ચૈત્ય : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. વસ્તુત: ચૈત્ય શબ્દ સંસ્કૃત चिता સાથે સંબંધિત છે. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ચિતાસ્થાન પર કે મૃતકની ભસ્મ પર સ્મૃતિ મંદિરની રચનાની તેમજ વૃક્ષારોપણની જૂની પરંપરાના ઉલ્લેખો મળે છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પવિત્ર વેદી, દેવસ્થાન, પ્રાસાદ, ધર્મસ્થાનમાંનું પીપળાનું વૃક્ષ વગેરે માટે ચૈત્ય શબ્દ વપરાયેલો જોવા મળે છે.

અમરકોશ चैत्यमायतनं કહીને ચૈત્યનો અર્થ આયતન આપે છે. હેમચંદ્ર ‘અભિધાન ચિંતામણિ’માં चैत्यविहारौ जिनसदमनि અર્થાત્ જિનાલયના અર્થમાં ચૈત્ય અને વિહાર શબ્દ વાપરે છે. જેમાં બુદ્ધની પ્રતિમા હોય તેવું આયતન તે ચૈત્ય કહેવાય છે. સમૂહ માટેનું ઉપાસનાગૃહ એટલે ચૈત્ય એવો અર્થ પણ પ્રચલિત છે. બૌદ્ધ ધર્મના પ્રસાર સાથે ચૈત્યગૃહની પ્રથા દાખલ થઈ. શ્રીલંકામાં ‘દાગવા’ અને તિબેટમાં ‘દુંગતેમ’ શબ્દો ચૈત્યના અર્થમાં વપરાતા થયા અને તે રીતે કોઈ પવિત્ર મંદિર, અસ્થિકુંભ અથવા પવિત્ર પિપ્પલ વૃક્ષ માટે ચૈત્ય શબ્દ વપરાતો થયો.

ચૈત્યગૃહ : આધુનિક સમયમાં પુરાતત્ત્વવિદો સામાન્ય રીતે બૌદ્ધ કે જૈનમંદિરને માટે ચૈત્ય શબ્દ વાપરે છે; પરંતુ જેમાં ઉપાસના માટે સ્તૂપની રચના કરેલી હોય તેવા સ્થાપત્યને ચૈત્યગૃહ કહે છે. સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થયેલા સાધુ સુંદરગણિએ પોતાના ‘શબ્દરત્નાકર’માં સ્તૂપ અને તૂપક શબ્દો વિશેષ પ્રકારનાં આયતન કે મંદિરના અર્થમાં વાપર્યા છે. સ્તૂપ એટલે બુદ્ધના અવશેષો પર રચેલું ગોળ ઘુમ્મટવાળું સ્થાપત્ય. તે પહાડમાં કોતરેલું હોય અથવા ઈંટ કે પથ્થરનું ચણેલું પણ હોય. ઈ. પૂ. ત્રીજી સદી પહેલાંનાં ચૈત્યગૃહો મળતાં નથી. મૌર્ય સમ્રાટ અશોકના સમયથી ઈંટ અને પથ્થરનાં સ્તૂપ તથા ચૈત્યોની શરૂઆત થઈ હોવાનો સંભવ છે. તે અગાઉનાં ચૈત્યગૃહો લાકડાનાં બનાવાતાં તેવા ઉલ્લેખો રામાયણ તેમજ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં છે. ચૈત્યગૃહોને ચિરકાલીન બનાવવાની વૃત્તિથી પર્વતને કોરીને વિશાળ મંડપો, સ્તંભો અને સ્તૂપોની રચના થતી. તેને શૈલગૃહ, શૈલમંડપ કે ચૈત્યગૃહ વગેરે નામ અપાતાં.

ચૈત્યગૃહોની રચના લંબચોરસ આકારની હોય છે. એક છેડે પ્રવેશદ્વાર હોય છે અને બીજો છેડો અર્ધવર્તુલાકાર હોય છે. આ ભાગની મધ્યમાં સ્તૂપ હોય છે.

પ્રવેશદ્વારનો આકાર પીપળાના પાન જેવો હોય છે. પ્રવેશદ્વારની સામેના છેડાના કેન્દ્રમાં સ્તૂપની રચના હોય છે. ખુલ્લી ઓસરીમાંથી પસાર થયા પછી મુખ્ય મંડપ હોય છે. મંડપમાં પ્રવેશવા માટે એક મધ્યમાં અને આજુબાજુ બીજા બે એમ કુલ ત્રણ પ્રવેશ હોય છે. પ્રદક્ષિણા માર્ગ અને સ્તૂપને આચ્છાદિત કરતી વર્તુલાકાર રચના હોય છે. સ્તૂપના આગળના મંડપના ભાગમાં સભા ભરાતી. સ્તૂપની બાજુથી જતો પ્રદક્ષિણા માર્ગ સ્તંભોથી અલગ પડતો હોય છે.

પ્રિયબાળાબહેન શાહ

રવીન્દ્ર વસાવડા