ્ટોને જુદાં જુદાં ચિત્રો પર પ્રયોગ કરીને જે સાધન બનાવ્યું તેને સ્ટિરિયોસ્કોપ નામ આપ્યું હતું.

વિક્ટોરિયન યુગમાં છબીકલા એટલી વિકસતી ચાલી કે સ્ટિરિયોસ્કોપિક ચિત્રોના શોખને કારણે અનેક ર્દક્કાચજડિત કૅમેરા અમેરિકાની ટિનટાઇપ શોધને કારણે બજારમાં આવવા લાગ્યા. લંડનના અગ્રણી છબીકાર એન્ટોઆઇન ક્લોડેટે બાજુબાજુમાં બે કૅમેરા ગોઠવીને દક્ષિણ લંડનના ક્રિસ્ટલ મહેલની છબી ઝડપીને દુનિયાને પ્રથમ ત્રિપરિમાણ છબી 1851માં આપી.

સર ડેવિડ બ્રુસ્ટરના સૂચનથી માન્ચેસ્ટરના ર્દક્કાચના વેપારી જે. બી. ડેન્સરેએ પ્રથમ બાઇનોક્યુલર કૅમેરા બનાવ્યો. જ્યૉર્જ નોટૈજે સ્થાપેલ લંડન સ્ટિરિયોસ્કોપિક કંપનીએ 1854માં વિશાળ પ્રમાણમાં છબીઓના અને ખૂબ સસ્તાં સાધનોના કરેલા ઉત્પાદનથી સ્ટિરિયોસ્કોપી ખૂબ લોકપ્રિય થઈ પડી. માત્ર 400 ગ્રામના વજનવાળા સ્ટિરિયોસ્કોપિક ખિસ્સા-કૅમેરા 1858માં લોકભોગ્ય બન્યા અને જોડિયાં સ્ટિરિયો-ચિત્રો સંગ્રહવાની ફૅશન થઈ પડી. આ થોડો સમય જ ચાલ્યું. અલબત્ત, 1890માં તે ફરી વાર સજીવન થઈ; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં એ શોખ બંધ પડી ગયો.

સર્જનાત્મક છબીકલાની દુનિયામાં કાર્ટ ડી વિઝિટ વિક્ટોરિયન યુગની મહાન યાદ મૂકી ગઈ છે, જેમાં વિખ્યાત વ્યંગચિત્રકાર ગાસ્પર્ડ ટુર્નાકોનનું અદભુત વ્યક્તિચિત્ર છે. મહિલા છબીકાર જૂલિયા માર્ગરેટ કૅમરોને ઝડપેલાં વિખ્યાત કવિઓ ટેનિસન, લાગફેલો અને બ્રાઉનિંગનાં અદભુત વ્યક્તિચિત્રોમાં ક્લોઝ-અપ ટૅકનિક, મોટી પ્લેટ અને પ્રકાશ-છાયાએ અદભુત ભાગ ભજવ્યો છે. આમાં તેમણે પ્રચંડ ર્દક્કાચ વાપરેલો અને પોઝ કુદરતી આવી શકે એ હેતુથી માથું ટેકવી રાખવાના ચીપિયાના ઉપયોગ વગર પાંચથી સાત મિનિટના લાંબા એક્સ્પોઝર દરમિયાન થીજી રહેવાની કડક સૂચના આપતી.

પ્રારંભમાં, ચિત્રકલામાં રેખાઓની ચોકસાઈ મેળવવાના હેતુથી શોધાયેલા કૅમેરાથી છબીકલાનો ઉપયોગ શરૂ થવાથી કૅમેરાનો ઉપયોગ કરવાનું કલાકારોએ બંધ કર્યું અને એ બધું છબીકારો પર છોડી દીધું.

ક્રિમિયન યુદ્ધ દરમિયાન છબીકારો કેવી રીતે છબીઓ ખેંચતા એ જાણીને એમની ધગશને દાદ આપવી પડે છે. રોજર ફેન્ટન પ્રથમ યુદ્ધ-છબીકાર હતો. ‘ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ’ નામના સામયિક માટે છબીઓ ખેંચવા ગયો હતો. તેણે દારૂના વેપારીની ચાર પૈડાંવાળી ઘોડાગાડી રાખી હતી. તેમાં પોતાની પથારી, સ્ટવ, પોતાના પૂરતી ખાદ્યસામગ્રી, 3 ઘોડા, 5 કૅમેરા, છબીકલા માટેની કાચની 700 પ્લેટ, રસાયણો, 1 રાવટી, 36 પેટીઓ વગેરે લઈને ક્રિમિયન સમરાંગણમાં તે ઘૂમતો. ગરમી એટલી હતી કે પ્લેટ પર કોલોડિયન પાથરે એવું જ સુકાઈ જતું. એટલે તે પરોઢિયેથી સવારના 10 વાગ્યા સુધી જ કામ કરી શકતો. છતાં તેણે કુલ 360 યાદગાર યુદ્ધછબીઓ ઝડપી હતી. સામયિકના માલિકો તરફથી સ્પષ્ટ સૂચના હતી કે તેના વાચકો માનસિક ત્રાસ ન અનુભવે એ ખાતર સૈનિકો તથા યુદ્ધર્દશ્યોની વધારે ભયંકરતા અને અરેરાટી ઉપજાવે એવાં ર્દશ્યો બહુ ઝડપવાં નહિ. કૉલેરાની બીમારીને કારણે તે લંડન પાછો ફર્યો ત્યારે તેને બદલે ગયેલા ફેલિસ બીટો અને જેમ્સ રૉબર્ટસને બેલક્લેવા ખાતેના વિનાશ અને યુદ્ધ પછીની અસરની હૃદયદ્રાવક છબીઓ ઝડપી હતી.

સામૂહિક રીતે યુદ્ધછબીઓ આવરી લેવાની પદ્ધતિનો પ્રથમ વિચારક અને સમાચાર-ચિત્રોની આવશ્યકતાનું પ્રથમ ભવિષ્ય ભાખનાર વિખ્યાત અમેરિકન છબીકાર મૅથ્યૂ બ્રૅડી હતો. તેણે વીસ છબીકારોની ટુકડી રોકીને અમેરિકાના આંતરવિગ્રહની ઐતિહાસિક છબીઓ ઝડપી હતી. ગાર્ડનર અને ઓ’સુલિવેને ઝડપેલી ‘ધ હાર્વેસ્ટ ઑવ્ ડેથ’ નામની છબી આજેય દિલ ધડકાવી નાખે છે. ઓ’સુલિવેને ન્યૂ મેક્સિકો, ઍરિઝોના, કૉલરાડો અને નેવેડા જઈને મૅગ્નેશિયમનો ભડકો કરીને કૃત્રિમ પ્રકાશમાં વિખ્યાત કોમ્સ્ટોક લોડની ખાણમાં અવિસ્મરણીય છબી ઝડપીને આજની ‘ફ્લૅશ ફોટોગ્રાફી’નાં પગરણ માંડ્યાં.

ફ્રેન્ચ છબીકાર ઑગસ્ટી બાઇઝન 25 મજૂરો લઈને મૉં બ્લાં પર્વત પર ગયેલો ત્યારે 4874 મી.ની ઊંચાઈએ માત્ર 3 છબી લઈ શક્યો કે જેને તેણે બરફના પીગળતા પાણીમાં ધોઈ હતી. કુદરતી ર્દશ્યોનાં પુસ્તકોના પ્રકાશકો તરફથી મોટી છબીઓની માગ ઊભી થઈ. આવી મોટી છબીઓ તૈયાર કરીને પુસ્તકનાં પાનાં પર ગુંદરથી ચોડવામાં આવતી. ત્યારે સંવર્ધક ન હતાં, એટલે ફ્રાન્સિસ ફ્રિથ નામના છબીકારે 40.64 x 50.8 સેમી.ના માપની પ્લેટો તૈયાર કરીને ઇજિપ્તમાં સુંદર છબીઓ ઝડપી; પરંતુ નાઈલ નદીના મુખપ્રદેશના કાંપની અસહ્ય ગરમીને કારણે પ્લેટ પરનું કોલોડિયન પીગળીને ઊકળવા લાગેલું.

આટલાં વર્ષોની આવી અનેક શોધ બાદ એક્સ્પોઝર, પ્રક્રિયા અને તેની રીત વધુ ઝડપી બનાવવાનું જરૂરી હતું કારણ કે એ બધું ગૂંચવણભર્યું અને કમરતોડ હોવા ઉપરાંત મહાવરો અને કૌશલ માગી લે એવું હતું. પ્લેટને કાયમી બનાવવા માટે તેના પર છબીકારોએ મધ, બિયર, ઈંડાં, આદુનો દારૂ, સ્પેનમાં થતો શેરીનો દારૂ વગેરેથી પ્રયોગો કરેલા; પરંતુ 6 માસથી વધુ સ્થાયીપણું મેળવી શકાયું ન હતું.

મેજર ચાર્લ્સ રસેલ, વિલિયમ બોલ્ટન, બી. જે. સેયસ, ડૉ. રિચર્ડ મેડૉક્સ, જ્હૉન બર્જિસ, રિચર્ડ કેનેટ અને ચાર્લ્સ બેનેટ જેવા ધુરંધરોની વિવિધ શોધોને અંતે 1878માં બ્રિટનમાં જિલેટીનની ડ્રાઇપ્લેટ અને કાચની પ્લેટ પર દ્રાવણ ચોપડવાનાં સ્વયંસંચાલિત યંત્રો ઉપલબ્ધ થયાં. પરિણામે કૅમેરાને ઘોડી પર ગોઠવ્યા વગર, હાથમાં પકડીને જ છબી ઝડપી શકાય એવી એક સેકન્ડના 25મા ભાગ જેટલી ઢાંકણાની ઝડપ શક્ય બની શકી, અને 1880ના દશકમાં તો હાથમાં પકડી શકાય એવા કૅમેરા બજારમાં આવી ગયા. સૌપ્રથમ 1881માં આવા 2 કૅમેરા પોલીસના જાપ્તા માટે જ બનાવવામાં આવેલા તેથી તેનું લોકભોગ્ય નામ ‘ડિટેક્ટિવ કૅમેરા’ બની ગયું; પરંતુ એ દશકના અંતમાં આવા નાના કૅમેરા પર જે નામ જોવામાં આવ્યું તે હતું ‘કોડક’ અને લોકો તેને વસાવવા મંડી પડ્યા.

ચલચિત્રનો જન્મ પણ અકસ્માતથી થયો. કૅલિફૉર્નિયાના ગવર્નર લિલૅન્ડ સ્ટૅન્ફર્ડ અને તેના મિત્ર ફ્રેડરિક મેક્રેલિશ વચ્ચે શરત લાગી કે ઘોડો જ્યારે ભરદોડમાં હોય ત્યારે કોઈ એક ક્ષણે તેના ચારે પગ હવામાં હોય કે નહિ. સ્ટૅન્ફર્ડ છબીકાર એડવર્ડ મ્યુબ્રિજ(મૂળ નામ Edward James Muggeridge)ને મળ્યો. સેક્રેમેન્ટો રેસકોર્સ પરના નિષ્ફળ પ્રયત્ન પછી પાંચ વર્ષની તપસ્યા બાદ વધુ તીવ્ર અને ખર્ચાળ પ્રયાસ માટે સ્ટૅન્ફર્ડે તેને 40,000 ડૉલર આપ્યા. તેમાંથી તેણે રબરનો ટ્રેક, પાર્શ્વભૂમિમાં મૂકવાના વિશાળ પડદા માટે સફેદ કાપડના તાકા, મોટી પ્લેટવાળા બાર નંગ કૅમેરા અને 12.192 મી. લાંબું કૅમેરા-હાઉસ

આકૃતિ 3 : ધ્વનિ-અંકનની સગવડવાળો કૅમેરા 1. ધ્વનિગ્રાહક, 2. પટ્ટીની લંબાઈમાપક, 3. ર્દક્કાચનું છત્ર, 4. ર્દક્કાચ, 5. અંતરદર્શક, 6. ઢાંકણ ઉઘાડનાર કળ, 7. હાથો, 8. વીજળી-કળ, 9. ર્દશ્યદર્શક.

વગેરે તૈયાર કર્યાં અને 12 છબીઓ ઝડપી જે પૈકી એકમાં ઘોડાના 4 પગ હવામાં ઝડપાઈ શક્યા. સ્ટૅન્ફર્ડ શરત તો જીતી ગયો; પરંતુ આવી શ્રેણીબદ્ધ ‘ઍક્શન ફોટોગ્રાફી’ અને ચલચિત્રના જન્મદાતા તરીકે મ્યુબ્રિજ અમર થઈ ગયો. આ બિના 1887માં કૅલિફૉર્નિયાના પાલો આલ્ટો ખાતે બની હતી.

આવા બહુઉદ્દેશ્ય કૅમેરાઓના ઉત્પાદનની સાથે તેમાં વાપરવા માટે કાચની પ્લેટને બદલે સેલ્યુલોસમાંથી બનાવેલા મજબૂત અને લવચીક પદાર્થ સેલ્યુલોઇડની પટી પર બ્રોમાઇડના દ્રાવણમાં રાખેલી જિલેટીનની પાતળી પટી ચોંટાડીને બનાવેલી ફિલ્મની શોધ થઈ. દુનિયાની આ પ્રથમ રોલ-ફિલ્મ હતી કે જેને એક ચાવી મારફત ફેરવીને તેના પર એક પછી એક એમ સોએક છબીઓ લઈ શકાતી. છબીઓ ખેંચ્યા પછી ઉત્પાદક કંપનીને આ કૅમેરા મોકલી આપવો પડતો. છબીઓ તૈયાર થયા બાદ કૅમેરામાં નવી ફિલ્મ ભરીને, તૈયાર થયેલ છબીઓ સહિત એ કૅમેરા તેના માલિકને પાછો મળી જતો.

1888માં કોડક કંપનીના સર્જક જ્યૉર્જ ઈસ્ટમૅને કોડકનો જે નાનો બૉક્સ-કૅમેરા બજારમાં તરતો મૂકેલો તેમાં છાપેલું હતું : ‘‘આપ બટન દાબો, બાકીનું અમે કરીશું.’’ દુનિયાની દરેક ભાષામાં સરળતાથી ઉચ્ચાર થઈ શકે એ હેતુથી જ્યૉર્જ ઈસ્ટમૅને પોતાની કંપની અને કૅમેરાને ‘કોડક’ નામ આપ્યું. 1890ના દશકમાં નાના કૅમેરાનો એવો યુગ આવ્યો કે ધમણવાળા, રોલિફેક્સના પૂર્વજ સમા જોડિયા લેન્સવાળા રિફ્લૅક્સ કૅમેરા તથા ડાર્કરૂમની જરૂર ન પડે અને કૅમેરામાં જ ફિલ્મ ધોવાઈ જાય એવા ‘નોડાર્ક’ કૅમેરાઓનો યુગ આવ્યો. નામની સામ્યતાને લીધે જનતા છેતરાઈ જાય છે એમ માનીને કોડક કંપનીએ નોડાર્ક સામે કેસ કર્યો જેને પરિણામે નોડાર્કનું નામ પાછું ખેંચાઈ ગયું; પરંતુ આપમેળે છબીનું પ્રોસેસિંગ કરવાવાળો દુનિયાનો પ્રથમ કૅમેરા ‘નોડાર્ક’ હતો. આ દિશામાં એડ્વિન લેન્ડે શોધ ચલાવી અને 1947માં દુનિયાને ‘પોલરૉઇડ’ કૅમેરા મળ્યો.

1900માં કોડકે ‘બ્રાઉની’ નામનો બૉક્સ-કૅમેરા અને 1903માં ખિસ્સામાં રહી શકે એવો ધમણવાળો કૅમેરા આપ્યો. 1920 પછી જર્મની બજારમાં આવ્યું અને છબીકલાની દુનિયા પર તેણે 60 વર્ષ રાજ્ય કર્યું. 1924માં જર્મનીએ ઝાંખા પ્રકાશમાં પણ છબી ખેંચી શકે એવા F2 લેન્સ છિદ્રવાળો ‘એમૉનૉક્સ’ કૅમેરા આપ્યો. 1925માં લિઝિંગ ખાતેના વસંતઋતુના મેળામાં લિટ્સ કંપનીના યંત્રકાર ઑસ્કાર બર્નેકે બનાવેલ ઐતિહાસિક લાયકા કૅમેરા દુનિયાને આપ્યો. જોડિયા ર્દક્કાચનો રિફ્લૅક્સ કૅમેરા ‘વોઇલૅન્ડર’ અને 1927માં અતિ લોકપ્રિય ‘રોલિફ્લૅક્સ’ કૅમેરાઓ આવ્યા. 1937માં ‘એક્ઝેક્ટા’ અને બીજા વિશ્વયુદ્ધ પછી ક્રૉફર્ડ ગ્રીનવોલ્ટે શોધેલો દુનિયાનો મનહર ‘હેઝલબ્લેડ’ કૅમેરા આવ્યો.

