ચૅમ્લિંગ, ગુમાનસિંઘ (જ. 1942, તિસ્તા, દાર્જીલિંગની ટેકરીઓ) : ખ્યાતનામ નેપાળી વિવેચક, વાર્તાકાર અને કવિ. તેમને તેમના વિવેચનગ્રંથ ‘મોવલો’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

તેમણે સંસ્કૃત, હિંદી, ગ્રીક અને લૅટિન ભાષાઓનો પણ અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કરે છે.

1962માં તેમણે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જીવન પરિધિ વિત્રા’ પ્રગટ કર્યો હતો. તેમણે અન્ય ચાર કાવ્યસંગ્રહો પણ પ્રગટ કર્યા છે. તેમણે અનેક સાહિત્યિક સામયિકોનું સંપાદન કર્યું છે. તેઓ અનેક ગ્રંથાલયો અને સામાજિક-સાંસ્કૃતિક એસોસિયેશનો સાથે સંકળાયેલા રહ્યા છે. ‘ઍરિસ્ટૉટલ્સ પોએટિક્સ’ પરનો તેમનો ગ્રંથ રૉયલ નેપાલ અકાદમીએ પ્રગટ કર્યો છે. નેપાળી સાહિત્યમાં તેમણે કરેલા પ્રદાન બદલ રત્નશ્રી ફાઉન્ડેશન ઑવ્ નેપાલે તેમને રત્નશ્રીનો ઇલકાબ આપ્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘મોવલો’ તેમાં પ્રગટ થતી વેધક બુદ્ધિમત્તા કુશાગ્ર વિવેચનર્દષ્ટિ તથા વિદ્વત્તાપૂર્ણ મૌલિક પૃથક્કરણને લીધે નેપાળી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા