ચેતાઘાતી મૂત્રાશય (neurogenic bladder)
ચેતાઘાતી મૂત્રાશય (neurogenic bladder) : ચેતાતંત્રના વિકારને કારણે થતો મૂત્રાશયનો વિકાર. મૂત્રમાર્ગમાં મૂત્રાશયનું અગત્યનું સ્થાન છે. મૂત્રપિંડમાં બનેલો પેશાબ મૂત્રપિંડનળીઓ (ureters) દ્વારા તે મેળવે છે અને થોડાક સમય માટે તેનો સંગ્રહ કરે છે. સામાજિક રીતે યોગ્ય હોય ત્યારે અને ત્યાં તેનો મૂત્રાશયનળી (urethra) દ્વારા નિકાલ કરે છે. તેને કારણે પેશાબ સતત ટપકતો નથી તેમજ વ્યક્તિનું સામાજિક શૌચ અને ગૌરવ જળવાઈ રહે છે. ચેતાઘાતી મૂત્રાશય-વિકારને કારણે કાં તો મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહે છે અને તેનો નિકાલ થતો નથી અથવા તો તેનો નિકાલ સતત થતો રહે છે. મોટી ઉંમરે ઘણી વખત આવી તકલીફ પુર:સ્થ ગ્રંથિ (prostate gland) મોટી થવાથી થાય છે. બંને અલગ પ્રકારના રોગો છે.
કાર્યલક્ષી શરીરરચનાવિદ્યા (functional anatomy) : મૂત્રાશય સ્નાયુનો બનેલો પોલો અવયવ છે. તે પેટની પરિતનગુહા-(peritoneal cavity)ની બહાર અને કેડની શ્રોણી (pelvic) ગુહાની અંદર આવેલો છે. તેમાં પેશાબ ભરાય ત્યારે તે ગોળા-આકારનો થાય છે. જ્યારે વધુ પ્રમાણમાં પેશાબ ભરાય ત્યારે તે લંબાય છે અને પેટમાં ફૂલે છે. જ્યારે તેમાં પેશાબ ભરાયેલો ન હોય ત્યારે તે ચીમળાયેલી કોથળી જેવો બને છે. મૂત્રાશયમાં બંને મૂત્રપિંડનળીઓ ખૂલે છે તથા તેમાંથી એક મૂત્રાશયનળી બહાર નીકળે છે. આ ત્રણે નળીઓનાં મુખ જે ત્રિકોણ બનાવે છે તેને ત્રિભુજ (trigone) કહે છે. ત્રિભુજ પરની મૂત્રાશયની અંદરની દીવાલ બનાવતી શ્ર્લેષ્મકલા (mucosa) સપાટ હોય છે જ્યારે અન્યત્ર તેમાં ગડીઓ પડેલી હોય છે. મૂત્રાશયની દીવાલમાં આવેલા સ્નાયુને મૂત્રનિષ્કાસક (detrusor) સ્નાયુ કહે છે. તેનાં ત્રણ પડ હોય છે. અંદરનું અને બહારનું લંબિત (longitudinal) અને વચલું વર્તુલીય (circular) સ્નાયુનું પડ. મૂત્રાશયનળીના મુખની આસપાસના સ્નાયુ વાલ્વ જેવું કાર્ય કરે છે, જેને અંદરનો દ્વારરક્ષક (internal sphincter) કહે છે. અંદરના દ્વારરક્ષકની નીચે બાહ્ય દ્વારરક્ષક હોય છે જે ઐચ્છિક ચેતાતંત્રના કાબૂમાં હોય છે.
સામાન્ય રીતે મૂત્રપિંડમાં 700થી 800 મિલિ. પેશાબ સંગ્રહી શકાય છે. 200થી 400 મિલિ.ના ભરાવા પછી મૂત્રાશયમાંથી ખેંચાણની સંવેદનાઓ ઉદભવે છે. મૂત્રાશયની દીવાલમાં સંવેદનાચેતા(sensory nerve)ના તંતુઓ આવેલા છે જે પેશાબ ભરાવાથી મૂત્રાશયની દીવાલમાં ઉત્પન્ન થતા ખેંચાણ (stretch) થાય તેની સંવેદના ચેતાતંત્રનાં ઉપલાં કેન્દ્રોને પહોંચાડે છે. વળી મૂત્રાશયના નીચલા છેડે આવેલા બાહ્ય દ્વારરક્ષક (external sphincter) તથા મૂત્રાશયનળીમાંથી પણ સંવેદનાઓ કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે. મગજ અને કરોડરજ્જુમાંથી ઉદભવતા સંદેશાઓ મૂત્રાશયના સ્નાયુઓને પહોંચે છે અને તે દ્વારા પેશાબનો સંગ્રહ અથવા નિકાલ થાય છે. મૂત્રાશયનો મૂત્રનિષ્કાસક સ્નાયુ સંકોચાય ત્યારે મૂત્રત્યાગ(micturition)ની ક્રિયા થાય છે. તેની શરૂઆત તથા તેનો અધવચનો કે શરૂઆતનો અટકાવ મગજના કાબૂ હેઠળ હોય છે. મૂત્રત્યાગની ક્રિયા વિવિધ પરાવર્તી ક્રિયાઓ (reflex actions) દ્વારા નિયંત્રિત હોય છે.
