ચૈતન્ય મહાપ્રભુ (જ. 27 ફેબ્રુઆરી 1485, નવદ્વીપ, જિ. કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 9 જુલાઈ 1533) : મધ્વ ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. વિદ્યાવ્યાસંગી જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું 10મું સંતાન. ચૈતન્યનું નાક્ષત્ર નામ વિશ્વંભર, ડાક-નામ નિમાઈ. ગૌર વર્ણના હતા તેથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે ઓળખાયા. આચાર્ય તરીકે નિમાઈ પંડિત. સંન્યાસ ગ્રહણ કર્યા પછી ગુરુ કેશવભારતીએ કૃષ્ણ ચૈતન્યભારતી નામ આપેલું.

આયુષ્ય 48 વર્ષ. પહેલાં 24 વર્ષ નવદ્વીપમાં સંસારી. સંન્યસ્ત પછી 24 વર્ષ નીલાચલ(જગન્નાથપુરી)માં વાસ. તે પૈકી પ્રથમ 6 વર્ષ નૈર્ઋત્ય ભાગની અને વૃંદાવનની યાત્રા કરી. બાકીનાં 18 વર્ષ નીલાચલની બહાર પગ મૂક્યો નહિ. તેમાંનાં છેલ્લાં 12 વર્ષ કાશીમિશ્રના વિશાળ ઘરના ગુફા જેવા ઓરડા ‘ગંભીરા’માં ગાળ્યાં. આ ગાળો ‘ગંભીરાલીલા’ તરીકે ઓળખાય છે.

ચૈતન્ય મહાપ્રભુ

મોટા પુત્ર વિશ્વરૂપે લીધેલ સંન્યાસના આઘાતથી જગન્નાથ મિશ્ર અકાળે મૃત્યુ પામતાં નિમાઈની ચંચળતા ઓછી થઈ. તે એક મેધાવી, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી તરીકે ખ્યાતિ પામ્યા. વાક્છટાથી પ્રતિપક્ષીને અભિભૂત કરવાનું કૌશલ તેમનામાં હતું. વ્યાકરણ ઉપરાંત અલંકાર અને ન્યાયશાસ્ત્રમાં તે પ્રવીણ થયા. કવિ મુરારિ ગુપ્ત અને પ્રસિદ્ધ નૈયાયિક રઘુનાથ વગેરે તેમના સહાધ્યાયી હતા. નિમાઈએ વ્યાકરણ સૂત્રો પર એક ટિપ્પણ લખ્યું જે વિદ્વાનો અને છાત્રોમાં પ્રશંસાપાત્ર બન્યું. ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગ્રંથ ‘દીધિતિ’ લખનાર પંડિત રઘુનાથને પ્રસન્ન રાખવા તે જ વિષય પરનો પોતાનો ગ્રંથ ગંગામાં પધરાવેલો.

16 વર્ષની વયે નિમાઈ પંડિતે મુકુંદ સંજયના ચંડીમંડપમાં પોતાની પાઠશાળા આરંભી. આ સમય દરમિયાન નિમાઈનું લગ્ન લક્ષ્મીદેવી સાથે થયું. છાત્રો સાથે રાઢ દેશ(સાંપ્રત બાંગ્લાદેશ)ની યાત્રાએ ગયા. ત્યાં વિદ્વાનોમાં કીર્તિ પ્રાપ્ત કરી. ત્યાંથી પાછા ફર્યા તે દરમિયાન લક્ષ્મીદેવીનું અવસાન થયેલું. કેશવ પંડિત નામે એક કાશ્મીરી વિદ્વાનને અનૌપચારિક ગોષ્ઠિ દરમિયાન પરાજિત કર્યા. નવદ્વીપના રાજપંડિત સનાતન મિશ્રે તેમની કન્યા વિષ્ણુપ્રિયાને નિમાઈ સાથે પરણાવી. આ લગ્ન સર્વ રીતે અનુકૂળ હતું છતાં નિમાઈ સંસારમાંથી ઉદાસીન અને એકાન્ત રુચિવાળા થવા લાગ્યા. એમની વર્તણૂક પણ યદ્વાતદ્વા થવા લાગી. વૈદ્યોએ વાતરોગનું નિદાન કર્યું અને ઔષધોપચાર થવા લાગ્યા. પિતૃશ્રાદ્ધ નિમિત્તે ગયા જવાનું થયું. ત્યાં ચક્રવેડામાં વિષ્ણુપાદચિહ્નોનું દર્શન કરતાં અચાનક ભાવાવેશવશ થતાં શરીરભાન ભૂલી પડી જતા હતા ત્યાં જ સદભાગ્યે ઈશ્વરપુરી નામે સાધુપુરુષે તેમને પકડી લીધા. ઈશ્વરપુરી સાથે તેમનો સત્સંગ થયો અને ઈશ્વરપુરીએ તેમને ‘ऱी गोपीजनवल्लभाय नम:’ એ દશાક્ષર મંત્ર આપ્યો.

