ચોપાટ : ‘સોગઠાંબાજી’ના નામથી પણ ઓળખાતી રમત. ભારતમાં પ્રાચીન કાળથી રમાતી, ગરીબ-તવંગર સૌની અત્યંત માનીતી લોકરમત છે; અને પાશ્ચાત્ય ‘લ્યૂડો’ની રમતને મળતી આવતી છે. આ રમત માટે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપડ પર સીવેલી અથવા લાદી પર દોરેલી બાજી હોય છે તથા દરેક રમનાર માટે કૂટી તરીકે ચલાવવા માટે એકબીજાથી અલગ રંગનાં લાકડાંનાં બનાવેલાં ચાર ચાર સોગઠાં હોય છે; અને દાણા પાડવા માટે સાત કોડીઓ હોય છે. દાણા પાડતી વખતે જેટલી કોડી ચત્તી પડે તેટલા દાણા ગણાય; પરંતુ એક કોડી ચત્તી પડે તો 11 દાણા; પાંચ કોડી ચત્તી પડે તો 25 દાણા; છ કોડી ચત્તી પડે તો 30 દાણા; સાતેય કોડી ચત્તી પડે તો 14 દાણા અને સાતેય કોડી ઊંધી પડે તો 6 દાણા; એ પ્રમાણે દાણા ગણાય છે. એક અથવા પાંચ અથવા છ અથવા સાત કોડી ચત્તી પડે અથવા સાતેય કોડી ઊંધી પડે તો દાવ લેનારને તેની વારીમાં એક વધારાનો દાવ મળે અને સતત ત્રણ વખત આવા દાણા પડે તો બધા દાણા બળી જાય.

બાજી તથા સોગઠું

બેથી ચાર જણ બાજીને વચ્ચે રાખી આ રમત રમી શકે છે અને દરેક રમનાર પાસે પોતાનાં અલગ રંગનાં ચાર સોગઠાં રહે છે. રમત શરૂ થતાં દરેક રમનાર વારાફરતી દાવ લે છે એટલે કે કોડીઓ મૂઠીમાં રાખી જમીન પર ગબડાવી દાણા પાડે છે. આ દાણા 11 કે 25, કે 30 કે 14, કે 6 પડે ત્યારે ‘પો’ થઈ ગણાય અને ‘પો’ થાય તો જ સોગઠું રમતમાં મૂકી શકાય, એટલે કે પોતાની બાજુના પટમાં મધ્ય કૉલમમાં મથાળાના ખાનામાં સોગઠું મુકાય અને ત્યાંથી જેટલા દાણા પડ્યા હોય યા પડે તે પ્રમાણે ખાનાં ગણી સોગઠું ચલાવાય એટલે કે પોતાના પટના મધ્ય કૉલમમાં નીચે ઊતરી જમણા કૉલમમાં ઉપર ચડી જમણી બાજુના પટમાં ડાબી કૉલમમાં નીચે ઊતરી, જમણી કૉલમમાં ઉપર ચડે અને એમ ચારેય પટ પૂરા કરી પોતાના પટમાં ડાબી કૉલમમાં નીચે ઊતરી મધ્ય કૉલમમાં ઉપર ચડી કેન્દ્રીય ચોરસમાં પહોંચી જાય તો સોગઠું પાકી ગયું ગણાય છે.

પોતાનું સોગઠું જે ખાનામાં પહોંચે ત્યાં અન્ય કોઈનું સોગઠું હોય તો તે અન્ય સોગઠું માર ખાય એટલે કે બાજીમાંથી ઊઠી જઈ ઘેર બેસે. અલબત્ત ચોકડીવાળા ખાનામાં કોઈ સોગઠું માર ખાઈ શકતું નથી.

ચારેય પટમાં પોતાનું સોગઠું ચલાવ્યા પછી પોતાના પટના ડાબી કૉલમના ચોકડીવાળા ખાનામાં સોગઠું આવે ત્યાં સુધીમાં તે રમનારે કોઈના સોગઠાને માર કરી ઘેર બેસાડ્યું હોય તો જ પોતાનું સોગઠું તે આગળ ચલાવી શકે છે. જેનાં ચારેય સોગઠાં ચારેય પટ પૂરા કરી કેન્દ્રીય ચોરસમાં સૌથી પહેલાં પહોંચી જાય એટલે કે પાકી જાય તે વિજેતા ગણાય છે.

પોતાનાં ચારેય સોગઠાં પાકી ગયા પછી તે રમનાર ઇચ્છે તો ‘ગાંડું’ કાઢી શકે; એટલે કે કેન્દ્રીય ચોરસમાંથી સોગઠાને ‘પો’ થતાં બહાર કાઢી રમતમાં મૂકી, અવળી દિશામાં ચારેય પટમાં ચલાવી શકે. આ ‘ગાંડું’ કાઢેલું સોગઠું આડી સ્થિતિમાં ચલાવવાનું રહે છે. આ ગાંડું સોગઠું ચોકડીવાળા કે ચોકડી વગરના કોઈ પણ ખાનામાં ગમે તેના સોગઠાને મારીને ઘેર બેસાડી શકે છે અથવા તેને અન્ય સોગઠું મારી શકે છે.

ચિનુભાઈ શાહ