મૂત્રાશય અને દ્વારરક્ષકોને અનુકંપી (sympathetic), પરાનુકંપી (parasympathetic) અને દૈહિક (somatic) ચેતાઓ વડે નિયંત્રિત કરવામાં આવે છે.
દૈહિક ચેતાઓ ઐચ્છિક અથવા ઇચ્છાવર્તી ચેતાતંત્રનો ભાગ છે. જ્યારે અનુકંપી અને પરાનુકંપી ચેતાઓ સ્વાયત્ત (autonomic) ચેતાતંત્રનો ભાગ છે. મૂત્રાશયમાં 200થી 400 મિલિ. પેશાબ ભરાય એટલે મૂત્રનિષ્કાસક સ્નાયુમાં ખેંચાણ (stretch) ઉત્પન્ન થાય છે, જેની સંવેદનાઓ અધ:ઉદરીય ચેતાજાળ(hypogastric plexus)ની પરાનુકંપી ચેતાઓ દ્વારા કરોડરજ્જુના બીજા, ત્રીજા અને ચોથા ત્રિકાસ્થિક ભાગો(sacral segments)માં પ્રવેશે છે. તેના કારણે પરાવર્તી ક્રિયા રૂપે કરોડરજ્જુમાંથી આવેગો ઉદભવે છે, જે અધ:ઉદરીય ચેતા દ્વારા મૂત્રાશયમાં પહોંચે છે અને તેના મૂત્રનિષ્કાસક સ્નાયુનું સંકોચન કરાવે છે. કરોડરજ્જુમાં આવેલા સંવેદનાના આવેગો મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને તે કાં તો મૂત્રત્યાગ થતો રોકવાનો કે તેને શરૂ કરવાનો નિર્ણય કરે છે. મગજમાંથી આવતા સંદેશા કરોડરજ્જુના ત્રીજા અને ચોથા ત્રિકાસ્થિક ભાગમાં આવે છે. ત્યાંથી તે દૈહિક ચેતાતંત્રની ગુહ્યાંગલક્ષી ચેતા (pudental nerve) દ્વારા મૂત્રાશયનળીના બાહ્ય દ્વારરક્ષક પર પહોંચે છે અને તેને શિથિલ કરે છે અથવા સંકોચે છે. દ્વારરક્ષકના સ્નાયુ શિથિલ થાય તો દ્વારરક્ષક ખૂલે છે અને મૂત્રનિષ્કાસક સ્નાયુ દ્વારા મૂત્રાશયમાંનો પેશાબ બહારની બાજુ ધકેલાય છે. જો મગજના સંદેશાને કારણે દ્વારરક્ષક સંકોચાય તો મૂત્રાશયનળીનું મુખ વધુ જોરથી બંધ થાય છે અને મૂત્રત્યાગ શરૂ થતો નથી અથવા અટકે છે. બાહ્ય દ્વારરક્ષક તથા મૂત્રાશયનળીના પાછલા ભાગમાં ઉદભવતી સંવેદનાઓ ગુહ્યાંગલક્ષી ચેતા દ્વારા કરોડરજ્જુમાં પહોંચે છે. આમ, કરોડરજ્જુનો બીજો, ત્રીજો અને ચોથો ત્રિકાસ્થિક ભાગ મૂત્રત્યાગની ક્રિયાનું નિયંત્રણ કરે છે. જો કરોડરજ્જુના તે ભાગની ઉપર કે મગજમાં કોઈ ઈજા, વિકાર કે રોગ થાય તો મગજમાંથી આવતા સંદેશાઓ અટકી જાય અને તેથી મૂત્રાશય, તેના દ્વારરક્ષક અને મૂત્રાશયનળીમાંથી આવતી સંવેદનાઓને કારણે ઉદભવતી પરાવર્તી ક્રિયા રૂપે મૂત્રત્યાગ થાય છે. આ પ્રકારના