ચેતારોધ (nerve block) : સ્થાનિક સંવેદનાઓ લઈ જતી ચેતામાં અથવા તેની આસપાસ દવાનું ઇન્જેક્શન આપીને દુખાવો મટાડવો તે. જે વિસ્તારમાં દુખાવો થતો હોય તેની સંવેદનાનું વહન કરતી ચેતા કે ચેતાઓના સમૂહને આ પદ્ધતિ દ્વારા નિષ્ક્રિય કરાય છે. કરોડરજ્જુની આસપાસ 3 આવરણો છે અને તેમને તાનિકા (meninges) કહે છે. તેમનાં નામ છે : સૌથી બહારની ર્દઢતાનિકા (dura mater) વચલી મધ્યતાનિકા (arachnoid mater) અને અંદરની મૃદુતાનિકા (piamater) છે. ઉપર દર્શાવેલી વ્યાખ્યા પ્રમાણે અવજાલતાનિકા અવકાશ(subarachnoid)ની જગ્યામાં અપાતા ઇન્જેક્શનથી કરાતો મેરુરજ્જુરોધ (spinal block) અથવા અવમૃદુતાનિકારોધ, ર્દઢતાનિકા(dura mater)ની બહાર ઇન્જેક્શન આપીને કરાતો અધિર્દઢતાનિકારોધ (epidural block), કરોડરજ્જુપુચ્છ(cauda equina)માં ઇન્જેકશન આપીને કરાતો પુચ્છીય રોધ (caudal block) પણ ચેતારોધના વિવિધ પ્રકારો છે.
ચેતારોધ માટે ચેતામાં કે તેની આસપાસ અપાતી દવાની ટૂંકા ગાળાની રાસાયણિક અસરને કારણે જે તે ચેતાનું કાર્ય થોડા સમય માટે બંધ થાય છે. ચેતામાં અપાતા ઇન્જેક્શનને અંતશ્ચેતા (intraneural) અને તેની આસપાસ અપાતા ઇન્જેક્શનને બહિશ્ચેતા (extraneural) ઇન્જેક્શન કહે છે. ચેતામાં અપાતા ઇન્જેક્શન સમયે થોડા સમય માટે ઝણઝણાટીની અણગમતી પરાસંવેદના (parasthesia) થાય છે. જોકે ચેતા મોટી અને જાડી ન હોય તો સામાન્ય રીતે ઇન્જેક્શન ચેતાની બહાર જ અપાયેલું હોય છે. જો પરાસંવેદનાની તીવ્રતા ખૂબ હોય તો જ ચેતામાં ઇન્જેક્શન અપાયું છે તેમ મનાય છે. તેનું કારણ ચેતામાં ઉદભવતું ખેંચાણ છે અને તે સોયને 1 કે 2 મિમી. જેટલી પાછી ખેંચી લેતાં ઘટે છે. જો અંતશ્ચેતા ઇન્જેક્શન અપાયું હોય તોપણ તેનાથી ચેતાને ખાસ નુકસાન થતું નથી અને ઈજા પહોંચી હોય ત્યાં ચેતા ફરીથી સંધાઈ જાય છે. ક્યારેક ચેતામાં અપાયેલા ઇન્જેક્શનની દવા પરિચેતા અવકાશ (perineural space) નામની ચેતાની આસપાસની જગ્યામાં થઈને કરોડરજ્જુની આસપાસની અવમધ્યતાનિકા અવકાશ (subarachnoid space) નામની જગ્યામાં પહોંચે છે. જ્યારે કરોડના મણકાની બાજુમાં આવેલી ચેતાઓમાં ઇન્જેક્શન અપાયું હોય ત્યારે આવું ખાસ થાય છે (પરામણિકા ચેતારોધ, paravertebral block). જો દવા કરોડરજ્જુની આસપાસની જગ્યામાં પહોંચે તો કરોડરજ્જુનું કાર્ય બંધ થાય છે અને તેને કરોડરજ્જુરોધ કે મેરુરજ્જુરોધ (spinal block) કહે છે.
ચેતાની આસપાસ નિશ્ચેતક દવાઓ(anaesthetic drug)નું ઇન્જેક્શન અપાય તેને બહિશ્ચેતા ઇન્જેક્શન કહે છે. તેને કારણે ઉદભવતું પીડાશમન (analgesia) થોડું ધીમું હોય છે. જેટલો વધુ સમય તેની અસર રહે તેટલું તેનું પીડાશમન પણ વધુ સારું હોય છે.
ઉપયોગો : ચેતારોધ દ્વારા વિવિધ સંજોગોમાં દુખાવો મટાડી શકાય છે (સારણી 1). તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા પછીનો દુખાવો મટાડવામાં થાય છે અને તેવી જ રીતે કોઈ પણ જગ્યાના લાંબા સમયના દુખાવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ઘેનપ્રેરક દવાઓના ઉપયોગ વડે આ પ્રકારની સારવાર લગભગ બધી જ ઉંમરના દર્દીઓને આપી શકાય છે.
વ્યાવહારિક માહિતી : સામાન્ય રીતે ચેતારોધ કરતાં પહેલાં દુખાવાની વિગતો તથા તેના કારણની જાણકારી માટે દર્દીની શારીરિક તપાસ તથા જરૂરી કસોટીઓ અને ચિત્રણો લેવામાં આવે છે અને તેને હૈયાધારણ આપીને તેનો વિશ્વાસ જીતવામાં આવે છે. તે માટે વાપરવાનાં સાધનોને જીવાણુરહિત (sterilized) કરીને તથા જરૂરી દવાઓ મેળવી લઈને દર્દીને ચેતારોધ માટે યોગ્ય સ્થિતિમાં સુવાડવામાં આવે છે. શસ્ત્રક્રિયા કે શારીરિક તપાસના કક્ષમાં ઇન્જેક્શન આપી શકાય છે. દર્દીને કદી ખુરસીમાં બેસાડવામાં આવતો નથી. જો બેસાડવો પડે તો તેને શસ્ત્રક્રિયાના ટેબલ પર બેસાડાય છે, જેથી આકસ્મિક સંજોગોમાં જરૂર પડ્યે તેને સુવાડીને સારવાર આપી શકાય. સમગ્ર પ્રક્રિયા સમયે ચેપ ન લાગે તે ખાસ જોવામાં આવે છે. તેને માટે ડૉક્ટર હાથ વારંવાર ઘસીને ધુએ છે (scrubbing) અને જીવાણુરહિત હાથમોજાં અને ઉપવસ્ત્ર પહેરે છે. ઇન્જેક્શન આપવાની જગ્યાએ જીવાણુનાશક દવા ચોપડીને તેને જીવાણુરહિત ટુવાલથી ઢાંકવામાં આવે છે. શરીરમાં ઇન્જેક્શનની સોય પ્રવેશે તે પછી જે સ્થળે ઇન્જેક્શન આપવાનું હોય ત્યાં સૌપ્રથમ અંદરનું પ્રવાહી ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી સોયની ટોચ કોઈ લોહીની નસમાં નથી તેની ખાતરી થઈ શકે. સાવચેતીના પગલા રૂપે ઑક્સિજન, ચૂસક યંત્ર (suction), કૃત્રિમ વાતનળીઓ (airways), સ્વરપેટીદર્શક (laryngoscope), અંત:શ્વાસનળી-નલિકા (endotracheal tube), કૃત્રિમ શ્વસનક (artificial ventilator) તથા જરૂરી દવાઓ, ઇન્જેક્શનની સિરિંજ અને સોય જેવી પુન:ચેતનતા (resuscitation) માટેની તૈયારી રાખવામાં આવે છે, જોકે તેની ભાગ્યે જ જરૂર પડે છે.
આનુષંગિક તકલીફો (complications) તથા પ્રતિનિર્દેશ (contra indications) : નસમાં ઇન્જેક્શન અપાવું, ચેપ લાગવો, લોહીનો ગઠ્ઠો જામવો, ગૂમડું થવું, લોહી વહેવું, ચેતાને, ચેતામૂળને કે કરોડરજ્જુને રાસાયણિક ઈજા થવી વગેરે તકલીફો ક્યારેક થાય છે. ચેપ લાગ્યો હોય તે જગ્યાએ તથા મગજના મોટા રોગો કે કરોડરજ્જુ અને ચેતાઓના ક્ષીણતાકારી વિકારો હોય તો ચેતારોધ અપાતો નથી.
