ચેટ જીપીટી (ChatGPT) : માનવીની જેમ સંવાદ સાધતો ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ ચેટબોટ (ગપસપ કરતો રોબો) છે. રોજિંદા વ્યવહારમાં માનવી ઉપયોગ કરે છે તેવી કુદરતી ભાષા પર તેમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તેની પ્રતિરૂપ (Model) ભાષા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. તદુપરાંત વિવિધ લેખ, નિબંધ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઈમેલ, કોડ વગેરેની રચના કરી શકે છે.  આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ રિસર્ચ કંપની, OpenAIએ  ચેટ જીપીટીની  (Chat Generative Pre-Trained Transformer) રચના કરી અને નવેમ્બર 2022માં તેનું અવતરણ થયું. તે કંપનીની સ્થાપના એલન મસ્ક અને સેમ ઓલ્ટમેન સહિત ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોના જૂથે 2015માં કરી હતી. OpenAIને  માઈક્રોસોફ્ટનું સમર્થન છે.

 ‘ગ્રાહક સેવા’ વેબ સાઇટ પર જોવા મળતી સ્વયંસંચાલિત ચેટ સેવાઓ જેવી જ ChatGPT છે. લોકો તેને પ્રશ્નો પૂછી શકે છે અને તેણે આપેલા જવાબો માટે સ્પષ્ટતા પણ માંગી શકે છે. માનવીએ આપેલા – એન્ટર કરેલા મુદ્દાઓના આધારે તે કલ્પના ચિત્ર, લખાણ કે વિડીયોની રચના કરે છે. ChatGPT માનવ પ્રતિભાવ અને ઘણી વખત પોતાને બદલીને (Reward Model) તેનો  શ્રેષ્ઠ પ્રતિસાદ આપે છે. આ રીતે તે સતત શીખીને ભવિષ્યના પ્રતિસાદોને સતત સુધારે છે. સતત સંવર્ધિત થતી આ પધ્ધતિના ચાર રૂપો તો ચલણમાં છે. ફોટાનું વર્ણન કરવું, છબીઓને શીર્ષક આપવું, 25000 શબ્દો સુધીના વિગતવાર પ્રતિસાદ આપવા જેવા વધુ જટિલ કાર્યો તેના વડે  સંપન્ન કરી શકાય છે. ગહન શિક્ષણને (Deep Learning) લીધે તે માનવ ઉપયોગી ફકરાની  (text) રચના કરે છે.

માનવીય પ્રતિસાદથી પ્રશિક્ષિત ચેટજીપીટીને ‘જીવનનો અર્થ શું છે?’ કે ‘ગુજરાત રાજ્યની કયા વર્ષમાં રચના થઈ?’ જેવા જટિલ કે સરળ પ્રશ્નો પૂછી શકાય છે. ચેટજીપીટીને પૂછવા માટેના પ્રશ્નોની કોઈ મર્યાદા નથી. મળતી માહિતી મુજબ તે 2021 સુધીની માહિતીનો ઉપયોગ કરે છે તેથી ત્યારપછીની ઘટના વિશે તેને જાણકારી ન હોય. અલબત્ત, માહિતીનું સતત નવીનીકરણ થતું હોવાથી તેની સટીકતા માટે સમય અવધિ પણ સતત બદલાતી રહે છે. તેણે આપેલા જવાબથી આપણને સંતોષ ન થાય તો વધુ માહિતી માટે અથવા તો જવાબ માટે વધુ પ્રયાસ કરવાનું અથવા ફરી પ્રયાસ કરવાનું તેને જણાવી શકાય છે. તેની બહુમુખી ઉપયોગિતાનો ઉપયોગ માનવીએ વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે કર્યો છે. તેમાં કમ્પ્યુટર પ્રોગ્રામના કોડ રચવા અને પ્રવર્તમાન કોડમાં ક્ષતિ શોધવી, સંગીતની રચના કરવી, પત્રો લખવા, ઈમેલ લખવા, લેખોનો સારાંશ આપવો, લેખોને અનુરૂપ શીર્ષકો સૂચવવા, સોશિયલ મીડિયા, વેબ સાઇટ, બ્લોગ વગેરે માટે પોસ્ટ તૈયાર કરવી, ગાણિતિક સમસ્યાઓ ઉકેલવી, કોયડાઓની રચના કરવી, કોઈ અન્ય માધ્યમ માટે ઉપલબ્ધ સામગ્રીને ફરીથી લખવી, ઉત્પાદનનું વર્ણનાત્મક સર્જન કરવું, રમત રમવી અને રચવી, જટિલ વિષયોનું સરળ વર્ણન કરવું જેવા સરળ તેમજ જટિલ પ્રશ્નોના ઉત્તર તે આપે છે. ચેટજીપીટી વાતચીત દરમ્યાનના વિવિધ પ્રશ્નોને યાદ રાખે છે.

ચેટજીપીટીના અનેક ફાયદાઓ છે જેમાથી કેટલાક પર નજર નાખીએ. તે નિયમિત અને પુનરાવર્તિત કાર્યો સંભાળી શકે છે માટે કર્મચારીઓ વધુ જટિલ અને વ્યૂહાત્મક જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કર્મચારીઓની ભરતી અને તેમના પ્રશિક્ષણ કરતા ચેટબોટ કિફાયત પડે છે. લેખકોને વ્યાકરણની ભૂલો સુધારવામાં તે મદદ કરે છે. અરે! તે પ્રશિક્ષક બની વિષયને સરળતાથી સમજાવી શકે છે અને જરૂર પડે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે. હંમેશા ઉપલબ્ધ ચેટજીપીટી બહુવિધ ભાષાઓમાં વાતચીત કરી શકે છે. આ પ્રકારની અનેક ખૂબીઓ ધરાવતા  આ ચેટબોટની કેટલીક મર્યાદાઓ છે અને નૈતિક ચિંતાઓ પણ છે.  મર્યાદિત ઉપયોગ માટે ચેટજીપીટી નિ:શુલ્ક ઉપલબ્ધ છે. હા, કેટલીક અન્ય કંપનીઓ દ્વારા ચેટજીપીટીના વિકલ્પો ઉપલબ્ધ થયા છે.

ચિંતન ભટ્ટ