વિકારને ઊર્ધ્વ ચાલકચેતા વિકાર (upper motor neuron disorder) કહે છે. તેના બે પ્રકાર હોય છે : (અ) અનિયંત્રિત ચેતાઘાતી મૂત્રાશયનો વિકાર અને (આ) સ્વયંસંચાલિત અથવા પરાવર્તી મૂત્રાશયનો વિકાર. અનુકંપી ચેતાતંત્રનું મૂત્રત્યાગની ક્રિયામાં ઓછું મહત્વ છે. તે પૂર્વત્રિકાસ્થિક (presacral) ચેતા દ્વારા મૂત્રાશયના ત્રિભુજ અને મૂત્રાશયનળીમાંથી સંવેદનાઓ મેળવીને કરોડરજ્જુના કટિપ્રદેશીય (lumbar) બીજા અને ત્રીજા ભાગમાં સંદેશા પહોંચાડે છે અને તે જ ચેતા દ્વારા સંદેશા પાછા પણ લાવે છે. તેના દ્વારા મૂત્રાશયનો અંત:દ્વારરક્ષક સંકોચાય છે અને મૂત્રત્યાગ થતો નથી. જ્યારે વીર્યસંગ્રાહિકાઓ(seminal vesicles)માં એકઠું થયેલું વીર્ય બહાર કાઢવામાં આવતું હોય ત્યારે તે મૂત્રાશયનળી દ્વારા બહાર આવે છે. તેથી તે ઊંધા માર્ગે મૂત્રાશયમાં પ્રવેશી ન જાય તે માટે અંત:દ્વારરક્ષક બંધ થવો જરૂરી બને છે. અનુકંપી ચેતાતંત્રનું મૂત્રાશયના કાર્ય પરનું મુખ્યત્વે આ જ નિયંત્રણ છે.
નિદાનપદ્ધતિઓ : ચેતાતંત્રના વિકારોને કારણે મૂત્રાશયના કામમાં બે પ્રકારના મુખ્ય વિકારો ઉદભવે છે : કાં તો તેમાં પેશાબ ભરાઈ રહે છે અને તેને બહાર કાઢવાની ક્રિયા શરૂ થતી નથી અથવા અપૂરતી રહે છે. ક્યારેક પેશાબ રોકવામાં તકલીફ ઊભી થાય છે અને તે અનિયંત્રિતપણે થઈ જાય છે અથવા તો સતત ટપક્યા કરે છે. ચેતાતંત્રને લગતી શારીરિક તપાસ, મૂત્રાશયમાપન (cystometry), કરોડના મણકા અને ખોપરીનાં એક્સ-રે-ચિત્રણ તથા કરોડરજ્જુ, કરોડના મણકા તથા મગજના સીએટી-સ્કૅન અને એમઆરઆઈનાં ચિત્રણો પણ નિદાન માટે ઉપયોગી છે. શિરામાર્ગી મૂત્રમાર્ગ ચિત્રણ (intravenous) તથા મૂત્રાશય નિરીક્ષા(pyelo-graphy)નો ઉપયોગ થાય છે.
મૂત્રાશયમાં નળી મૂકીને તેમાં ભરાયેલા મૂત્રનું કદ, તેની અંદર ઉદભવતું દબાણ, તેમાંથી બહાર નીકળતા મૂત્રનો વેગ તથા મૂત્રાશયની દીવાલમાં ઉદભવતું ખેંચાણ માપી શકાય છે. તે ઉપરાંત મળાશયમાં નળી મૂકીને પેટમાંના દબાણના ફેરફારો નોંધી શકાય છે. આ બધી માહિતીને આધારે મૂત્રાશયના વિકારોનું નિદાન કરી શકાય છે. તેને મૂત્રાશયમાપન કહે છે અને તેના સાધનને મૂત્રાશયમાપક (cystometer) કહે છે.
