ચોપરા, નીરજ (જ. 24 ડિસેમ્બર 1997, બન્દ્રા, હરિયાણા) : પિતાનું નામ સતીષકુમાર. માતાનું નામ સરોજદેવી.

હરિયાણાના પાણીપત જિલ્લાના નાનકડા ગામમાં ખેડૂત કુટુંબમાં જન્મેલ નિરજે ચંડીગઢની દયાનંદ એન્જલો વૈદિક કૉલેજમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. નાનપણમાં તે સ્થૂળકાય હોવાથી તેના પિતાએ તેના પાણીપતના જિમ્નેશિયમમાં કસરત કરવા માટે મૂક્યો. એમણે સ્વયં ભાલાફેંકનો અભ્યાસ શરૂ કર્યો. આ સમય દરમિયાન એમણે પાણીપતની સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની મુલાકાત લીધી. અહીં તેની મુલાકાત જયવીર ચૌધરી સાથે થઈ, જે ભાલાફેંકના તાલીમબાજ હતા. કોઈ પણ જાતની ટ્રેનિંગ સિવાય 40 મીટર સુધી ભાલો ફેંકી શકતા નીરજે તાલીમબાજ ચૌધરી પાસેથી ભાલાફેંકની મૂળભૂત બારીકીઓ ખૂબ જ જલદીથી શીખી લીધી. અને જિલ્લાકક્ષાની ભાલાફેંક હરીફાઈમાં રજત ચંદ્રક મેળવ્યો.

માત્ર 13 વર્ષની ઉંમરે તેને મળેલી સફળતા પછી તે પંચકુલાની તાઉ દેવીલાલ સ્પૉર્ટ્સ કૉમ્પલેક્ષમાં જોડાયો. અહીં દોડના કોચ નસીમ એહમદે તેને લાંબા અંતરની દોડ સાથે ભાલાફેંકની પણ તાલીમ આપવાની શરૂ કરી. અહીં પ્રારંભિક ટ્રેનિંગ દરમિયાન તેણે 55 મીટર ભાલો ફેંક્યો. એ પણ ખૂબ ઝડપથી તેણે પોતાની ક્ષમતા વધારી અને 27 ઑક્ટોબર, 2012ના રોજ લખનઉ ખાતે નૅશનલ જુનિયર ઍથ્લેટિક ચૅમ્પિયનશિપમાં 68.40 મીટર દૂર ભાલો ફેંકી નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક હાંસલ કર્યો !

નીરજે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં યુક્રેનમાં રમાયેલી વર્લ્ડ યુથ ચૅમ્પિયનશિપ(2013)માં ભાગ લીધો. તેણે પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ બીજા વર્ષે બૅંગકૉંગમાં રમાયેલ જુનિયર ઑલિમ્પિક ક્વૉલિફિકેશનમાં રજત ચંદ્રક મેળવ્યો, આ જ વર્ષે રાષ્ટ્રીય સ્પર્ધામાં 70 મીટર દૂર ભાલો ફેંકી પોતાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો.

2015માં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ઍથ્લેટિક સ્પર્ધામાં તેણે 81.04 મીટર દૂર ભાલો ફેંકી નીરજે જુનિયર સ્પર્ધામાં વિશ્વવિક્રમ સર્જ્યો. તેના આ દેખાવથી પ્રભાવિત થઈ નૅશનલ કક્ષાના તાલીમ કૅમ્પમાં તેને જોડાવા નિમંત્રણ મળ્યું. પરિણામે 2016માં તે પંચકુલા છોડી પતિયાલાની નેતાજી સુભાષ નૅશલન  ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૉર્ટ્સમાં જોડાયો. નીરજના મતે આવા ખૂબ જ જાણીતા ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવું એ પોતાની કારકિર્દીનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો. અહીં તેને ઉત્તમ કક્ષાની સગવડો મળી. રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો સાથે રમતમાં નીરજનો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત થયો.

2016માં ગુવાહાટીમાં રમાયેલ દક્ષિણ એશિયન રમતોમાં 9 ફેબ્રુઆરીના રોજ તેણે 82.23 મીટર દૂર ભાલો ફેંકી સુવર્ણચંદ્રક મેળવ્યો. જોકે ઑલિમ્પિક સ્પર્ધામાં ક્વૉલિફાય થવા માટેનું 83 મીટરનું લક્ષ્યાંક થોડાક જ અંતર માટે ચૂકી ગયો. હવે તેણે ઑસ્ટ્રેલિયાના કોચ ગેરી કાલવર્ટની દેખરેખ હેઠળ તાલીમ શરૂ કરી અને પૉલેન્ડમાં 20 વર્ષથી નાની વયના ખેલાડીઓ માટેની ચૅમ્પિયનશિપમાં કે જે રમાઈ હતી તેણે 86.48 મીટર દૂર ભાલો ફેંકી વિશ્વવિક્રમ કરનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો. જોકે તે 2016ની સમર ઑલમ્પિકમાં ભાગ ન લઈ શક્યો, કારણ કે તે તેની છેલ્લી તારીખ 11 જુલાઈ કરતાં એક અઠવાડિયું મોડો હતો.

