ચોપરા, બી. આર. (જ. 22 એપ્રિલ 1914, લાહોર; અ. 5 નવેમ્બર 2008, મુંબઈ) : બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. આખું નામ બળદેવ રાજ ચોપરા. તેઓ લેખક, પત્રકાર, નિર્માતા અને નિર્દેશક તરીકે સુદીર્ઘ અનુભવ ધરાવતા હતા. તેમનો જન્મ એક ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ સાહિત્ય અને કલા તરફ રુચિ ધરાવતા. લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એ.ની ઉચ્ચ પદવી મેળવી હતી. કૉલેજકાળ દરમિયાન મૌલિક લલિત નિબંધો અને ટૂંકી વાર્તાઓ લખતા. અહીં ચોપરાએ 1945ના ગાળામાં ‘સિને હેરલ્ડ’ નામનું સામયિક શરૂ કર્યું હતું, જે લોકપ્રિય નીવડ્યું. દેશના ભારત અને પાકિસ્તાન એમ ભાગલા પડતાં ઑગસ્ટ 1947માં તેઓ મુંબઈ આવ્યા. અહીં તેમણે સૌપ્રથમ વાર ‘કરવત’ ફિલ્મનું નિર્માણ કર્યું, જેને બહુ સફળતા સાંપડી નહિ. ત્યારપછી આઈ. એસ. જોહરની ટૂંકી વાર્તા ‘અફસાના’ પરથી આ જ નામની ફિલ્મ બનાવી (1950) જેને સારી સફળતા મળી. તેમણે 1952માં ‘શોલે’ અને 1954માં ‘ચાંદની ચૉક’ ફિલ્મો બનાવી. તેને ખૂબ સફળતા મળી. 1955માં સ્વતંત્ર બૅનર સાથે ‘બી. આર. ફિલ્મ્સ’ કંપનીની સ્થાપના કરી. આ બૅનર તળે બનેલી સૌપ્રથમ ફિલ્મ ‘એક હી રાસ્તા’ (1956) હતી, જેમાં વિધવા સ્ત્રીના પુનર્લગ્નની કથા આલેખવામાં આવી હતી. ચોપરાએ તેમની દરેક ફિલ્મમાં સ્વચ્છ મનોરંજન મળે તે સાથે સમાજની નીતિરીતિ અને સમાજની નક્કર વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ પાડવાના સફળ પ્રયાસો કરેલા છે. જકડી રાખતી કથા-પટકથા અને આગવી સંવાદછટાની માવજત સાથે કલાપૂર્ણ ફિલ્મસર્જન કરવું એ તેમની વિશેષતા રહી છે. ‘નયા દૌર’ (1967) માનવ અને મશીન વચ્ચેના ભેદની, તથા શ્રમનો મહિમા કરતી આ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. ‘સાધના’(1958)માં વેશ્યા વ્યવસાયમાં પડેલી નારીની વ્યથાકથા પ્રસ્તુત કરવામાં આવી હતી, જેને ભારે સફળતા મળી હતી. ‘ધૂલ કા ફૂલ’ (1959) પતિ-પત્નીના વિખવાદ અને વિચ્છેદના કારણે અલગ પડી ગયેલા બાળકના મનોભાવો દર્શાવતી અને બાળકની કાયદેસરતાને પ્રસ્તુત કરનારી ભાવનાત્મક ફિલ્મ હતી. ઉપરાંત સામાજિક, કલાત્મક અને યાદગાર ફિલ્મોનો એક યુગ સર્જનાર ચોપરા પ્રયોગશીલ સર્જક હતા. ‘કાનૂન’ ફિલ્મ તેનો દાખલો છે. ‘ધર્મપુત્ર’ (1962) હિન્દુ-મુસ્લિમ એકતા ઉપર આધારિત ફિલ્મને તે વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ‘ગુમરાહ’ (1963) લગ્નેતર સંબંધો આલેખતી ‘લવ ટ્રાયૅન્ગલ’ પ્રકારની ફિલ્મ હતી. આ એવા પ્રકારની સર્વપ્રથમ ફિલ્મ હતી. ત્યારબાદ તેમણે સૌપ્રથમ હિન્દી કલર ફિલ્મ ‘વક્ત’ (1965) બનાવી. ‘હમરાજ’ (1967) ટિકિટ બારી પર રજત-જયંતી ચલચિત્ર ઊજવવા સાથે ભારે સફળતા મેળવી હતી. ત્યારબાદ ગીતો વિનાની વધુ એક ફિલ્મ ‘ઇત્તેફાક’ તેમણે માત્ર એક મહિનામાં બનાવી. સમગ્ર દેશમાં તળથી ટોચ સુધી ફૂલેલા-ફાલેલા ભ્રષ્ટાચારની વાસ્તવિકતાને છતી કરતી ફિલ્મ ‘આદમી ઔર ઇન્સાન’ તેમણે બનાવી હતી. ‘ઝમીર’ (1970) અને ત્યારબાદ ‘કર્મ’ આ બે ફિલ્મો પણ તેમણે બનાવી હતી. ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ અને ‘ધ બર્નિંગ ટ્રેન’ પણ ચોપરાની ઉલ્લેખનીય ફિલ્મો છે. તલાકની પ્રથા વડે મુસ્લિમ મહિલાઓનો માનસિક સંઘર્ષ આવરી લેતી ડૉ. અચલા નાગરલિખિત માત્ર 45 મિનિટની ટૂંકી વાર્તા પરથી ‘નિકાહ’ નામની ત્રણ કલાકની ફિલ્મ બનાવનાર ચોપરા આ ફિલ્મ દ્વારા ચર્ચામાં આવી ગયા હતા. ‘મઝદૂર’ ફિલ્મ દ્વારા તેમણે મિલમજૂર કક્ષાના ગરીબ મધ્યમ વર્ગના લોકોની મનોવેદનાને વાચા આપી હતી. ‘આજ કી આવાઝ’ દ્વારા તેમણે સમાજમાં ચાલતી જંગલિયતભરી હિંસાખોરીને વાસ્તવિક ઢબે પ્રસ્તુત કરી હતી. ‘તવાયફ’ ફિલ્મમાં એક મજબૂર અને પ્રેમમાં હિજરાયેલી વેશ્યા – તવાયફના જીવનની વેદનાકથા હતી. ‘અવામ’ અને ‘કલકી આવાઝ’ પણ તેમની ઉલ્લેખનીય ફિલ્મો છે.