મૂત્રત્યાગના વિકારો અને સારવાર : મૂત્રાશયના મૂત્રત્યાગના વિકારો મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે : કરોડરજ્જુના ત્રિકાસ્થિક-ભાગ(sacral segment)ની ઉપરના ભાગના વિકારોને ઊર્ધ્વચેતાકોષી વિકારો (upper neuron disorders) કહે છે. તેના બે મુખ્ય પ્રકારો છે – અનિયંત્રિત (uninhibited) મૂત્રાશય અને સ્વયં-સંચાલિત (automatic) અથવા પરાવર્તી (reflex) મૂત્રાશય. મગજના વિકારો હોય (દા. ત., મોટી ઉંમરે થતો લકવો તથા નાનાં બાળકોનું અપૂર્ણ વિકસિત ચેતાતંત્ર) તો તેને કારણે મૂત્રાશયમાં પેશાબ ભરાય એટલે પરાવર્તી ક્રિયારૂપે મૂત્રત્યાગ થાય અને તેને દર્દી રોકી ન શકે. નાનાં બાળકોમાં તેમના શારીરિક વિકાસ સાથે આ વિકાર મટે છે. જરૂર પડ્યે તેને એટ્રોપિન જૂથની દવા અપાય છે. બાળકને ક્ષોભ કે લઘુતાગ્રંથિ ન થાય તે ખાસ જોવું જરૂરી ગણાય છે. મોટી ઉંમરે હાથપગનો લકવો, મગજમાં ગાંઠ વગેરે વિકારો પણ આ પ્રકારનો વિકાર સર્જે છે. પેશાબને શરૂ થતો ન અટકાવી શકવાના લક્ષણને મૂત્રત્યાગની અનિયંત્રિતતા (enuresis) કહે છે. આ ઉપરાંત મૂત્રત્યાગની ઉતાવળ (urgency) તથા તે વારંવાર થવાનાં (frequency) લક્ષણો પણ થાય છે. આ વિકારમાં મૂત્રાશય સ્નાયુની સજ્જતા (tone) વધે છે, મૂત્રસંગ્રહક્ષમતા (capacity) ઘટે છે અને તેથી મૂત્રત્યાગ પછી મૂત્રાશયમાં પેશાબ રહેતો નથી અથવા 30 મિલિ.થી ઓછા પ્રમાણમાં બાકી રહે છે.
કરોડરજ્જુના ત્રિકાસ્થિક ભાગના વિકારોમાં તથા તેમાંથી બહાર નીકળતી ચેતાઓમાં થતા મૂત્રત્યાગના વિકારોને અધશ્ચેતાકોષી વિકારો (lomer neuron disorders) કહે છે. તે 3 પ્રકારના છે : (અ) સ્વાયત્ત (autonomous), (આ) સંવેદનાવિકારજન્ય અસજ્જ(sensory atonic) અને (ઇ) ચાલકવિકારજન્ય અસજ્જ (motor atonic) મૂત્રાશય વિકાર. કરોડરજ્જુના આ ભાગના વિકારો અને તેની ચેતાના વિકારોમાં પરાવર્તી ચેતાચાપ(reflex arc)ના ચેતાતંતુઓ અને ચેતાકેન્દ્રોમાં રોગ કે વિકાર હોય છે અને તેથી કાં તો મૂત્રાશયમાંની સંવેદનાઓ કરોડરજ્જુ સુધી પહોંચતી નથી, કાં તો તે મેળવ્યા પછી તેને આધારે ચાલક સંદેશાના આવેગો (motor impulses) ઉદભવતા નથી અને કાં તો ચાલક સંદેશા મૂત્રાશય સુધી પહોંચતા નથી. તેને કારણે મૂત્રાશયના મૂત્રનિષ્કાસક સ્નાયુની સજ્જતા (tone) ઘટે છે અને તેમાં જેમ જેમ પેશાબ ભરાતો જાય તેમ તેમ મૂત્રાશય મોટું થઈ જાય છે. તેની મૂત્ર સંગ્રહ કરવાની ક્ષમતા 1 લિટરથી વધી જાય છે. જો સંવેદનાચેતા અથવા કરોડરજ્જુમાંના સંવેદનાચેતાપથ અસરગ્રસ્ત (દા. ત., કરોડરજ્જુને ઈજા કે તેમાં ગાંઠ) હોય તો પેશાબ ભરાયો હોવાની સંવેદના હોતી નથી. જો ફક્ત ચાલક ચેતા કે તેના ચેતાકેન્દ્ર અસરગ્રસ્ત હોય (દા. ત., બાળલકવો) તો પેશાબ ભરાવાની સંવેદના થાય છે. મૂત્રત્યાગ પછી પણ 300થી 500 કે વધુ મિલિ. જેટલો પેશાબ ભરાયેલો રહે છે. વારંવાર મૂત્રનિષ્કાસન નળી વડે પેશાબ કાઢવા ઉપરાંત બેથાનિકોલની દવા વડે સારવાર કરાય છે.
અનિયંત્રિત મૂત્રત્યાગ, પરાવર્તી મૂત્રત્યાગ તથા સંવેદનાઓ જળવાઈ રહેલી હોય તેવા (ચાલકવિકારજન્ય) અસજ્જ મૂત્રાશયના વિકારમાં સારવારનું પરિણામ સારું આવે છે પરંતુ જે મૂત્રત્યાગના વિકારમાં સંવેદનાઓ ખામીવાળી થઈ હોય તેમાં સારવારનું પરિણામ ક્યારેક જ સારું આવે છે. અસજ્જ મૂત્રત્યાગના વિકારવાળા દર્દીમાં મૂત્રમાર્ગમાં ચેપ લાગવાનો ભય રહેલો હોય છે અને તેથી તેની વારંવાર સંભાળ લેવી પડે છે.
શિલીન નં. શુક્લ