નીરજના આ દેખાવથી પ્રભાવિત થઈ ભારતીય સેનામાં તેને રાજપૂતાના રાઇફલ્સમાં જુનિયર કમિશન્ડ ઑફિસરની સીધી નિમણૂક આપવામાં આવી. અહીં તેને  નાયબ સૂબેદાર તરીકે નિમણૂક મળી. સપ્ટેમ્બર, 2016માં તેણે નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૉર્ટ્સ છોડી બૅંગાલુરુની સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો.

2017ની એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં તેણે 85.23 મીટર ભાલો ફેંકી સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારબાદ લંડનમાં રમાનાર વિશ્વ ચૅમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લેવા નીરજ ગયો પરંતુ ઈજાના કારણે તેણે શરૂઆતની થોડી મૅચ ગુમાવી પરંતુ સ્પર્ધામાં ભાગ ન લઈ શક્યો. ત્યાર બાદ 2018માં રમાયેલ કૉમનવેલ્થ ગેઇમ્સમાં 86.47 મીટર ભાલો ફેંકી એવો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો જેણે કૉમનવેલ્થ ગેઇમ્સમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતાં વિજય મેળવ્યો. ત્યારપછી તરત જ મે, 2018માં દોહામાં રમાયેલ દોહા ડાયમંડ લીગમાં 87.43 મીટરની નવી સિદ્ધિ મેળવી પોતાનો જ વિક્રમ તોડ્યો.

ઑગસ્ટ, 2018માં ચોપરાએ સૌપ્રથમ વખત એશિયન ગેઇમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અહીં પણ તેણે 27 ઑગસ્ટના રોજ 88.01 મીટર દૂર ભાલો ફેંકી પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવી અને પોતાનો જ અગાઉનો 87.43 મીટરનો વિક્રમ સુધાર્યો.

એશિયન રમતોત્સવમાં ભારત તરફથી સુવર્ણચંદ્રક મેળવનાર સૌપ્રથમ ખેલાડી બનેલ નીરજને ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ભારતના રમતગમતના શ્રેષ્ઠ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન માટે નામાંકિત કર્યો. તેને અર્જુન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. જોકે તેની આવી સિદ્ધિઓથી પ્રેરાઈને ભારતીય સેનાએ તેને અપવાદરૂપ કિસ્સા કરીકે બઢતી આપી નવેમ્બરમાં સૂબેદારનો હોદ્દો આપ્યો.

2016ની ઑલમ્પિકમાં ન રમી શકેલ ચોપરાએ 2020માં જાપાનમાં રમાનાર ઑલમ્પિક સ્પર્ધામાં ભાગ લેવાની તાલીમ જર્મન કોચ Liwc Hohn તથા ફિઝિયોથેરાપિસ્ટ ઈશાન્ત મારવાના માર્ગદર્શન હેઠળ શરૂ કરી. કોરોનાને કારણે મુલતવી રહેલ ઑલિમ્પિક સ્પર્ધા જ્યારે 2021માં શરૂ થઈ ત્યારે ચોપરાએ 4 ઑગસ્ટ, 2021ના રોજ ભારતનું પ્રતિનિધિત્વ કરતા પ્રાથમિક રાઉન્ડમાં 86.65 મીટર દૂર ભાલો ફેંકી પ્રારંભિક સ્પર્ધામાં સૌપ્રથમ સ્થાને રહ્યો. 7 ઑગસ્ટના રોજ અંતિમ સ્પર્ધામાં બીજા પ્રયત્નમાં 87.58 મીટર ભાલો ફેંકી આ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર સૌપ્રથમ રમતવીર બન્યો. ચોપરાનો આ ચંદ્રક આ ઑલિમ્પિકમાં ભારતે મેળવેલ કુલ રાતમો ચંદ્રક હતો. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય ઑલિમ્પિક સ્પર્ધામાં આટલા મેડલ મેળવ્યા ન હતા. અગાઉનો વિક્રમ 2010 ની લંડન  ઑલિમ્પિકમાં છ મેડલનો હતો. જ્યારે ઑલિમ્પિકમાં ભારત તરફથી સુવર્ણચંદ્રક મેળવનાર અભિનવ બિન્દ્રા (2008) પછી બીજો ભારતીય બન્યો.

2020ના પ્રજાસત્તાક દિવસે વિશિષ્ટ સેવા મેડલ મેળવનાર ચોપરાને 2021માં ભારતનો રમતગમતનો શ્રેષ્ઠ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન આપવામાં આવ્યો. આ સિવાય 2022માં પ્રજાસત્તાકના દિવસે તેને વધુ એક પુરસ્કાર પરમ વિશિષ્ટ સેવા મેડલથી અને ‘પદ્મશ્રી’ આપી ભારત સરકારે તેનું યોગ્ય બહુમાન કર્યું.

પોતાની આઠ વર્ષની નાનકડી કારકિર્દીમાં 6 સુવર્ણચંદ્રક અને એક રજત ચંદ્રક મેળવ્યા છે. 2021ની ટોકિયો    ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લઈ પરત આવેલ ચોપરાને પાણિપત હૉસ્પિટલમાં થોડોક સમય સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. પરંતુ ત્યાર પછી તરતજ તેણે 2022માં રમાનાર વિશ્વ ચૅમ્પિયનશિપ, એશિયન ગેઇમ્સ અને કૉમનવેલ્થ ગેઇમ્સ માટે ઑક્ટોબર, 2021થી તાલીમ શરૂ કરી દીધી.

જગદીશ શાહ