ચેરીની વાડી (‘ધ ચેરી ઑર્ચાર્ડ’)
January, 2012
ચેરીની વાડી (‘ધ ચેરી ઑર્ચાર્ડ’) : રૂસી વાર્તાકાર અને નાટ્યકાર એન્તોન ચેહફના પ્રખ્યાત ચારઅંકી નાટક ‘વિશ્નોવી સાદ’(1904)નો ગુજરાતી અનુવાદ. પુરાણી જમીનદારી પદ્ધતિના પ્રતિનિધિ જેવાં માદામ રાનેવ્સ્કી વિદેશોમાં ઉડાઉ ખર્ચાળ જીવન જીવે; એની ખોળે લીધેલી દીકરી વાર્યા બાર સાંધતાં તેર તૂટે છતાં માતા રાનેવ્સ્કીના વૈભવી જીવનને ટેકો આપવા મથે; એ બધું નિષ્ફળ જતાં, રળિયામણી પણ હવે આર્થિક ર્દષ્ટિએ સાચવવી મોંઘી પડે એવી ચેરીની વાડી વેચવા કાઢવાનો વખત આવે છે. વેપારી લોયાહિન, જેના તરફ વાર્યાને કૂણી લાગણી છે, એનાંય, વાડીને બચાવી લેવાનાં વ્યવહારુ સૂચનો સ્વીકારવામાં આવતાં નથી, અને અંતે ચેરીની વાડીનું લિલામ થાય છે. છેવટે આ વાડી ખરીદે છે વેપારી લોયાહિન, જે અગાઉ ગુલામ હતો ! વાર્યાએ પણ હવે બીજે ક્યાંય નોકરી શોધવી રહી. આ કુટુંબના 80 વર્ષના રસોઇયા ફીર્સને તો સાવ ભૂલી જ જવામાં આવે છે. નાટક્ધો અંતે ચેરીની વાડીનાં ઝાડ કપાવાનો અવાજ પણ સંભળાય છે; જાણે ચેહફ કહે છે, ચેરીની વાડી જેવી ભૂતકાળની રળિયામણી પણ નિરર્થક ચીજો, અને જીવનરીતિ પણ, હટાવીને નવી સુસંગત વાસ્તવિક ચીજોએ સ્થાન લેવું રહ્યું. ત્રોફિમોવ અને આન્યા આ નાટકમાં ચેહફનાં અન્ય નાટકોની જેમ, ઊજળા ભાવિની, પયગંબરી વાતો કર્યા કરે છે. વાર્તાકાર ચેહફ કરતાં નાટ્યકાર ચેહફ તત્કાલીન રશિયાનાં વિલાતાં જીવનમૂલ્યો પ્રત્યે જાગ્રત હતા. એ આવનારી પેઢીના સુખચિંતન તરફ પણ એટલે જ આંગળી ચીંધે છે. 1904માં મૉસ્કો આર્ટ થિયેટરમાં કન્સ્તાન્તીન સ્તનિસ્લાવ્સ્કીના દિગ્દર્શન સાથે એની પ્રથમ રજૂઆત થઈ હતી. નાટ્યસાહિત્યમાં વાસ્તવવાદના ઉત્તમ નમૂનારૂપ આ નાટકને લેખકે કૉમેડી ગણાવી છે એ પણ સૂચક છે. ગુજરાતીમાં સ્વ. જશવંત ઠાકરે એનો ‘ચેરીની વાડી’ નામે અનુવાદ કર્યો છે.
હસમુખ બારાડી