સારણી 1 : ચેતારોધના ઉપયોગો
1 | પેટના નીચેના ભાગમાં તથા પગમાં શસ્ત્રક્રિયા |
2 | ઈજા પછી ઉદભવતા પીડાકારક વિકારો : |
(ક) બળતરા (causalgia) | |
(ખ) છદ્મ-અંગ પીડા (phantom limb pain) | |
(ગ) અતિશીતજન્ય ઈજા (frost-bite) | |
(ઘ) જળડૂબ પાદવિકાર (immersion foot) વગેરે. | |
3 | વાહિનીજન્ય (vascular) અથવા લોહીની નસોના વિકારો : |
(ક) ધમનીના વિકારો : | |
(i) ખૂબ પરસેવો કરતી અતિપ્રસ્વેદિતા (hyperhidrosis) | |
(ii) આંગળીઓની ટોચ, કાંડા અને ઘૂંટી પર ભૂરાશ લાવતી
ટોચનીલિમા (acrocyanosis) |
|
(iii) ચામડીની તાણક્ષમતા (elasticity) ઘટાડતું ત્વકીય
તંતુકાઠિન્ય (scleroderma) |
|
(iv) નસોમાં લોહી જામી જવાથી તથા નસો સંકોચાવાથી
થતો રુધિરગુલ્મીય અવરોધકારી વાહિનીશોથ (thrombo-angitis obliterans TAO) |
|
(v) રેયનૉડ(Raynaud)નો રોગ | |
(ખ) શિરાના વિકારો : | |
(i) શિરાના સોજા સાથે શિરામાં લોહી જામી જવાથી થતો | |
રુધિર-ગુલ્મીય શિરાશોથ (thrombophlebitis) | |
(ii) શિરામાં લોહી જામી જવાથી થતી શિરાકીય | |
રુધિરગુલ્મતા (phlebothrombosis) | |
4 | વિષજન્ય અને ચેપી રોગો : |
(ક) બાળલકવા (poliomyelitis) પછી | |
(ખ) વાહિનીચાલક (vasomotor) રોગ | |
(ગ) હર્પિસ ઝોસ્ટરનો રોગ | |
(ઘ) સ્વાદુપિંડ શોથ | |
(ચ) સગર્ભાવસ્થાની વિષાક્તતા (eclampsia) | |
5 | દવાઓ સામે પ્રતિક્રિયા અને મૂત્રપિંડની નસોનું સંકોચન : |
(ક) લોહી ચડાવ્યા પછી પેશાબ બંધ થવો અથવા ખૂબ જ ઘટી જવો | |
(ખ) સલ્ફોનમાઇડને કારણે મૂત્રપિંડને ઈજા | |
6 | પ્રકીર્ણ પરિસ્થિતિઓ, વિકારો અને રોગો |
(ક) માથું દુખવું | |
(ખ) આધાશીશી (migraine) | |
(ગ) મગજની નસોનું સતત સંકોચન (cerebral vasospasm) | |
(ઘ) ચેતાપીડ (neuralgia) | |
(છ) કૅન્સરજન્ય પીડા | |
(જ) ઊબકા | |
(ઝ) મોટું આંતરડું પહોળું થઈ જવાનો મહાસ્થિરાંત્રતા | |
(megacolon) નામનો વિકાર | |
(ટ) શસ્ત્રક્રિયા પછીનો દુખાવો |
પ્રકારો : ચેતારોધના વિવિધ પ્રકારો છે. સામાન્ય રીતે વ્યવહારમાં વધુ વપરાતા પ્રકારો નીચે મુજબ છે : ગળામાં સ્ટેલેટ ગૅઁગ્લિયોન બ્લૉક, હાંસડીના હાડકાની ઉપર કે બગલમાં બ્રૅકિયલ પ્લૅકસર બ્લૉક, જાંઘની બહારની બાજુએ લૅટરલ ફેમરલ બ્લૉક, જાંઘ, પગની મોટી ચેતા (sciatic nerve), પાદ(foot)ની ચેતા, નીચલા જડબાની ચેતા, ઉપલા જડબાની ચેતા, આંખની બખોલની ઉપરની ચેતા, હાથની વિવિધ ચેતાઓ, પેટના ઉપલા ભાગની ચેતાઓ તથા કરોડરજ્જુની આસપાસ વિવિધ પ્રકારના ચેતારોધ કરાય છે.
શિલીન નં. શુક્લ
રાજેશ્વરી શાહ