છદ્મ-ઔષધો (placebo drugs) : શરીરની કોઈ પ્રક્રિયા પર અસર ન કરતું હોય તેવા ઔષધના રૂપે અપાયેલો અક્રિયક (inert) પદાર્થ. અંગ્રેજીમાં વપરાતો ‘placebo’ શબ્દનો મૂળ લૅટિન અર્થ ‘મને ગમશે’ (I shall please) થાય છે. સામાન્ય રીતે કોઈ દર્દીના માનસિક સંતોષ માટે તથા તેની સારવાર અંગેની ધારણા સંતોષવા માટે લૅક્ટોઝ, નિસ્યંદિત (distilled) પાણી જેવા પદાર્થો અપાય છે. તે દર્દીના શારીરિક પ્રશ્નો, વિકારો કે રોગમાં કોઈ વિશિષ્ટ હેતુલક્ષી (objective) સુધારો કરતા નથી. જોકે વ્યવહારમાં કેટલાક તફાવતો પણ છે. કેટલાંક છદ્મ-ઔષધો શરીરમાં કંઈક કાર્ય કરતાં પણ હોય છે. તેમને અશુદ્ધ (impure) છદ્મ-ઔષધો કહે છે. અક્રિયક પદાર્થો શુદ્ધ છદ્મ-ઔષધો તરીકે વપરાય છે. વિટામિન B12 કે લોહ મુખ્યત્વે હીમોગ્લોબિનની ઊણપથી થતી પાંડુતા(anaemia)ની સારવારમાં દવા તરીકે વપરાય છે. તેમનો ઉપયોગ પાંડુતા ન હોય તેવી સ્થિતિમાં અશુદ્ધ છદ્મ-ઔષધ તરીકે થાય છે. દર્દીના મન પર યોગ્ય અસર કરવા માટે ગોળી, કૅપ્સ્યૂલ કે ઇન્જેક્શન રૂપે છદ્મ-ઔષધો અપાય છે. તેવી જ રીતે ઇન્જેક્શન દ્વારા તપાસ કરવા માટે લોહી લેવાની કે અન્ય કોઈ તબીબી પ્રક્રિયા કે ડૉક્ટર કે તેના સાથીની હાજરી, વર્તાવ કે વાત પણ ક્યારેક છદ્મ-ઔષધ જેવી જ અસર કરે છે. તેનાથી દર્દીને સારું લાગે તો તેને વિધાયક (positive) પ્રતિભાવ અને જો તે દર્દીને ત્રસ્ત કરે તો તેને નકારાત્મક પ્રતિભાવ કહેવાય છે.

હાલ દર્દીઓ અને ડૉક્ટરોનો દવાઓમાં વિશ્વાસ વધ્યો છે તેથી છદ્મ-ઔષધોની અસરકારકતા પણ વધી છે. જે રોગ કે વિકારમાં લક્ષણો(symptoms)ની તીવ્રતામાં ઘણો મોટો તફાવત કે ગાળો હોય તેમાં તે ખાસ જોવા મળે છે. ચિંતા (anxiety) કે તણાવયુક્ત પરિસ્થિતિઓ તથા વર્તનમાં ફરક પડે તેવા માનસિક વિકારોમાં, અહેતુલક્ષી લક્ષણો (subjective symptoms) અને પીડા(દુખાવા)માં તેમજ ઍસિડિટી, દમ જેવી સ્થિતિ, જાતીય પ્રવૃત્તિની ક્ષમતા કે લોહીના દબાણ જેવા, કોઈક શારીરિક ભાગને લગતા વિકારોમાં છદ્મ-ઔષધની અસર વધુ જોવા મળે છે. દર્દીતબીબ વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હોય તો જ છદ્મ-ઔષધની અસર જોવા મળે છે. તબીબ સાથેનો ભૂતકાળનો અનુભવ પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

દરેક દર્દીમાં દરેક ઔષધ માટે થોડાક પ્રમાણમાં છદ્મ-ઔષધીય અસર જોવા મળે છે. માટે કયા દર્દીમાં કેટલા પ્રમાણમાં તે જોવા મળશે તેનું અનુમાન શક્ય બનતું નથી. સામાન્ય રીતે માંદા, બહિર્મુખી, પોતાની લાગણીના સંતોષ માટે બહારના વાતાવરણ પર આધાર રાખનારા, હૉસ્પિટલમાં દાખલ થવામાં માનનારા, પોતાના અવયવો કે શ્રોણી(pelvis)લક્ષી તકલીફોની ચિંતા કરનારા, ચિંતિત (anxious) તથા ઓછી પાકટતાવાળા દર્દીઓ/વ્યક્તિઓમાં છદ્મ-ઔષધીય અસર વધુ જોવા મળે છે; જોકે આવી અસર થાય કે ન થાય તેથી માનસિક વિકારની હાજરી કે ગેરહાજરી નક્કી થઈ શકતી નથી. જો તબીબી દવાની અસર અંગે શંકા વ્યક્ત કરે તો તેની નકારાત્મક અસર થતી જોવા મળે છે.

છદ્મ-ઔષધીય અસરના બે મુખ્ય ઉપયોગો છે : (1) તે નવી દવાઓ અંગેના પ્રયોગોમાં ખાસ વપરાય છે, (2) વળી તેનો ઉપયોગ સારવાર માટે પણ કરાય છે; પરંતુ તેમાં તબીબની વ્યાવસાયિક નીતિમત્તાના અને દર્દી અને તબીબ વચ્ચેના સંબંધો અંગેના મૂળભૂત મુદ્દાઓને ધ્યાનમાં લેવા જરૂરી ગણાય છે. તબીબ છદ્મ-ઔષધ વાપરવાને બદલે યોગ્ય અને સ્પષ્ટ સમજણ આપીને દર્દીની તકલીફમાં ઘટાડો કરે તો તેને હિતાવહ ગણવામાં આવે છે.

રામકુમાર  દીક્ષિત

શિલીન નં. શુક્લ