ચેટરજી, અનિલ (જ. 25 ઑક્ટોબર 1929, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 17 માર્ચ 1996, કોલકાતા) : બંગાળી ચલચિત્ર-અભિનેતા. બંગાળી ચિત્રોમાં તેમણે પોતાની ભૂમિકાઓ દ્વારા વિશિષ્ટ પ્રભાવવાળી છાપ પાડી છે. તેમણે ફિલ્મક્ષેત્રે માત્ર 50 રૂપિયાના માસિક પગારે સહાયક દિગ્દર્શક તરીકે પ્રવેશ કર્યો હતો અને તે રૂએ તેમણે ઘણાં ચિત્રોમાં કામગીરી બજાવી છે.

સહાયક નિર્દેશનની સાથોસાથ તેમણે નાનીમોટી ભૂમિકાઓ પણ કરવા માંડી. અભિનયનો આરંભ તેમણે ચરિત્ર અભિનેતા તરીકે કર્યો. નાયકની ભૂમિકાઓ પણ તેમણે ભજવી. તેઓ ચરિત્ર-અભિનેતા તરીકે લોકપ્રિયતા પામતા આવ્યા છે. તેમણે સત્યજિત રેના ચિત્રમાં પણ ભૂમિકા કરેલી છે. તેમણે પોતાની કારકિર્દી માટે કોઈ ચોક્કસ નકશો ક્યારેય આંક્યો નહોતો; તેથી તે નાયકની ભૂમિકા કરતાં કરતાં ચરિત્ર અભિનેતાની ભૂમિકા પણ સહજભાવે કરવા લાગ્યા.

આરંભમાં તેમની તસવીર રોમૅન્ટિક નાયકની ઊપસી હતી, પણ તે પછી અનેકવિધ ભૂમિકાઓ તેમને મળી. આ ભૂમિકાઓમાં તેમના અભિનયનું વિસ્તૃત ફલક જોવા મળે છે. ‘નિર્જન સૈકતે’માં તેમને સંતોષ મળે તેવી નાયક તરીકેની ભૂમિકા મળી. અમોલ પાલેકરના હિંદી ચિત્ર ‘અનકહી’માં પણ તેમણે ભૂમિકા કરેલી.

અનિલ ચેટરજીની ભૂમિકાવાળાં નોંધપાત્ર ચિત્રોમાં ‘અગ્નિસંસ્કાર’, ‘નિર્જન સૈકતે’, ‘કાંચેર સ્વર્ગ’, ‘અમાનુષ’, ‘દેશબંધુ ચિત્તરંજન’, ‘મહાનગર’, ‘રાજા’, ‘આશીર્વાદ’ વગેરેનો સમાવેશ થાય છે.

દૂરદર્શનની કથાશ્રેણી ‘નકાબ’માં તેમણે મુખ્ય ભૂમિકા પ્રશંસનીય રીતે કરી હતી.

શશિકાન્ત નાણાવટી