બી. આર. ચોપરા

બી. આર. ચોપરાએ દૂરદર્શનના નાના પરદા માટે ટી.વી. ફિલ્મો પણ બનાવેલી છે, જેમાં ‘તેરી મેરી કહાની’, ‘ધરતી આકાશ’, ‘બેટા’ અને ‘ગઝલ’નો સમાવેશ થાય છે. ધારાવાહિક દીર્ઘ શ્રેણી ‘મહાભારત’ તેમનું અમર અને અણમોલ સર્જન છે. ‘મહાભારત’ની ચિરંજીવ કથાને રૂપેરી દેહ આપવા બદલ ચોપરાને ખૂબ યશ, ધન અને નામના મળ્યાં હતાં.

તેમને મળેલાં માનસન્માન તથા ઍવૉર્ડ્ઝ : ‘કાનૂન’ ચલચિત્રના દિગ્દર્શન માટે ‘ફિલ્મફેર’ દ્વારા 1962માં સર્વોત્કૃષ્ટ નિર્દેશનનો ઍવૉર્ડ, 1998માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, 2003માં ફિલ્મફેર દ્વારા જીવનગૌરવ પુરસ્કાર (lifetime achievement award) તથા 2008માં દાદાસાહેબ ફાળકે અકાદમી દ્વારા ‘ફાળકે રત્ન ઍવૉર્ડ’.

દિનેશ દેસાઈ