ગયાથી પાછા આવ્યા પછી તેમનામાં કૃષ્ણવિરહનો અગ્નિ પ્રજ્વળી ઊઠ્યો. તેમણે નિત્યાનંદ, અદ્વૈતાચાર્ય, ગદાધર, મુરારિગુપ્ત વગેરે સાથે મળી પં. શ્રીવાસને ત્યાં બંધબારણે સંકીર્તન શરૂ કર્યું. જગાઈ અને મધાઈ નામના આસુરી વૃત્તિના કોટવાળોનો ઉદ્ધાર કર્યો. કાજી દ્વારા સંકીર્તન બંધ કરાવવાની અદેખા લોકોની યોજના નિષ્ફળ બનાવી. શચીમાતા, વિષ્ણુપ્રિયા અને આચાર્ય અદ્વૈત વગેરેની વિદાય લઈ, નિત્યાનંદ, દામોદર પંડિત, મુકુંદ દત્ત અને જગદાનંદની સાથે શ્રી કેશવભારતી પાસે નીલાચલ જઈ રહ્યા. અહીં જગન્નાથનું દર્શન કરતાં શ્રીચૈતન્ય મૂર્છિત થઈ પડી ગયેલા. દક્ષિણ અને પશ્ચિમ ભારતની આ યાત્રા દરમિયાન શ્રીચૈતન્યને બે બહુમૂલ્ય ગ્રંથો (1) લીલાંશુક બિલ્વમંગળનો ગ્રંથ ‘કૃષ્ણકર્ણામૃત’ અને (2) ‘બ્રહ્મસંહિતા’ મળ્યા.

મહારાજા પ્રતાપરુદ્રની સંમતિથી રાજપુરોહિત કાશીમિશ્રના વિશાળ મકાનમાં મહાપ્રભુએ શેષ જીવન ગાળ્યું.

ગૌડદેશવાસી ભક્તોની સહાયતાથી શ્રીચૈતન્યે ગુડીચામંદિરની સફાઈ કરી, અને રથયાત્રાના દિવસે ભગવાનના રથોની આસપાસ અપૂર્વ સંકીર્તન કર્યું. શ્રીચૈતન્ય ઝારખંડને માર્ગે થઈ વૃંદાવનની યાત્રાએ નીકળ્યા. રાધાકુંડ જેવાં કેટલાંક લુપ્તતીર્થ પ્રગટ કર્યાં અને પાછા ફરતાં પ્રયાગમાં તેમને શ્રીરૂપ ગોસ્વામી (શક્તિ મલ્લિક) અને તેમના ભાઈ અનૂપ મળ્યા. આ યાત્રાએથી પાછા ફર્યા પછી શ્રીચૈતન્યે નીલાચલની બહાર પગ મૂક્યો ન હતો. આયુષ્યનાં છેલ્લાં 12 વર્ષ પ્રેમોન્માદ દશામાં અંતેવાસીઓને રાતદિવસ તેમની સંભાળ રાખવી પડતી. વિરહદશામાં તે ઉચ્ચ સ્વરે મહામંત્રનો સતત જાપ કર્યા કરતા અને વિરહદુ:ખે લોહી નીકળે ત્યાં સુધી ભીંતે ગાલ ઘસતા, ઘર બહાર દોડી જતા અને ભક્તોએ તેમને શોધી લાવવા પડતા. ગોવિંદ અને શંકર રાત્રે તેમની પાસે સૂઈ રહેતા. શંકર તેમના પગ પોતાની છાતીએ દાબી રાખતા, તેથી તે ‘પ્રભુપાદોપધાન’ (પ્રભુના પગનું આસન) એવું બિરુદ પામેલા. આટલા જાપ્તા છતાં એક વખત બધાને થાપ આપી શ્રીચૈતન્ય સમુદ્ર તરફ જતા રહ્યા અને સમુદ્રજળમાં યમુનાજળનો ભાસ થતાં તેમાં કૂદી પડ્યા. બીજે દિવસે કોણાર્ક પાસે એક માછીમારની જાળમાં શ્રીચૈતન્યનો વિકૃત દેહ મળ્યો. આ પછી થોડાક સમયે શક સંવત 1455(1533)ના અષાઢ માસમાં શ્રીચૈતન્યે લીલાસંવરણ કર્યું. એક લોકશ્રુતિ પ્રમાણે તેમણે ફરી સમુદ્રમાં ઝંપલાવ્યું અને તેમાં મહાસમાધિ પામ્યા. અન્ય લોકશ્રુતિ અનુસાર તે ભગવાન જગન્નાથના દર્શને ગયા ત્યારે અકસ્માત જ મંદિરના ગર્ભગૃહનાં બારીબારણાં બંધ થઈ ગયાં અને મંદિરના એક સેવકે તેમને ભગવાન જગન્નાથને આલિંગન આપતા અને મૂર્તિમાં લીન થઈ જતા જોયા.

શ્રીચૈતન્યના અંતરંગ મંડળમાં શ્રી નિત્યાનંદ મુખ્ય હતા. ‘નિતાઈ’ અને ‘નિમાઈ’નાં નામ સંકીર્તનમાં હંમેશ ગવાય છે.

સાંપ્રદાયિક માન્યતા અનુસાર અદ્વૈતાચાર્યની પ્રાર્થનાના પરિણામ રૂપે નવદ્વીપમાં શ્રીચૈતન્યનો જન્મ થયેલો અને તેમની સૂચના અનુસાર શ્રીચૈતન્યે લીલાસંવરણ કરેલું.

શ્રી સ્વરૂપ દામોદર તે શ્રીચૈતન્યને મધુર કંઠે ભાગવતના શ્લોક, જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિનાં પદો ગાઈ સંભળાવતા. તે ગંભીરા લીલાના સાક્ષી હતા. નિત્યનોંધ સ્વરૂપે તેમણે ‘કડચો’ લખેલો. પાછળથી શ્રીકૃષ્ણદાસે લખેલ ‘ચૈતન્યચરિતામૃત’માં કડચાનો મુખ્યત્વે આધાર લેવાયેલો.

શ્રીરઘુનાથદાસે ‘શ્રીચૈતન્યસ્તવ કલ્પવૃક્ષ’ નામે ગ્રંથ લખેલો. તેમના શિષ્ય શ્રીકૃષ્ણદાસે ‘શ્રીચૈતન્યચરિતામૃત’ લખેલું.

રામાનંદ રાય ઊડીસાના રાજા પ્રતાપરુદ્રની સેવામાંથી નિવૃત્તિ લઈ શ્રીચૈતન્યના અંતરંગ મંડળમાં રહેલા.

શ્રીરૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી અને વલ્લભ ગોસ્વામી ત્રણેય સગા ભાઈઓ હતા. તેમણે વૃંદાવનમાં વસીને અનેક લુપ્ત તીર્થો શોધી કાઢેલાં. ભરતમુનિના રસસિદ્ધાન્તને તેમણે કૃષ્ણભક્તિમાં વણી લીધેલો.

જન્મે મુસ્લિમ એવા હરિદાસ કૃષ્ણભક્તિમાં લીન હતા. તેમણે એક વારાંગનાનો ઉદ્ધાર કરેલો. ઈશ્વરપુરીના સેવક ગોવિંદ અને પ્રભુપાદોપધાન શંકર શ્રીચૈતન્યના સેવકો હતા.