ફ્રાન્સના બે ખગોળશાસ્ત્રીઓ લોયવી અને પ્યુઝ્યુક્સે પૅરિસની વેધશાળાના વિશાળ ટેલિસ્કોપથી 1894માં ખેંચેલી ચંદ્રની ઝીણામાં ઝીણી વિગત દર્શાવતી છબીની યાદ આપી જાય એવી બીજી એક છબી પોણી સદી બાદ ફ્રૅન્ક બોર્મને ખેંચી. નાસા દ્વારા ચંદ્ર ઉપર ઊતરવાની પ્રક્રિયા કરી રહેલ અવકાશયાન ઍપોલો-8માંથી 250 એમ.એમ.ના ટેલિફોટો ર્દક્કાચવાળા હેઝલબ્લેડ કૅમેરાથી 1968માં બોર્મને ખેંચેલી ‘ચંદ્રની ધરતી પર પૃથ્વીનો ઉદય’ના શીર્ષકવાળી ઐતિહાસિક છબી સમગ્ર વિશ્વને યાદ રહેશે.

આકૃતિ 4 :  પૃથ્વી પરથી અગિયારશનો ચંદ્ર તો આપણે જોયો છે. આ છબી ચંદ્ર ઉપરથી દેખાતી પૃથ્વીની છે. ચંદ્ર ઉપરથી પૃથ્વી વાદળછાયા ભૂરા વિશાળ – ચંદ્ર કરતાં ચાર ગણા પહોળા – ગ્રહ જેવી દેખાય છે.

જાપાને અવનવા કૅમેરાની સાથોસાથ શક્તિશાળી ટેલિફોટો ર્દક્કાચ, 1800નો વિસ્તાર આવરી શકે એવા ફિશ-આઈ સુધીના વાઇડ-ઍંગલ ર્દક્કાચ અને બદલી શકાય એવા ઝૂમ-ર્દક્કાચ વગેરે ખડકી દીધા. હવે દુનિયામાં એક એવો યુગ શરૂ થયો કે કૃત્રિમ પ્રકાશ માટે મૅગ્નૅશિયમના ભડકા, મૅગ્નેશિયમ બલ્બ કે ઇલેક્ટ્રૉનિક બલ્બને સ્થાને શક્તિશાળી ઇલેક્ટ્રૉનિક ફ્લૅશગન, છબી મોટી કરવાનાં સ્વયંસંચાલિત સંવર્ધક તેમજ 8થી 70 મિલીમીટરના મૂવી કૅમેરા ઉપલબ્ધ થયાં. 1861માં સ્કૉટલૅન્ડના સર જેમ્સ ક્લર્ક મૅક્સવેલે કરેલી રંગીન છબીકલાની શોધને પરિણામે જોસ્પેએ 1925માં રંગીન છબીકલા માટેનો પ્રથમ કૅમેરા આપ્યો હતો. એ માટે રંગીન છબીઓ ઝડપી શકે અને કૃત્રિમ પ્રકાશની સહાય વગર રાત્રિના અંધારામાં તેમજ વાદળાં વીંધીને છબી ઝડપી શકાય એવી ઇન્ફ્રારેડ ફિલ્મો મળી, ઉપરાંત મૂવી ફિલ્મોની દુનિયામાં વીડિયો કૅમેરા પણ આવી ગયા. આમ, બીજા વિશ્વયુદ્ધ પછીનાં 10 વર્ષે શ્યામ-શ્વેત છબીકલાનો અસ્ત થવા લાગ્યો અને રંગીન છબીકલાનો યુગ શરૂ થયો.

શરૂઆતમાં મેટોલ, સોડિયમ સલ્ફાઇટ એન્હાઇડ્રસ, હાઇડ્રૉક્વિનન, સોડિયમ કાર્બોનેટ એન્હાઇડ્રસ, પોટૅશિયમ કાર્બોનેટ અને પોટૅશિયમ બ્રોમાઇડનાં રસાયણોનું દ્રાવણ બનાવીને શ્યામ-શ્વેત ફિલ્મને તથા છબીને ડેવલપ કરવામાં આવતી. અલબત્ત, હવે તો આ બંને પ્રક્રિયા માટે તૈયાર બનાવટનાં અદ્યતન જુદાં જુદાં રસાયણો ઉપલબ્ધ થયાં છે. રાસાયણિક પ્રક્રિયા બાદ ફિલ્મને હાઇપોના દ્રાવણમાં ડુબાડીને પ્રતિમાને સ્થાયી કરવામાં આવતી; પરંતુ અદ્યતન પદ્ધતિ અનુસાર એમોનિયમ થાયૉસલ્ફેટ પ્રતિમાને વધારે ઝડપથી સ્થાયી બનાવે છે. આ પછી નૅગેટિવને સંવર્ધકમાં મૂકીને છબી છાપવામાં આવે છે અને પછી તેને ડેવલપર તથા સ્થાયિતાની પ્રક્રિયા બાદ ચોખ્ખા પાણીથી દ્રાવણોની અસર કાઢીને સૂકવી નાખવામાં આવે છે.

આવી રીતે તૈયાર થયેલ છબીઓ દુનિયાભરમાં પ્રસરેલી છે. સર્વશ્રેષ્ઠ વ્યક્તિચિત્ર છબીકાર યૂસુફ કાર્શ, સેસિલ બિટન, સુચિલ્ઝૂકી, રોય, પોન્ટિંગ, આલ્ફ્રેડ આઇઝનસ્ટેટ, કર્ક ડગ્લાસ, વૉલ્ટર બર્ડ, હ્યુબર્ટ ડેવી અને બૅરન જેવા ધુરંધરો છબીકલામાં વિખ્યાત બનેલા છે.

છબીકલામાં કલાનો પ્રવેશ 1859માં ‘ફૅશનેબલ ફોટોગ્રાફી’થી થયો. ત્યારે પૅરિસના છબીકાર ઍન્ડ્રે ડિઝડેરીએ એક જ પ્લેટ પર જુદી જુદી દસ નૅગેટિવો ઝડપી શકે એવા વિભિન્ન લેન્સ જડેલા કૅમેરાથી છબીઓ ખેંચાવવાની ફૅશન ઊભી કરી હતી અને ‘કાર્ટી ડી વિઝિટી કોલોડિયન વ્યક્તિચિત્ર’ની પોતાની આગવી શૈલીથી લોકોમાં વરણાગિયો જુવાળ પેદા કર્યો હતો.

એ વખતે ઑસ્ટ્રિયનો સામે યુદ્ધ ખેડવા નેપોલિયન ત્રીજો જ્યારે પોતાના લશ્કરને દોરીને પૅરિસની બહાર નીકળી રહ્યો હતો ત્યારે તે ડિઝડેરીના સ્ટુડિયો બહાર થોભ્યો અને વિભિન્ન મુદ્રાઓવાળી પોતાની એક છબી ખેંચવા ડિઝડેરીને હુકમ કર્યો. આની નકલો બનાવીને માઉન્ટ કરેલા વિઝિટિંગ કાર્ડ તરીકે તેણે વહેંચવા વિચાર્યું હતું. બીજે જ દિવસે, આખા પૅરિસ શહેરે નેપોલિયનના નમૂનાની નકલ કરી અને ગ્રાહકોએ ડિઝડેરીને નિરાંતનો દમ લેવા ન દીધો. આમ ડિઝડેરી રાતોરાત વિખ્યાત થઈ ગયો.

