ચૈતન્યદાસ (ઈ. સ. પંદરમી-સોળમી સદી) : ઊડિયા ભાષાના વિખ્યાત ભક્તકવિ. કવિના જન્મ અને અવસાન અંગેની આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમની રચનાઓ પરથી જણાય છે કે તે ઓરિસાના પશ્ચિમ ભાગમાં આવેલ ખરિયાલના નિવાસી હતા. ઓરિસાના રાજા પ્રતાપરુદ્ર દેવના શાસનકાળ (1497–1534) દરમિયાન ચૈતન્યદાસ વિશેષ ખ્યાતિ પામ્યા હતા. તેમની 2 પૌરાણિક પદ્યરચનાઓ ‘નિર્ગુણમાહાત્મ્ય’ તથા ‘વિષ્ણુગર્ભપુરાણ’ ખૂબ જાણીતી બની. નિર્ગુણ સંપ્રદાયમાં ભક્તિના મહિમાનું અને અન્ય સંપ્રદાયોની સરખામણીમાં તે સંપ્રદાયની ઉચ્ચતાનું વિગતવાર વિવરણ કવિએ તેમની આ બે રચનાઓમાં કર્યું છે. કવિના પ્રતિપાદન મુજબ અંતિમ સત્ય તો ‘અલખ પુરુષ’ એટલે કે નિર્ગુણ નિરાકારમાં જ સમાયેલું છે. મહિમા સંપ્રદાયના અનુયાયીઓમાં આ બે રચનાઓ લોકપ્રિય છે .
જાનકીવલ્લભ મોહન્તી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે