ચૌંડરસ : તેરમી સદીના કન્નડ કવિ. પિતાનું નામ મધુસૂદન અને માતાનું નામ મલ્લવ્વે હતું. તેમનો જન્મ પંઢરપુરમાં થયો હોય અથવા લાંબા સમય સુધી તેમણે ત્યાં વાસ કર્યો હોય એવો સંભવ તેમનાં કાવ્યો પરથી જણાય છે. પંઢરપુરના વિઠ્ઠલ તેમના આરાધ્ય દેવ હતા. તેમની ‘દશકુમારચરિત’ તથા ‘નળચરિત’ આ બંને ચંપૂશૈલીમાં કરેલી કાવ્યરચનાઓ છે. તેમનાં કાવ્યો પરથી તેઓ વિષ્ણુભક્ત હતા તેવું પ્રતીત થાય છે. સંસ્કૃત ભાષામાં દંડીએ (ઈ. સ. 600–750 દરમિયાન) લખેલ ‘દશકુમારચરિત’નું કન્નડ ભાષામાં ચંપૂશૈલીમાં ચૌંડરસે રૂપાંતર કર્યું છે. આ શુદ્ધ લૌકિક કાવ્યમાં પરાક્રમી રાજકુમારોની કથાનું વર્ણન છે. ‘‘સકલાંતર્યામી જીવપ્રકાર વિવિધ ચૈતન્યરૂપ જગદ્વ્યાપક ભાવં વિષ્ણું’’ અર્થાત્ ‘સકલ વિશ્વના અંતર્યામી, વિવિધ જીવોના પ્રકાર અનુસાર વિવિધ ચૈતન્યમય રૂપવાળા, જગતને વ્યાપી રહેલ ભાવ(અસ્તિત્વ)વાળા વિષ્ણુ’ હોવાથી ચૌંડરસનો તર્ક છે કે શૂરવીરોમાં પણ વિષ્ણુનો નિવાસ હોય છે. અને તેથી આ કાવ્ય પણ પારમાર્થિક જ છે. વર્ણન તથા નિરૂપણમાં આ કવિએ સ્વતંત્ર શૈલી અપનાવી છે તથા કેટલીક જગ્યાએ ઓછાવત્તા પ્રમાણમાં ફેરફારો પણ કર્યા છે.
‘નળચરિત’ આ ચૌંડરસની બીજી કાવ્યરચના છે, તેમાં પ્રૌઢ શૈલીમાં નળદમયંતીની કથા વર્ણવવામાં આવી છે. ચૌંડરસ મધ્યમ સ્તરના કવિ લેખાય છે.
એચ. એસ. પાર્વતી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે