ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત : ગુજરાતના ચૌલુક્યો(સોલંકીઓ)નો રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ નિરૂપતું અંગ્રેજી પુસ્તક (1956). લેખક ભારતીય વિદ્યાભવન, મુંબઈના પ્રાધ્યાપક ડૉ. અશોકકુમાર મજુમદાર. રાજકીય ઇતિહાસમાં લેખકે ચૌલુક્યોની ઉત્પત્તિને લગતા વિવિધ મતોની મીમાંસા કરી, મૂલરાજના વંશના તેમજ વાઘેલા વંશના ચૌલુક્ય રાજાઓની કારકિર્દી 9 પ્રકરણોમાં નિરૂપી છે. એ પછી એ રાજાઓની સાલવારી અલગ પ્રકરણમાં આપી છે. ત્યારબાદ રાજ્યતંત્ર, આર્થિક, ધાર્મિક અને સામાજિક જીવન અને કલા તથા સ્થાપત્યનું વિગતે નિરૂપણ કરી લેખકે ગુજરાતના ઇતિહાસને લગતા પ્રાચીન ગ્રંથોનો પરિચય આપી, ચૌલુક્ય કાળના અભિલેખો અને સમયનિર્દેશવાળી હસ્તપ્રતોની વિગતવાર સૂચિ આપી છે. પાદટીપો, સંદર્ભસૂચિ અને શબ્દસૂચિ તો ખરી જ. પુસ્તકના આરંભે ચૌલુક્ય સામ્રાજ્યનો નકશો અને અંતે મંદિરો તથા શિલ્પકૃતિઓની 11 છબીઓ પણ આપેલ છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી