ચેટરજી, સુનીતિકુમાર (જ. 26 નવેમ્બર 1890, હાવરા; અ. 29 મે 1977, કૉલકાતા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા બંગાળી ભાષાવિજ્ઞાની. તેમણે શાળા અને કૉલેજશિક્ષણ કૉલકાતામાં લીધું. 1911માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રથમ નંબરે પ્રાપ્ત કરીને છાત્રવૃત્તિ મેળવી. 1913માં અંગ્રેજી તથા ભાષાવિજ્ઞાન સાથે એમ.એ.ની ડિગ્રી પણ પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. તેથી 1919માં તેમને પ્રેમચંદ રાયચંદ છાત્રવૃત્તિ મળી. સરકારી છાત્રવૃત્તિ પર તેઓ ભાષાવિષયક સંશોધન માટે લંડન ગયા, ત્યાં તેમણે ‘ભારતીય યુરોપીય ભાષાવિજ્ઞાન – બંગાળી ભાષાનો ઉદભવ અને વિકાસ’ અંગે સંશોધન કરીને 1927માં ડી.લિટ્.ની પદવી મેળવી.
ત્યાંથી તેઓ પૅરિસ ગયા અને ઑસ્ટ્રો-એશિયાઈ ભાષાઓ વિશે તેમણે સંશોધન કર્યું. ભારત પાછા ફર્યા અને કલકત્તા યુનિવર્સિટીમાં 1952 સુધી ભાષાવિજ્ઞાન અને ધ્વનિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1935, 1938, 1948, 1949 અને 1950માં વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમણે કલકત્તા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું. 1951–52માં તેઓ સાઉથ એશિયા સ્ટડીઝ, પૅન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા.
1952–65 દરમિયાન તેઓ પશ્ચિમ બંગાળ વિધાનપરિષદના અધ્યક્ષ, 1956–57 દરમિયાન ભાષા આયોગના સભ્ય અને સંસ્કૃત આયોગના અધ્યક્ષ રહ્યા. 1960માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ જીવનપર્યંત રહ્યા.
તેમણે ગુજરાતના વૈષ્ણવ સંપ્રદાય વિશે એક પુસ્તક લખ્યું છે. બંગાળીમાં તેમણે 15 ગ્રંથો આપ્યા છે. ‘બાંગ્લા ભાષાતત્વેર ભૂમિકા’ (1929), ‘ભાષા પ્રકાશ’, ‘બાંગ્લા વ્યાકરણ’ (1939), ‘જાતિ, સંસ્કૃતિ ઓ સાહિત્ય’ (1944), ‘ભારત સંસ્કૃતિ’ (1944), ‘સાંસ્કૃતિકી’ (1962) અને ‘ભારતેર ભાષાગુલિ’ (1963) તેમના પ્રમુખ ગ્રંથો છે. આ ઉપરાંત તેમણે અંગ્રેજીમાં 21 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઓરિજિન ઍન્ડ ડેવલપમેન્ટ ઑવ્ બંગાળી લૅંગ્વેજિજ’, ‘ઇન્ડો-આર્યન ઍન્ડ હિંદી’, ‘કિરાત-જન-કૃતિ’, ‘આફ્રિકનિઝમ’, ‘ધ આફ્રિકન પર્સનાલિટી’, ‘ઇન્ડિયનિઝમ ઍન્ડ ઇટ્સ સિન્થેસિસ’, ‘લૅંગ્વેજિજ ઍન્ડ લિટરેચર ઑવ્ મૉડર્ન ઇન્ડિયા’, ‘વર્લ્ડ લિટરેચર ઑવ્ ટાગોર’ વગેરેનો સમાવેશ થાય છે.
1955માં તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ તથા 1963માં ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ તેમજ 1961માં તેમને રોમ યુનિવર્સિટી, 1965માં દિલ્હી યુનિવર્સિટી, 1968માં રવીન્દ્રભારતી, ઑસ્માનિયા યુનિવર્સિટી અને 1969માં કલકત્તા યુનિવર્સિટી તરફથી ડી.લિટ્.ની પદવી એનાયત થયાં.
તેઓ અંગ્રેજી ઉપરાંત ગ્રીક, લૅટિન, અરબી, ડચ, જર્મન, સંસ્કૃત, અવેસ્તા અને ઈરાની ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ અનેક ભારતીય ભાષાઓનું જ્ઞાન પણ ધરાવતા હતા.
ચન્દ્રકાન્ત મહેતા