ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ (જ. 15 જુલાઈ 1904, વૉરૉનેઝ, રશિયા; અ. 6 જાન્યુઆરી 1990, રશિયા) : ‘ચેરેન્કવ અસર’ની શોધ માટે 1958માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. 1928માં વૉરૉનેઝ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈને સોવિયેટ યુનિયનના મૉસ્કોમાં ‘એકૅડેમી ઑવ્ સાયન્સ’ના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સંશોધનકાર્ય શરૂ કર્યું. 1934માં તેમણે ‘ચેરેન્કવ અસર’ની શોધ કરી.

પાવેલ એલેક્સિયેવિચ ચેરેન્કવ

‘ચેરેન્કવ અસર’ અનુસાર વિદ્યુતભારિત કણ પારદર્શક માધ્યમમાં, તે માધ્યમમાંના પ્રકાશના વેગ કરતાં વધુ વેગથી ગતિ કરે ત્યારે તેમાંથી વાદળી રંગના પ્રકાશતરંગ ઉત્પન્ન થાય છે, જે ‘ચેરેન્કવ વિકિરણ’ તરીકે ઓળખાય છે. ‘ચેરેન્કવ વિકિરણ’ની વિસ્તૃત સમજૂતી ચેરેન્કવના સહયોગી વિજ્ઞાની ઇગર તામ અને ઇલ્યા ફ્રાન્કે આપી છે. આ કાર્ય માટે તેમને 1958નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે એનાયત થયો હતો. ચેરેન્કવ 1953માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સના પ્રાધ્યાપક નિમાયા અને સમગ્ર જીવન દરમિયાન અહીં જ કામ કર્યું. તેમની શોધ ‘ચેરેન્કવ અસર’ ઉચ્ચ-ઊર્જા ન્યૂક્લિયર પ્રક્રિયામાં વિદ્યુતભારિત કણ તેમજ તેમનો વેગ શોધવા માટે ઉપયોગી છે.

સૂ. ગી. દવે

રાજેશ શર્મા