ચૉવિન, ઈવ (Chauvin, Yves) (જ. 10 ઑક્ટોબર 1930, ફ્રાંસ; અ. 28 જાન્યુઆરી 2015, ફ્રાંસ) : ફ્રેંચ રસાયણવિદ અને 2005ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ચૉવિને તેમની કારકિર્દીનો મોટા ભાગનો સમય ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ ઇન રૂઈલ-માલ્માઇસન (Rueil-Malmaison) ખાતે રસાયણશાસ્ત્રમાં સંશોધન કરવામાં ગાળ્યો હતો. 1970માં તેમણે એક મહત્વની શોધ કરી. કાર્બનિક અણુઓમાંના એક પરમાણુસમૂહમાં આવેલ કાર્બન પરમાણુ સાથે આબંધિત (bonded) ધાતુ-પરમાણુ આ સમૂહને અન્ય પરમાણુસમૂહ સાથે સ્થાનફેર કરવામાં કેવી રીતે કારણભૂત બને છે તેની તેમણે સમજૂતી આપી. આવી પ્રક્રિયાઓ સ્થાનફેર પ્રક્રિયાઓ (metathesis) તરીકે ઓળખાય છે.

રાસાયણિક ઉદ્યોગ સાથે સંકળાયેલા સંશોધકોએ 1950ના દાયકામાં સ્થાનફેર (metathesis) પ્રક્રિયાઓની શોધ કરી હતી. ગ્રીક શબ્દો ‘meta’ (ફેરફાર, change) અને ‘thesis’ (સ્થાન, position) ઉપરથી આ શબ્દ પ્રયોજાયો છે. તેમાં ઉદ્દીપકો કાર્બનિક અણુઓમાંના બે કાર્બન વચ્ચેના આબંધો(bonds)ને એવી રીતે તોડે છે અને નવાની રચના કરે છે કે જેથી અણુઓમાંના ભિન્ન ભિન્ન પરમાણુસમૂહો એકબીજાનાં સ્થાન બદલે; પણ વૈજ્ઞાનિકોને એ સમજાતું ન હતું કે આણ્વીય (molecular) સ્તરે આ ઉદ્દીપકો કેવી રીતે કાર્ય કરે છે.

ઈવ ચૉવિન

1970માં ચૉવિને એક મહત્વના સંશોધન દ્વારા સ્થાનફેર પ્રક્રિયાની ક્રિયાવિધિની સમજૂતી આપી. તેમણે દર્શાવ્યું કે ધાતુ (ઉદ્દીપક) એવી રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરે છે કે જેમાં બે નવા કાર્બન-કાર્બન આબંધ (bonds) ઉત્પન્ન થાય છે, પણ પછી તે (ઉદ્દીપક) પ્રક્રિયાને અસર કર્યા વિના તેમાંથી દૂર થઈ નવી પ્રક્રિયા કરવાનું શરૂ કરે છે. ચૉવિનનાં સંશોધનોએ સ્થાનફેર પ્રક્રિયા કેવી રીતે થઈ શકે છે તે દર્શાવ્યું પણ તેના વ્યવહારુ ઉપયોગ માટે નવા ઉદ્દીપકો વિકસાવવાનું જરૂરી હતું.

તેમના મૂળ સ્થાનમાંથી પરમાણુસમૂહનું સ્થાનાંતર થવાથી નવા જ ગુણધર્મો ધરાવતા નવા અણુઓ ઉત્પન્ન થાય છે. આ સ્થાનફેર પ્રક્રિયાના વિકાસને કારણે સુધારેલાં (advanced) પ્લાસ્ટિકો, ઇંધન-ઉમેરણો (fuel additives), હાનિકારક છોડવા અને જીવડા(insects)ના નિયંત્રણ માટેના પદાર્થો તેમજ અસ્થિસુષિરતા (osteoporosis) અને સંધિશોથ (arthritis) માટે નવાં ઔષધોનું ઉત્પાદન શક્ય બન્યું છે.

કાર્બનિક રસાયણમાં અત્યંત ઉપયોગી એવી પ્રક્રિયાઓ પૈકીની એક એવી સ્થાનફેર પ્રક્રિયાની શોધ માટે 2005નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર ચૉવિન, ગ્રબ્સ અને શ્રૉકને સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ફ્રાન્સની એકૅડેમી ઑવ્ સાયન્સીઝના સભ્ય પણ હતા.

પ્રહલાદ બે. પટેલ