નામસંકીર્તન અને મહામંત્રનો પ્રચાર તથા મધુરભાવની સાધના એ બે શ્રીચૈતન્યનાં અવતારકાર્ય ગણાય છે. નામસંકીર્તનમાં પખવાજ, ઝાંઝ, મંજીરા સાથે મુક્ત નૃત્ય એ તેમની વિશેષતા હતી. નામસંકીર્તનની દીક્ષા તેમને શ્રી માધવેન્દ્રપુરીના શિષ્ય શ્રી ઈશ્વરપુરી પાસેથી મળેલી. માધવેન્દ્રપુરીએ સંન્યાસીઓમાં મધુરભાવની ઉપાસના શરૂ કરાવેલી. નામસાધનાનો આધાર રાધાભાવ પર હતો. તેને લીધે મધુરભક્તિ નવમા રસ તરીકે સિદ્ધ થઈ. 32 અક્ષર અને 16 નામવાળા

‘હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે,

હરે રામ હરે રામ રામ રામ હરે હરે’

એ મંત્રનો પાઠ કરવાનો ઉપદેશ આપતા. તેનું સમૂહકીર્તન થતું.

મધુરભાવની સાધનામાં પ્રત્યેક વૈષ્ણવે પોતાના સ્વભાવને અનુકૂળ દાસ્ય, સખ્ય, વાત્સલ્ય કે કાંતાભાવ (મધુરભાવ) પૈકી ગમે તે એકનો આશ્રય લઈ ઇષ્ટ શ્રીકૃષ્ણની ભક્તિ કરવાની હોય. મધુરભાવની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે એ સિદ્ધ કર્યું. તેમના અંતરંગ મંડળમાં તે પોતે રાધિકા અને અન્ય અનુયાયીઓને વિવિધ વિશિષ્ટ ગોપી તરીકે સ્વીકારી વર્તતા. નારદના ભક્તિસૂત્ર ‘यथा व्रजगोपिकानाम्’ અનુસાર ગોપીભાવથી કરેલી ભક્તિને તે ઉત્તમ માનતા.

શ્રીચૈતન્યની લીલાઓ અંગે સદભાગ્યે આધારભૂત માહિતી ‘શ્રી- ચૈતન્યચરિતામૃત’, ‘કડચો’, ‘ગૌરાંગ સ્તવ સ્તબક’ વગેરે ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. ગંભીરા લીલાના પ્રસંગોમાં શ્રીચૈતન્યના ઉત્કટ રાધાભાવ અને કૃષ્ણવિરહનું રસાર્દ્ર નિરૂપણ છે. શ્રીચૈતન્યની એકમાત્ર ઉપલબ્ધ કૃતિ ‘શિક્ષાષ્ટક’ના અંતિમ શ્લોકમાં શ્રીચૈતન્યે સ્વયં પોતાની ભક્તિનું રસોત્કટ વર્ણન કર્યું છે :

आल्श्लष्य वा पादरतां य़्पनष्टु मां

अदर्शनान्मर्महतां करोतु वा ।

यथा तथा वा य़्वदधातु लम्पटो

मत्प्राणनाथस्तु स एव नापर:  ।।

‘મને ચરણે પડેલીને આલિંગન આપી ભલે ભીંસી નાખે કે અર્દશ્ય થઈને તે લંપટ મારાં મર્મ ભેદાઈ જાય તેમ કરે, તેની ઇચ્છામાં આવે તેમ કરે, પણ મારો પ્રાણનાથ તો તે જ છે, અન્ય કોઈ નહિ.’

ગુજરાતમાં મધ્વ ગૌડ પરંપરાનો વિસ્તાર જોવા મળતો નથી. માત્ર નર્મદાતટે માલસર ગામમાં માધવદાસજી મહારાજના સ્થાનમાં શ્રીચૈતન્યની ષડ્ભુજ મૂર્તિ છે. બંગાળના બાઉલો શ્રીચૈતન્યને તેમના આદિ પ્રવર્તક માને છે.

હેમકુમાર મિસ્ત્રી