પરંતુ ડિઝડેરીની છબીકલા તો વિવિધતા હતી — કલા નહિ. છબીકલાને કલાત્મક બનાવવાનો પ્રથમ વિચાર બિનવ્યવસાયી છબીકાર શ્રીમતી જૂલિયા માર્ગરેટે કર્યો. નજીકથી છબી ઝડપવાનું કૌશલ અને કલ્પનાતીત પ્રકાશવ્યવસ્થાની સૂઝ તેમણે કેળવેલાં. મોટી પ્લેટ અને વિશાળ લેન્સને કારણે પાંચથી સાત મિનિટના લાંબા એક્સ્પોઝર હોવા છતાં કુદરતી ઢબમાં છબી મેળવવા ખાતર માથાને હલતું અટકાવવાનો ચીપિયો પણ તે વાપરતાં નહિ. વિખ્યાત કવિવરો ટેનિસન, લૉંગફેલો અને બ્રાઉનિંગની અદભુત છબીઓ ઝડપીને વિખ્યાત થયેલાં જૂલિયાએ માથા પરથી આવતા પ્રકાશનો સુંદર ઉપયોગ કરીને 1868માં મૅગી થૅકરે નામની એક બાળકીની ખેંચેલી ‘દયાળુ ઈશુ’ શીર્ષકવાળી છબીનો ‘પ્રથમ કલાત્મક છબી’ તરીકે સ્વીકાર થયો.

લોકો હવે કલાત્મક છબીઓ પ્રત્યે આકર્ષાવા લાગ્યા અને છબીકારો એ દિશામાં પ્રયત્નો કરવા લાગ્યા. કલાત્મક છબીઓ તૈયાર કરવા માટેના મશહૂર છબીકાર હેન્રી પીચ રૉબિન્સને નવો પ્રયાસ કર્યો. તેણે મેદાનમાં બેસીને ગપસપ કરતા કુટુંબની એક અને બીજી છબી સમુદ્રની ઝડપી. પછી તેણે આ બંને નૅગેટિવો ભેગી છાપી. ‘સાગરકાંઠે ગપસપ’(Gossip on the beach)ના શીર્ષકવાળી આ છબીએ લોકોને મુગ્ધ કરી દીધા. આવું અગાઉ કદી બનેલું નહિ અને કોઈએ કલ્પના પણ કરેલી નહિ. હવે છબીકલામાં કલા પ્રવેશવા લાગી.

આકતિ 5 : એકવડા કાચવાળા પરાવર્તી કૅમેરાની રચના 1. ફિલ્મપટી આગળ વીંટવાનો દટ્ટો; 2. દ્વાર (શટર) ખુલ્લું કરવાની કળ; 3. દ્વારનિયામક વલયો; 4. પટી પાછી વીંટવાનો દટ્ટો; 5. સ્વયંસમયનિર્ધારણકળ; 6. દ્વારની ગતિનિયામક તથા સૂચક; 7. બિંબસ્પષ્ટકર્તા વલય (ફોકસ મેળવનાર); 8. ર્દક્કાચ.

પોતાની કલાર્દષ્ટિથી કૅમેરાના ઉત્પાદકો પણ લોકોને આકર્ષવા માટે નવીનતા અને કુતૂહલ પેદા કરે એવા કૅમેરા બનાવવા લાગ્યા. 1880નો દાયકો એ માટે યાદગાર બની રહ્યો. અસલ કદ અને દેખાવવાળાં ખિસ્સાઘડિયાળ, પુસ્તક, લાકડીનો હાથો, પિસ્તોલ અને નેકટાઈમાં છુપાઈને છબીઓ ઝડપી શકે એવા અવનવા આકારના નાના કૅમેરા બનવા લાગ્યા. 1881માં ‘કોડક’ના શોધક જ્યૉર્જ ઈસ્ટમૅનની ‘ધ ઈસ્ટમૅન ડ્રાઇ પ્લેટ ઍન્ડ ફિલ્મ કંપની’એ બનાવેલ બે કૅમેરાનો લંડન પોલીસ ફોર્સે જાપ્તા ખાતર ઉપયોગ કર્યા બાદ આવા નાના કૅમેરા ‘ડિટેક્ટિવ કૅમેરા’ તરીકે લોકપ્રિય થયા.

આવા નાના કૅમેરાની વાત થાય ત્યારે 1900ના અરસામાં અમેરિકાના શિકાગોમાં બનેલો દુનિયાનો સૌથી વિરાટ કૅમેરા ‘મૅમથ’ યાદ આવે. એ 1.524 મી. ઊંચો અને 3.6576 મી. લાંબો હતો અને 1.524 મી. ઊંચા બાર પાયાવાળા લાકડાના ઘોડા પર ગોઠવવામાં આવતો, 544.32 કિગ્રા. વજનવાળા આ કૅમેરાને ખસેડવા રેલવેના પાટા વપરાતા. ચાર માણસો ઘોડા પર અને અગિયાર માણસો જમીન પર, એ રીતે પંદરેક માણસોની મદદથી આમાં 0.9144 મી. ઓરસ-ચોરસ માપની છબી ખેંચી શકાતી કારણ કે એ જમાનામાં એન્લાર્જર ન હતાં એટલે મોટી છબીઓ ખેંચવા માટે કૅમેરા જ મોટા બનાવવા પડતા. માત્ર વિશાળ કદને આધારે તેને 1900માં ‘ગ્રૅન્ડ પ્રાઇઝ ઑવ્ ધ વર્લ્ડ’નું ઇનામ મળેલું.

કલાત્મક છબીઓ ઝડપવામાં ખગોળશાસ્ત્રીઓનું પણ મોટું યોગદાન રહ્યું છે. 1960ના દાયકામાં અદ્યતન સાધનોથી અવકાશયાત્રીઓએ ઝડપેલી ચંદ્ર અને પૃથ્વીની છબીઓની તોલે બરાબર ઊભી રહી શકે એવી ચંદ્રની છબી ફ્રાન્સના બે ખગોળશાસ્ત્રીઓ લોયવી અને પ્યુઝ્યૂકે 1894માં પૅરિસની વેધશાળાના વિરાટ ટેલિસ્કોપની મદદથી એવી અદભુત ઝડપી છે કે ચંદ્રની સપાટી પરના જ્વાળામુખી પર્વતોના મુખ વગેરેની ઝીણામાં ઝીણી વિગતો જોઈ શકાય છે. કલાર્દષ્ટિથી છબી ઝડપવા તેણે આજના ટેલિફોટો લેન્સને જન્મ આપ્યો. આ છબી છબીકલાના કલાકૌશલનો ચિરંજીવ નમૂનો છે.

આકૃતિ 6 : મૃગયાશુનમંડળમાં આવેલી M51 મંદાકિનીની આ છબી બ્રહ્માંડમાં સૌથી દૂરના પદાર્થની છબી છે.

છબીકલાના ક્ષેત્રે છબીકારો સારી છબીઓ ખેંચવામાં પાવરધા થઈ ગયા હતા; પરંતુ છબીકારો પોતાના સ્ટુડિયોની બહાર નીકળીને આસાનીથી છબીઓ ઝડપી શકે એવા કૅમેરાની ઊણપ હતી, જે કોડકે 1903માં ધમણવાળો કૅમેરા આપવાથી પૂરી થઈ અને છબીકારો સ્ટુડિયોનો ઉપયોગ કર્યા વગર ઐતિહાસિક ઇમારતો, ખુલ્લામાં વિચરતા લોકો, શહેરની ગલીઓ વગેરેની સુંદર છબીઓ ઝડપવા લાગ્યા.

પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતાં જ 1920માં જર્મનીએ બજારમાં એવું ઝંપલાવ્યું કે લાગલાગટ છ દાયકા સુધી છબીકલાની દુનિયા પર એકચક્રી સામ્રાજ્ય જમાવ્યું અને કોડક વગેરેને ઝાંખા પાડી દીધા. 1924માં જર્મનીએ કૃત્રિમ પ્રકાશની સહાય વગર ગમે તેવા ઝાંખા પ્રકાશમાં પણ છબી ઝડપી શકે એવા F2 જેવા શક્તિશાળી લેન્સ-એપર્ચરવાળો ‘એમૉનૉક્સ’, 1925માં ‘લાયકા’ અને ‘વોઇલૅન્ડર’, 1927માં ‘રોલિફ્લૅક્સ’ અને 1937માં ‘એક્ઝેક્ટા’ કૅમેરા આપ્યા. આ ઉપરાંત, ‘ઝિસ-આઇકોન’ અને ‘સુપર-આઇકોન્ટા’ જેવા ઢગલાબંધ શ્રેષ્ઠ કૅમેરાઓથી બજાર ભરાઈ ગયું.

હવે લોકોએ કાચ અને કચકડાની પ્લેટ-ફિલ્મોનો થોકડો લઈને બહાર ફરવાની જરૂર ન રહે એવા કચકડાના ફિલ્મ-રોલ બજારમાં આવી ગયા. અત્યાર સુધી કૃત્રિમ પ્રકાશ મેળવવા માટે મૅગ્નેશિયમનો ભડકો કે મૅગ્નેશિયમના બારીક તાર ભરેલો બલ્બ કોઈ ટૉર્ચ–બૅટરીમાં મૂકીને ઝબકારો કરવો પડતો એ પદ્ધતિ 1930માં બંધ થઈ અને ‘ઇલેક્ટ્રૉનિક ફ્લૅશ-ગન’ ઉપલબ્ધ થઈ.

