છત્રસાલ (જ. 4 મે 1649, કકર-કચનગામ, બુંદેલખંડ; અ. 4 ડિસેમ્બર 1731) : મુઘલ કાળના પ્રસિદ્ધ બુંદેલા યોદ્ધા અને પન્ના રાજ્યના સંસ્થાપક. બુંદેલા સરદાર ચંપતરાયના ચોથા પુત્ર. બચપણમાં અસ્ત્રસંચાલન, મલ્લયુદ્ધ અને ઘોડેસવારીની તાલીમ લીધી. યુવાન વયે પંવારવંશની કન્યા દેવકુંવર સાથે લગ્ન થયાં. પિતા ચંપતરાયને મુઘલો સાથેની અથડામણને લઈને નિર્વાસિત થઈને સપરિવાર અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું હતું, જ્યાં 1661માં એમણે આત્મહત્યા કરી લીધી હતી. છત્રસાલ આ દરમિયાન રાજકીય કુનેહના દાવ શીખ્યા હતા. એટલે સીધા મુઘલોની સામે પડવાને બદલે પોતે મુઘલ સેનામાં જોડાવાનું મુનાસિબ માન્યું અને 1665માં મહારાજા જયસિંહની સેનામાં ભરતી થયા. પુરંધરના ધેરામાં શિવાજી વિરુદ્ધ છત્રસાલે વીરતા બતાવી, આથી જયસિંહની ભલામણથી મુઘલ સમ્રાટે છત્રસાલને 100 સવારની મનસબદારી આપી. બીજાપુર અને દેવગઢ પરના શાહી આક્રમણમાં ભાગ લીધો. 1667માં શિવાજી સાથે વ્યક્તિગત ભેટ થઈ. તેઓ થોડા દિવસ પૂનામાં રોકાયા અને આ મરાઠી નેતાની પ્રેરણા મેળવી પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કરવાની આશા સાથે શિવાજીની જેમ જ સાહસ અને જોખમ ભરેલું જીવન વિતાવવાનો ફેંસલો કર્યો. દક્ષિણના સૈનિક અભિયાનથી પાછા ફરીને છત્રસાલે બુંદેલખંડ અને માળવાના અસંતુષ્ટ હિંદુઓનું રક્ષણ કરવાનું બીડુ ઉપાડ્યું. એ વિસ્તારની જનતા છત્રસાલને હિંદુ ધર્મના રક્ષક તરીકે સમજવા લાગી. એમનાં યશ, સેના અને શક્તિસામર્થ્ય વધતું ગયું. એ વિસ્તારની નાની ઠકરાતો છત્રસાલને ચોથ આપવા લાગી. સેનાનું સંગઠન વધતાં 1675માં ગોંડ રાજાને હરાવી પન્ના કબજે લઈ તેને પોતાની રાજધાની બનાવી. છત્રસાલને નમાવવા ઔરંગઝેબે રુહઅલ્લા ખાં અને તહવ્વર ખાંને બે વાર મોટી સેના સાથે મોકલ્યા. છત્રપ્રકાશ અનુસાર ત્યાં સુધીમાં બુંદેલખંડના 70 સરદાર અને જમીનદાર છત્રસાલની કુમકમાં રહ્યા. મુઘલ સેના બધો વખત પરાસ્ત થઈ. 1707માં ઔરંગઝેબનું અવસાન થતાં બહાદુરશાહ સાથે સુલેહ કરી પોતાના રાજ્યનું રક્ષણ કર્યું. બહાદુરશાહના અવસાન પછી ફર્રુખસિયર મુઘલ બાદશાહ થયો. તેણે છત્રસાલને ચાર હજારી જાત અને ચાર હજારી ઘોડેસવારોનો મનસબ આપ્યો (1713–14). 1719માં મુહમ્મદશાહ બાદશાહ બનતા છત્રસાલને 1720માં જડતરવાળી કટાર અને એક હાથી ભેટમાં આપ્યાં. મરાઠાઓના આ પછી થયેલા હુમલાઓમાં છત્રસાલે બુંદેલખંડનું રક્ષણ કર્યું. પોતાના અવસાન (1731) સુધી તેણે સુપેરે શાસન કર્યું.

છત્રસાલ કુશળ રાજકર્તાની સાથે સારા કવિ પણ હતા. તેમનાં ભક્તિ અને નીતિને લગતાં પદો વ્રજભાષામાં પ્રાપ્ત થાય છે. તેમના અશ્રિત કવિઓમાં ભૂષણ, લાલકવિ, હરિકેશ, નિવાજ, વ્રજભૂષણ વગેરે મુખ્ય છે. ભૂષણ કવિએ છત્રસાલની પ્રશસ્તિમાં રચેલી કવિતાઓ છત્રસાલ દશકમાં સંગૃહીત છે. લાલકવિ (ગોરેલાલ)–રચિત છત્રપ્રકાશ તત્કાલીન ઐતિહાસિક સંદર્ભોથી તરબોળ છે.

છત્રસાલના ગુરુ મહામતિ પ્રાણનાથ (1618–1694) તત્કાલીન પ્રણામી સંપ્રદાયના પ્રવર્તક અને હિંદુ સનાતન ધર્મના રક્ષક અને ભેખધારી હતા. છત્રસાલ અને રાણી દેવકુંવરે તેમની આજ્ઞા પ્રમાણે રાજધર્મ નિભાવવાનું પ્રણ લીધું હતું. ગુરુએ એમને આશીર્વાદ આપતાં કહેલું :

છત્તા તેને રાજમેં ધક ધક ધરતી હોય.

જિત જિત ઘોડા પગ ધરે, તિત તિત ફતેહ હોય.

આ આશીર્વાદ ફળ્યા હતા અને એ વિસ્તારમાં છત્રસાલને ફતેહ મળવાની સાથે હીરાની ખાણોનો પત્તો મળ્યો, જેનાથી રાજ્યની આબાદી વધી.

પ્રવીણચંદ્ર પરીખ