ચેમ્સફર્ડ, ફેડરિક જ્હૉન નેપિયર (જ. 12 ઑગસ્ટ 1868, લંડન; અ. 1 ઍપ્રિલ 1933, લંડન) : ભારતના મૉન્ટફર્ડ સુધારાના સહપ્રણેતા વાઇસરૉય. બીજા બેરન (ઉમરાવ) ચેમ્સફર્ડના જ્યેષ્ઠ પુત્ર અને મેજર જનરલ હીથના પૌત્ર. ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલી મૉર્ડલિન કૉલેજમાં અભ્યાસ. 1890માં તે ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમના કૅપ્ટન બન્યા હતા. પ્રારંભમાં તેમણે લંડન સ્કૂલ બોર્ડ તથા કાઉન્ટી કાઉન્સિલમાં સેવા આપી હતી. 1905માં તેમને ‘બૅરન’નું ઉમરાવપદ મળ્યું હતું.

1905માં તે ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ રાજ્યના અને 1909માં ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતના ગવર્નર તરીકે નિમાયા હતા. 1912માં તેમને ‘નાઇટ’નો ઇલકાબ મળ્યો હતો. 1913માં તે ડોરસિટશાયર રેજિમન્ટના કૅપ્ટન થયા અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં તેમની ઝડપી પ્રગતિ થઈ. 1916માં તે ભારતના વાઇસરૉય બન્યા. આ વખતે હોમરૂલ લીગની ચળવળ પૂરજોશમાં હતી. તેમણે તે દબાવવા કડક પગલાં લીધાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધમાં 1917માં ઇંગ્લૅન્ડ અને મિત્રરાજ્યો મુશ્કેલીભરી પરિસ્થિતિમાં હતાં. તેથી ભારતને ભવિષ્યમાં જવાબદાર તંત્ર આપવા વિચારણા ચાલી રહી હતી. 1917માં ઍડવિન સૅમ્યુઅલ મૉન્ટેગ્યૂ હિંદી વજીર તરીકે નિમાયા. તેમણે ભારતમાં વિવિધ પક્ષના નેતાઓ, સરકારી અધિકારીઓ, વાઇસરૉય વગેરે મળીને ઍપ્રિલ 1918ના રોજ મૉન્ટેગ્યૂ-ચેમ્સફર્ડ રિપોર્ટ તૈયાર કર્યો અને તે જુલાઈ 1918ના રોજ પ્રસિદ્ધ કર્યો. આ રિપૉર્ટ ટૂંકમાં મૉન્ટફર્ડ રિપોર્ટ તરીકે જાણીતો થયો.

આ સુધારાથી મધ્યસ્થ અને પ્રાંતિક ધારાસભાના ચૂંટાયેલા સભ્યોનું સંખ્યાબળ વધ્યું. વાઇસરૉયની કારોબારીમાં કુલ 7 સભ્યો પૈકી એક જ ભારતીય સભ્ય હતો; તે સંખ્યા 3ની કરાઈ. પ્રાંતોમાં દ્વિમુખી શાસનપદ્ધતિ દાખલ કરી ધારાસભાને જવાબદાર પ્રધાનોને શિક્ષણ, આરોગ્ય જેવાં ખાતાં સોપાયાં અને અગત્યનાં ખાતાં ગવર્નર હસ્તક રહ્યાં. લોકલ બોર્ડ અને મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા સભ્યોની બહુમતી રખાઈ અને વહીવટ અંગે સ્વતંત્રતા અપાઈ. ચેમ્સફર્ડ 1921માં નિવૃત્ત થતાં તેમને વાઇસકાઉન્ટનું ઉમરાવપદ મળ્યું. 1924માં રામ્સે મેક્ડોનાલ્ડના મજૂર પ્રધાનમંડળમાં તેમને નૌકાસૈન્યના પ્રથમ લૉર્ડ તરીકે નીમવામાં આવ્યા. તેમણે ખાણિયાઓ માટેની કુટુંબ-કલ્યાણ સમિતિના ચૅરમૅન તરીકે તથા કેટલાક શૈક્ષણિક પ્રૉજેક્ટો હાથ ધરી પાછલી અવસ્થામાં શિક્ષણજગતની સેવા કરી હતી.

શિવપ્રસાદ રાજગોર