1930માં મૅસેચૂસેટની યંત્રોદ્યોગશાસ્ત્રની સંસ્થા ખાતે અતિઝડપી છબીકલાના શોધક હેરૉલ્ડ એગર્ટને એક સેકન્ડના લાખમા ભાગની ઝડપવાળી ઇલેક્ટ્રૉનિક ફ્લૅશ-ગન બનાવી, જે પિસ્તોલમાંથી છૂટેલી

આકૃતિ 7 : અધિસ્વનિક વિમાન ‘કૉન્કોર્ડ’ના પ્રરૂપ શ્લિરેન છબી વિમાન ઊડે ત્યારે વાયુમાં ઉત્પન્ન થતા પ્રવાહોના પટ્ટા દર્શાવે છે. દર્પણ તથા ર્દક્કાચના ઉપયોગ વડે વાયુની વિવિધ ઘનતાનાં ક્ષેત્રો ત્રાંસી રેખા દ્વારા છૂટાં જોઈ શકાય છે.

ગોળીને સ્થિર ઝડપી શકવા સક્ષમ હતી. તેણે 1936માં ખેંચેલી ‘છાંટા ઉડાડતું દૂધનું ટીપું’ (Splash of a Milk Drop) શીર્ષકવાળી છબી પ્રશંસનીય બની. હવે છબીકલા માત્ર યાંત્રિક રહી ન હતી; પરંતુ કલાકૃતિ તરીકે ઊભરવા લાગી અને અન્ય છબીકારોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળવાથી અનેક પ્રયોગો થવા લાગ્યા. પરિણામે દુનિયાને છબીકલાની ઉત્તમ કૃતિઓનો ખજાનો મળવા લાગ્યો.

આકર્ષક અને કલાત્મક છબીઓ ઝડપવામાં મદદ કરવા કુદરતના અમુક રંગોને ઝાંખા, વધુ ઊજળા કે ભિન્ન કરી શકે એવા રંગીન કાચનાં વિભિન્ન ફિલ્ટર ઉપલબ્ધ થયાં. બીજા વિશ્વયુદ્ધ પછી ક્રૉફર્ડ ગ્રીનવૉલ્ટે શોધેલા દુનિયાના અતિમાનીતા ‘હેઝલબ્લેડ’ કૅમેરાએ તો છબીકલામાં ચાર ચાંદ લગાડી દીધા. આ પછી જાપાને જર્મની પાસેથી છબીકલાની દુનિયા જીતી લીધી અને યાશિકા, કૅનન, મિનોલ્ટા, પેન્ટેક્સ અને નિકોન જેવા શ્રેષ્ઠ કૅમેરા દુનિયાને આપ્યા, એટલું જ નહિ; પરંતુ ખૂબ શક્તિશાળી ટેલિફોટો લેન્સ, 1800નો વિસ્તાર આવરી શકે એવા ‘ફિશ-આઈ’ સુધીના વાઇડ-ઍંગલ લૅન્સ અને બદલી શકાય એવા ઝૂમ લેન્સ પણ તૈયાર કર્યા.

આ બધાં સાધનોનો સદુપયોગ કરીને છબીકલાકારોએ દુનિયાને મંત્રમુગ્ધ કરી દીધી. આવી છબીઓ જ્યારે નજર સમક્ષ ઊભરે ત્યારે સૌપ્રથમ કૅનેડાના અતિ વિખ્યાત પોર્ટ્રેટ છબીકાર યૂસુફ કાર્શનું નામ આવે. તેની માન્યતા મુજબ ચહેરાના ભાવ અને વ્યક્તિત્વ મેળવવામાં મહત્ત્વનો ભાગ હાથ ભજવે છે, અને તેથી, તેની દરેક છબીમાં તેણે ચહેરાની આસપાસ હાથને અવશ્ય ઝડપ્યો છે. કાર્શની ખૂબી એ રહી છે કે તે પાર્શ્વભૂમિ (background) હંમેશાં શ્યામ રાખે છે, બંને બાજુએથી સ્પૉટલાઇટથી તીક્ષ્ણ પ્રકાશ ફેંકીને ચહેરો ઉપસાવે છે અને ચહેરા તથા હાથને તીક્ષ્ણ ફોકસ આપે છે તેમજ વ્યક્તિ પ્રમાણે ભાવને ચહેરા પર લાવવાનો ખાસ આગ્રહ રાખે છે. આ રીતે કાર્શે તેની છબીઓમાં ભારોભાર કલાદર્શન કરાવ્યું છે. ડિસેમ્બર, 1941માં ખેંચેલી વિન્સ્ટન ચર્ચિલની અદભુત છબીથી તેઓ વિખ્યાત બન્યા પછી દુનિયાના મહાનુભાવો, જવાહરલાલ નહેરુ અને ટ્રૂમૅન જેવા રાજપુરુષો, બર્નાર્ડ શૉ જેવા સાહિત્યકારો, પિકાસો અને ઑગસ્ટસ જ્હૉન જેવા કલાકારો, આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકો, પૅબ્લો કસલ્સ જેવા સંગીતજ્ઞો અને ક્લાર્ક ગેબલ તથા ઇંગ્રીડ બર્ગમૅન જેવા સિને-અદાકારો કાર્શ પાસે છબી ખેંચાવવા માટે ગર્વ અનુભવતા હતા. દવાખાનાના ખાટલે બેઠેલી એસ્કિમો સ્ત્રીની છબીમાં કંપોઝિશન ખાતર દીવાલ પર પડતા તડકાનો તેમણે કરેલો ઉપયોગ ર્દષ્ટિસૂઝનો નમૂનો છે; વહાણના સઢ સાંધવાના બાપદાદાના ધંધાનો ગર્વ માણતા નાવિકની, વિરુદ્ધ પ્રકાશમાં ખેંચેલી છબી કાર્શની કલાસૂઝ દર્શાવે છે, જ્યારે ખાસ વિષય વગરના  –ગામના સીમાડાના – સાદા ર્દશ્યચિત્રમાં નજીકથી ક્ષિતિજ સુધી દેખાતો દરેક ભાગ ફોકસમાં લેવાના તેમના એપર્ચર-જ્ઞાનની સાખ પૂરે છે. છબીકલાના દરેક પાસા વિશેની તેમની નિપુણતાને કારણે જ કહેવાયું છે કે પાંચસો વર્ષમાં કાર્શ જેવો છબીકલાકાર ધરતી પર પાકવો મુશ્કેલ છે.

હવે કલાકારો ‘ક્લોઝ-અપ’ લેન્સથી, સામા પ્રકાશમાં વિભિન્ન પ્રકારનાં સુંદર પુષ્પોનાં પાંદડાંઓ, વૃક્ષો, પતંગિયાં, પક્ષીઓ અને વાદળાં, સમુદ્ર તથા પર્વત વગેરેની અદભુત છબીઓ ઝડપીને દીવાલો શોભાવવા લાગ્યા.

અખબારો અને ધંધાદારી જાહેરાતો માટે છબીકાર આર્ટ કેઇને નવી જ રીત અપનાવી. વાદળિયા આકાશ નીચે સાગરતટે યોગાસન મુદ્રામાં ખુલ્લા વાળે સૂતેલી યુવતી અને બૉક્સિંગ રિંગમાં બેહોશ સૂતેલો બૉક્સર – આ બંને જુદી જુદી છબીઓ ઊંધી લટકાવવાથી અનુક્રમે ઘૂઘવતા સાગરમાં આકાશમાંથી અવતરણ કરી રહેલી સાધ્વી અને અંધારિયા ઓરડાની છત પર ચોંટેલો રાક્ષસ – એવો ભાસ કરાવતી છબીઓએ જાહેરાત-કલામાં નવો ચીલો પાડ્યો. એવી જ રીતે, તેણે સેન્ટ માર્કના પિયાઝા ચોકની ઝડપેલી છબીને એ જ પેપર પર ઊંધી છાપીને સમુદ્રના તળિયે ડૂબેલા શહેર તરીકે દર્શાવીને ‘સૅન્ડવિચ પ્રિન્ટિંગ’ની કલાત્મક ર્દષ્ટિનો પરિચય કરાવ્યો.

દરેક ક્ષણે કંઈક બનવાનું જ છે એવી ર્દષ્ટિથી ફરતા અખબારી આલમના ‘જાગ્રત છબીકાર’ સામ શેરે અમર થઈ ગયા. 1937માં ન્યૂજર્સીમાં લેકહર્સ્ટ ખાતે આટલાન્ટિક મહાસાગર સાડત્રીસ વાર પાર કરીને ‘હિન્ડનબર્ગ’ નામનું વિરાટ જર્મન ઝેપલીન બલૂન આવ્યું. રવિવારની પૂર્તિ માટે રાબેતા મુજબની છબી ઝડપવા શેરે ત્યાં ગયેલા; પરંતુ 15.24 મી. જ ઉતરાણ બાકી હતું ત્યાં તે ધડાકા સાથે એક જ મિનિટમાં ખાખ થઈ ગયું. આ કરુણ બનાવની વચ્ચે પણ શેરેએ પોતાના જીવનની યાદગાર છબી ઝડપી લીધી. આ પછી આવી આકસ્મિક છબીઓ ઝડપવાનો ચાલ અખબારી છબીકારોમાં વધ્યો. દક્ષિણ વિયેટનામના આતંકવાદીને જનરલ ગ્યૂયેન ગોકલોને માથામાં ગોળી મારી તે છબી એડવર્ડ આદમ્સે બરાબર ઝડપી છે.

છબીને કલાત્મક બનાવવા 1949માં એન્ડ્રિઝ ફીનિંજરે એક નૅગેટિવ પર બે છબીઓ ઝડપી. પહેલી ફ્લડ-લાઇટના પ્રકાશમાં ઊભેલા હેલિકૉપ્ટરની અને બીજી હેલિકૉપ્ટરે ઉડ્ડયન શરૂ કર્યું તેની. આથી હેલિકૉપ્ટરની ઉપર ફરતા પંખાની પાંખો પર પડતા પ્રકાશથી હેલિકૉપ્ટરની ઉપર બાંધેલી તારની ગોળ જાળી ઠેઠ આકાશ સુધી ઊડતી હોય એવી કલાત્મક છબી ઊપસી. 1959માં પૉલ કોપોનિગ્રોએ પર્વતની પથ્થરની દીવાલ એવી રીતે ઝડપી કે કોઈ કલાકારે ‘ઍબ્સ્ટ્રેક્ટ આર્ટ’માં બનાવેલા ચિત્ર જેવી જ લાગે ! જ્યારે, એડ્વિન હોબકરે 2437 મી.ની ઊંચાઈએ ઊડતા વિમાનમાંથી ન્યૂયૉર્ક શહેર અને મૅનહટન ટાપુની લીધેલી છબી લાખો ચોકઠાંવાળી ચિત્રકૃતિ જેવી જ લાગે.

ગ્જોન મિલી તો કલાત્મક છબીઓ ઝડપવામાં વિખ્યાત. સામસામી બે શક્તિશાળી સ્પૉટ-લાઇટોની વચ્ચે કૂદતા રમતવીરો અને બૅલે કલાકારોની અસંખ્ય છબીઓ ઝડપીને ‘કટ-લાઇટ’ છબીકળામાં તેમણે પ્રાણ પૂર્યા છે. 1925માં બનેલા ‘કોડક સર્કિટ કૅમેરા’માં 0.3048 મી. પહોળી અને 1.8288 મી. લાંબી કચકડાની રોલફિલ્મ પર પાંચસોથી વધુ માણસોની સ્પષ્ટ સમૂહ-છબી ખેંચી શકાય છે. એક છેડેથી બીજા છેડા સુધી 1800 ફરતો રહીને તે છબી ઝડપતો રહે છે. લાંબા એક્સ્પોઝરની પદ્ધતિને કારણે દરેક છબી ખેંચાતાં સુધી સ્થિર બેસી રહેવું પડે છે. ભારતની લોકસભાના સભ્યોની સમૂહ-છબી આ કૅમેરાથી ઝડપાતી આવી છે. આમાં કલા-કૌશલ બહુ આવશ્યક છે.

વળાંકભર્યાં અંગો અને કોમળતાના પ્રતીક તરીકે કલાકારો સ્ત્રીપાત્રને પોતાની કલાકૃતિઓમાં સદીઓથી મૂકતા આવ્યા છે. બીભત્સતા અને ઉછાંછળાપણું ક્યાંય દેખાય નહિ એવું મોના લીસાનું ચિત્ર અને વીનસની મૂર્તિ કલા-જગતને સાંપડ્યાં છે. શરીરરચનાશાસ્ત્રના અભ્યાસના આદર્શ – નમૂના તરીકે કલાકારો નવસ્ત્રાં સ્ત્રી-પુરુષોનો અભ્યાસ કરી રહ્યા છે. આમાં સહાયભૂત થવા જેન એન્ડલ, રોય, વૉલ્ટર બર્ડ, ડબલ્યૂ. સુચિત્ઝૂકી અને બ્રેઝાઈ જેવા સુવિખ્યાત છબીકારોએ સ્ત્રીદેહનું સૌંદર્ય પ્રગટ કરતી અસંખ્ય છબીઓથી છબીકલાની દુનિયાને સમૃદ્ધ કરી છે.

બપોરનો નિર્જન રસ્તો, વૃક્ષો વગરની પર્વતની ઊંડી ખીણ, તોફાની દરિયે માછલીના શિકાર કરતાં સીગલ પક્ષીઓ, ધ્રુવ-પ્રદેશનું ભયંકર સૌંદર્ય, વીજળીનો ચમકારો, બુઝાતી મીણબત્તીના ધુમાડા, અંધારી રાતમાં રસ્તાની બત્તીથી ચમકતી ફૂટપાથ, વેરાન રણની રેતીના ઢગલા પરની કુદરતી નકશી, શહેરનું રાત્રિર્દશ્ય, પાણીમાં પ્રતિબિંબ, ગાઢ જંગલનાં વૃક્ષોમાંથી પ્રવેશતા પ્રકાશના શેરડા વગેરે અનેક રોજિંદાં ર્દશ્યોને છબીકારોએ કલા-સભર કરીને વાચા આપી છે અને યાંત્રિક પ્રક્રિયાથી ઊપસેલી છબીને કલાકૃતિનું ગૌરવ અપાવ્યું છે.

છબીમુદ્રણ

છબી ખેંચવી અને છબી તૈયાર કરવી એ બંને જુદી જ વાતો છે અને એ બંને કૌશલ માગી લે છે. ઘણી વાર એવું બને કે બહુ સામાન્ય દેખાતું ર્દશ્ય તેની છબીમાં અદભુત ભાસે, જ્યારે કોઈ વાર એવું પણ બને કે અત્યંત સુંદર દેખાતું ર્દશ્ય તેની છબીમાં સારું દેખાતું ન હોય. આનું સ્પષ્ટ કારણ એ છે કે છબી ખેંચવામાં, રાસાયણિક પ્રક્રિયામાં કે છબી-મુદ્રણમાં, ક્યાંક ખૂબી અથવા ક્યાંક ખામી રહેલી હોય છે. છબી ખેંચવામાં કૉમ્પોઝિશન (ર્દશ્યરચના), લેન્સ-ઍપર્ચર, શટર-સ્પીડ અને ફોકસ નક્કી કરવામાં, તેમ જ રાસાયણિક દ્રાવણ બનાવવામાં અને તેની પ્રક્રિયા પદ્ધતિસર કરવામાં અત્યંત કાળજી લેવી પડે છે. આ માટે સૌપ્રથમ કૅમેરા, એન્લાર્જર અને દ્રાવણ – એમ ત્રણેયના અવયવોનું પ્રાથમિક જ્ઞાન આવશ્યક છે.

કૅમેરામાં, (1) ફિલ્મ પર પડતી પ્રતિમાનો વિસ્તાર તે ‘ફિલ્મ-પ્લેઇન’, (2) જેમાંથી પસાર થઈને પ્રકાશ ફિલ્મ-પ્લેઇન પર પડે છે તે ‘લેન્સ’, (3) પ્રકાશને પ્રવેશવા દેવા માટેના કાણાને નાનું-મોટું કરી શકે એવો પડદો તે ‘લેન્સ-ઍપર્ચર, (4) પ્રવેશતા પ્રકાશના નિયંત્રણ માટે ‘લેન્સ- ઍપર્ચરના પડદાને કેટલી ઝડપથી ખોલ-બંધ કરવો એનું નિયમન કરનાર તે ‘શટર-સ્પીડ’, (5) લેન્સને આઘો-પાછો ખસેડીને ફિલ્મ-પ્લેઇન પરના અતિસ્પષ્ટ ચિત્રાંકનનું કેન્દ્રસ્થાન તે ‘ફોકસ’ અને (6) કૅમેરાની જે અરીસા-જડિત બારીમાંથી ર્દશ્ય દેખાય છે તે ‘વ્યૂ-ફાઇન્ડર’ કહેવાય છે.

છબી મોટી કરવાનું સાધન ‘એન્લાર્જર’ છે, જેના ઉપરના ભાગની બંધ પેટીમાં (1) વીજળીનો બલ્બ, (2) તેના પ્રકાશનાં કિરણોને નૅગેટિવ પર કેન્દ્રિત કરનાર લેન્સ ‘કન્ડેન્સર’, (3) નૅગેટિવ ગોઠવવાનું ‘નૅગેટિવ કેરિયર’ અને આ પેટીની નીચે (4) ધમણ સાથે લગાવેલો, છબીની પ્રતિમા મોટી કરનાર લેન્સ, અને (5) અંધારામાં ગોઠવાતા પેપર અને તેના પર પડતી પ્રતિમાની ચોકસાઈ જોવા પૂરતું, લેન્સની નીચે હરીફરી શકે એવું લાલ રંગનું ફિલ્ટર હોય છે. ઉપરાંત અન્ય સાધનોમાં પેપર દાબી રાખવાની ‘માસ્કિંગ ફ્રેમ’, કાતર, પ્રતિમા મોટી બતાવે એવું ફોકસની બારીક ચોકસાઈ કરનાર ‘ફોકસ મૅગ્નિફાયર’, તેમજ લેન્સ, રેડ ફિલ્ટર અને માસ્કિંગ ફ્રેમ સાફ કરવા માટે ગડી ન પડે એવું કપડું અને માત્ર સેકન્ડ-મિનિટ જ દર્શાવે એવું ઘડિયાળ ‘ટાઇમર’ ઉપરાંત ફિલ્મ તથા છબીની રાસાયણિક પ્રક્રિયાઓ માટેનાં દ્રાવણો રાખવા માટે અનુક્રમે નાની અને મોટી પ્લાસ્ટિક કે કોડીની ચાર ચાર ટ્રે વગેરેની આવશ્યકતા હોય છે.

ફિલ્મની નૅગેટિવ પ્રક્રિયા કરવાના દ્રાવણને ફિલ્મ ડેવલપર કહે છે. મોટી છબીઓનાં ઉત્તમ પરિણામ મેળવવા માટે જે ‘અલ્ટ્રા ફાઇનગ્રેન ડેવલપર’ બનાવવામાં આવે છે તે સામાન્ય રીતે મેટોલ, હાઇડ્રૉક્વિનન, સોડિયમ સલ્ફાઇટ ઍન્હાઇડ્રસ, બૉરૅક્સ, સોડિયમ બાયસલ્ફાઇડ, સોડિયમ મેટાબોરેટ અને પોટૅશિયમ બ્રોમાઇડ જેવાં રસાયણોમાંથી બને છે, જ્યારે છબી ઉપસાવવાનું ‘પેપર ડેવલપર’ મેટોલ, હાઇડ્રૉક્વિનન, સોડિયમ સલ્ફાઇટ એન્હાઇડ્રસ, સોડિયમ કાર્બોનેટ એન્હાઇડ્રસ, પોટૅશિયમ કાર્બોનેટ અને પોટૅશિયમ બ્રોમાઇડ જેવાં રસાયણોથી બને છે. અલબત્ત, આ બંને પ્રક્રિયા માટે તૈયાર બનાવટનાં અદ્યતન દ્રાવણો ઉપલબ્ધ છે.

ઉત્તમ છબી મેળવવા માટે જ્યારે કોઈ ર્દશ્ય, વિષય કે પદાર્થ નક્કી કરવામાં આવે ત્યારે જેની છબી ખેંચવી હોય તે યોગ્ય રીતે ફિલ્મ-પ્લેઇનમાં સમાય છે કે નહિ તેની ખાતરી વ્યૂ-ફાઇન્ડર દ્વારા કરીને, એટલા અંતરે જ કૅમેરા ગોઠવાય છે કે જેથી ન જોઈતી વસ્તુઓ આપોઆપ કપાઈ જાય અને ફક્ત નિશ્ચિત વિષય પર જ ધ્યાન કેન્દ્રિત થાય. આ પછી વસ્તુને બરાબર ફોકસ કરાય છે. ત્યારબાદ એ વસ્તુના હલનચલન કે કૅમેરાને પકડેલ હાથનું કંપન ધ્યાનમાં રાખીને ‘શટર-સ્પીડ’ ગોઠવાય છે અને છેલ્લે શટર-સ્પીડને ધ્યાનમાં રાખીને ઍપર્ચર ગોઠવાય છે અને પછી કૅમેરાને ઝટકો ન લાગે એવી રીતે ચાંપ દાબવામાં આવે છે. આમ એક છબી ઝડપાય છે.

છબી ખેંચ્યા બાદ, તદ્દન અંધારિયા ઓરડા(dark room)માં ફિલ્મને કૅમેરામાંથી બહાર કાઢીને પ્રથમ ટ્રેમાં રાખેલ ફિલ્મ ડેવલપરમાં બે મિનિટ જેવા નિયત સમય માટે ઝબોળી રાખવામાં આવે છે. નૅગેટિવ પર ઘેરા લીલા પ્રકાશની અસર થતી નથી, એટલે લીલી ‘સેફ લાઇટ’નો ઝબકારો કરીને ખાતરી કરવામાં આવે છે કે ફિલ્મ બરાબર ડેવલપ થઈ ગઈ છે કે નહિ. પછી નૅગેટિવને બીજી ટ્રેમાં રાખેલ ‘સ્ટૉપ બાથ’ના દ્રાવણમાં ઝબોળવાથી ફિલ્મ પર થતી ડેવલપરની પ્રક્રિયા બંધ થાય છે. ત્યારપછી નૅગેટિવને ત્રીજી ટ્રેમાં રાખેલ ફિક્સર તરીકે ઓળખાતા હાઇપો (સોડિયમ થાયૉસલ્ફેટ) અથવા એમોનિયમ થાયૉસલ્ફેટમાં ઝબોળી રાખવાથી નૅગેટિવ પર ઊપસી આવેલ પ્રતિમા સ્થાયી થઈ જાય છે. હવે ઓરડામાં બત્તી કરી શકાય છે. આટલી પ્રક્રિયા બાદ નૅગેટિવને વહેતા પાણીમાં ધોવાથી તેના પર લાગેલાં બધાં જ દ્રાવણો નષ્ટ થાય છે. તે પછી નૅગેટિવ પરથી પાણીને નિતારીને, રજ બિલકુલ ન લાગે એવી જગ્યાએ સૂકવી નાખવામાં આવે છે.

નૅગેટિવ સુકાઈ ગયા બાદ તેને એન્લાર્જરના નૅગેટિવ કેરિયરમાં મૂકવામાં આવે છે. પછી ઓરડાને અંધારિયો કરી નાખવામાં આવે છે; પરંતુ લાલ બલ્બ ચાલુ રાખવામાં આવે છે કારણ કે છબીકલાના પેપર (છબીકલા માટેનાં રસાયણો લગાડેલો કાગળ) પર લાલ પ્રકાશની કશી અસર થતી નથી. યોગ્ય રંગસંગતિ (tonal value) મેળવવા માટે એક્સ્ટ્રા સૉફ્ટ, સૉફ્ટ, સ્પેશિયલ, નૉર્મલ, હાર્ડ અને એક્સ્ટ્રા હાર્ડ – એમ છ પ્રકારના પેપર ઉપલબ્ધ હોય છે. હવે એન્લાર્જરની લાઇટ કરીને માસ્કિંગ ફ્રેમ પર પડતી પ્રતિમાને, જરૂર પડ્યે નાની-મોટી કરીને એવી રીતે કંપોઝ કરવામાં આવે છે કે આજુબાજુનો બધો જ બિનજરૂરી ભાગ કપાઈ જાય અને વિચારર્દષ્ટિનું કેન્દ્ર ઊપસી આવે. પછી એ પ્રતિમાનું તીવ્ર ફોકસ કરવામાં આવે છે. ત્યારબાદ નૅગેટિવની પારદર્શકતા પારખીને ઍપર્ચર ગોઠવવામાં આવે છે અને એક્સ્પોઝ કરવાનો અંદાજ સમય ટાઇમરમાં ગોઠવવામાં આવે છે. હવે લેન્સ આગળનું લાલ ફિલ્ટર ધરી દેવામાં આવે છે.

નૅગેટિવને અનુરૂપ ગ્રેડના પેપરના પાકીટમાંના એક પેપરમાંથી નાનકડો કટકો કાપીને માસ્કિંગ ફ્રેમ પર પડતી પ્રતિમાના ખાસ ભાગ પર મૂકીને લાલ ફિલ્ટર હઠાવી દેવાની સાથે ટાઇમર પણ ચાલુ કરી દેવામાં આવે છે. નિયત સમય પૂરો થતાં, એન્લાર્જરની બત્તી બંધ કરીને એક્સ્પોઝ થયેલો ‘ટેસ્ટ-પીસ’ પ્રથમ ટ્રેમાં રાખેલ પેપર-ડેવલપરમાં ડુબાડી રાખવામાં આવે છે અને દોઢ મિનિટ જેવા સમયમાં પ્રતિમા ઊપસી આવે છે. ત્યારપછી બીજી ટ્રેના સ્ટૉપ-બાથમાં ઝબોળીને ત્રીજી ટ્રેમાં રાખેલ ફિક્સરમાં ઝબોળવાથી પ્રતિમા સ્થાયી થાય છે. હવે ઓરડાની બત્તી કરીને તેના પ્રકાશમાં ટેસ્ટ-પીસને જોવાથી એક્સ્પોઝર-સમય, ઍપર્ચર કે પેપરના ગ્રેડ વિશે ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકાય છે. આ પછી, ઉપર્યુક્ત પદ્ધતિ મુજબ પૂર્ણ છબી તૈયાર થાય છે. અતિ સફેદ રંગના કારણે એવો ભાગ નૅગેટિવમાં અપારદર્શક હોય છે. આવા કિસ્સામાં, ‘વીન્યેટ માસ્ક’ અથવા ખોબામાંથી પ્રકાશનાં કિરણો આવા અપારદર્શક ભાગ પર જ પાડવામાં આવે છે. એવી જ રીતે, નૅગેટિવમાં જ્યાં નહિવત્ પ્રકાશ લાગ્યો હોય ત્યાં હાથ અથવા ‘ડોજિંગ માસ્ક’થી પ્રકાશને નિયંત્રિત કરવામાં આવે છે.

સફેદ રંગના મૂળભૂત ઘટકો લાલ, પીળો અને વાદળી છે. એ સિદ્ધાંત મુજબ એ રંગોના કાચ(filter)નો ઉપયોગ થાય છે. વર્ણપટના નજરે દેખાતા રંગો પૈકીના બે-તૃતીયાંશ રંગોને મૂળભૂત રંગના ફિલ્ટર શોષે છે અને બાકીના, પોતાના એક-તૃતીયાંશ રંગોને વહન કરે છે. આ સિદ્ધાંત મુજબના રંગીન છબીઓ બનાવવાના એન્લાર્જર ઉપલબ્ધ છે. અલબત્ત, અદ્યતન શોધથી સ્વયંસંચાલિત તથા કમ્પ્યૂટર સુવિધા સાથેના એન્લાર્જરથી રંગીન છબીઓ આપોઆપ તૈયાર થઈ શકે છે. આમ રંગીન તથા શ્યામ-શ્વેત છબીઓની મુદ્રણપદ્ધતિ છે.

ડિજિટલ ફોટોગ્રાફી (Digital Photography) : ડિજિટલ ફોટોગ્રાફી એ ઇલેક્ટ્રૉનિક ટૅક્નૉલૉજીનું પરિણામ છે; જેમાં ફોટોગ્રાફિક નૅગેટિવ ફિલ્મની જરૂર રહેતી નથી. ડિજિટલ ફોટોગ્રાફીમાં ફોટોગ્રાફિક નૅગેટિવ ફિલ્મને સ્થાને સેન્સર (Sensor) નામે ઓળખાતી એક ઇલેક્ટ્રૉનિક ચિપ(chip)નો ઉપયોગ થાય છે, જે કૅમેરાના લેન્સમાંથી પસાર થઈને આવેલા પ્રકાશનાં કિરણોનું ઇલેક્ટ્રૉનિક તરંગોમાં રૂપાંતર કરે છે. ડિજિટલ કૅમેરામાં મુકાયેલ પ્રોસેસર આ ઇલેક્ટ્રૉનિક તરંગોનું દ્વિપરિમાણી ઇલેક્ટ્રૉનિક ઇમેજ (આકૃતિ) એટલે કે, ફોટોગ્રાફમાં રૂપાંતર કરે છે. ડિજિટલ કૅમેરામાં રહેલ મેમરી કાર્ડ (Memory card) આ ફોટોગ્રાફ(દ્વિપરિમાણી આકૃતિ)ને સંઘરી (Store કરી) રાખે છે. પછી આ ફોટોગ્રાફની આપણે ચાહીએ તે કદમાં પ્રિન્ટ (છપાયેલી નકલ) મેળવી શકાય છે. ડિજિટલ કૅમેરાનું સેન્સર લાખો પિક્સલ(pixel)નું બનેલું હોય છે. કૅમેરાના સેન્સરમાં જેમ પિક્સલની સંખ્યા વધુ તેમ ફોટોગ્રાફ વધુ વિગતપ્રચુર – વિગતપૂર્ણ (sharp)  મળી શકે. આ વિગતપ્રાચુર્ય અને વિગતપૂર્ણતાને ટૅક્નિકલ ભાષામાં રિઝૉલ્યુશન (Resolution) કહે છે. હાલમાં (2012માં) સૌથી વધુ એક ગીગા બાઇટ સેન્સર ધરાવતા કૅમેરાઓ ઉપલબ્ધ છે.

ડિજિટલ ફોટોગ્રાફીના ફાયદા : ડિજિટલ ફોટોગ્રાફીથી ત્વરિત પરિણામ મળે છે. પત્રકારત્વના ક્ષેત્રમાં તો તે ખૂબ જ ઉપયોગી છે. ફોટોગ્રાફ લીધા પછી માત્ર પાંચ જ મિનિટમાં તે અખબાર કે મૅગેઝિનમાં છપાઈ ચૂક્યો હોય તેમ બનેલું છે; કારણ કે ડિજિટલી લીધેલા ફોટોગ્રાફ માટે ડાર્કરૂમ-લૅબોરેટરી અને રસાયણોના ડેવલપિંગની કોઈ જરૂર હોતી નથી. પ્રિન્ટ કાઢવાની પણ જરૂર પડતી નથી, ફોટોગ્રાફને મોબાઇલ ફોનથી MMS દ્વારા કે ઇમેઇલ દ્વારા પ્રેસમાં મોકલાવી પાંચ મિનિટમાં છપાવી શકાય છે. આમ સમય તથા કડાકૂટ ભરેલી લૅબોરેટરીની રાસાયણિક પ્રક્રિયાની જફા દૂર થાય છે. ફિલ્મનો ખર્ચ થતો નથી. પાડેલા ફોટોગ્રાફને સીડીમાં ટ્રાન્સફર કરી સંઘરી પણ શકાય છે અને તેની જોઈએ તેટલી નકલો કઢાવી શકાય છે.

ડિજિટલ ફોટોગ્રાફીના ગેરફાયદા : કેટલાક ફોટોગ્રાફરો માને છે કે ફિલ્મ જેટલી સારી વિગતપ્રચુરતા અને સ્પષ્ટતા (રિઝૉલ્યુશન) ડિજિટલ સેન્સર આપી શકતું નથી. વળી, ડિજિટલ સેન્સર કરતાં ફિલ્મ પ્રકાશના વધુ વિસ્તૃત સ્પેક્ટ્રમ (spectrum – પથરાટ)ને રેકર્ડ કરી શકે છે. બ્લૅક અને વ્હાઇટ (શ્વેત-શ્યામ) ફોટોગ્રાફીના ક્ષેત્રે ડિજિટલ સેન્સર ફિલ્મ જેટલું સારું પરિણામ આપતું નથી.

રમેશ ઠાકર

અપૂર્વ મડિયા