ચેટરજી, રામાનંદ (જ. 28 મે 1865, પાઠકપરા, બંગાળ; અ. 30 સપ્ટેમ્બર 1944, કોલકાતા) : સુપ્રસિદ્ધ ભારતીય પત્રકાર. સ્વતંત્રતા પૂર્વે લગભગ અડધી સદી સુધી અંગ્રેજી શાસન સામે લડત ચલાવનારાં તે સમયનાં નોંધપાત્ર સામયિકો ‘મૉડર્ન રિવ્યૂ’ (અંગ્રેજી), ‘વિશાલ ભારત’ (હિંદી) તથા ‘પ્રવાસી’(બંગાળી)ના તંત્રી અને પ્રકાશક રામબાબુનો જન્મ નિર્ધન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અનેક કઠણાઈઓ વેઠી બી.એ. અને એમ.એ. પરીક્ષાઓમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. ઇલાહાબાદમાં કાયસ્થ પાઠશાળાના આચાર્યપદે તેઓ થોડો સમય રહ્યા.

રામાનંદ ચેટરજી

દરમિયાન ઇતિહાસ, રાજકારણ, અર્થકારણ અને વિજ્ઞાનનાં ક્ષેત્રોનો ઘેર રહ્યે અભ્યાસ કર્યો. 1901માં ઇલાહાબાદથી બંગાળી માસિક ‘પ્રવાસી’ શરૂ કર્યું. 1906માં ‘મૉડર્ન રિવ્યૂ’ અંગ્રેજી માસિક તથા તે પછી કૉલકાતાથી હિંદી માસિક ‘વિશાલ ભારત’નું સંપાદન–પ્રકાશન શરૂ કર્યું. કલકત્તા સિટી કૉલેજનું આચાર્યપદ પોતાના ગુરુને માટે જતું કર્યું. વિદેશી શાસનને પડકારવાના તેમના નિર્ધારને ધન, પદ આદિ જેવાં પ્રલોભનો ડગાવી શક્યાં નહિ. તે માટે તેમણે કારાવાસ પણ વેઠેલો. આઠ જ મહિનામાં રામબાબુનાં સામયિકોના માથે તે સમયમાં ભારે ગણાય તેવું રૂ. 1800નું દેવું થયું. પ્રાંત અધિકારીએ તેમને પ્રાંત છોડી જવા આદેશ આપ્યો. કારાવાસ અને ફલત: પોતાનાં પ્રિય પત્રોને બંધ પડતાં અટકાવવા રામબાબુએ એ અન્યાયી આજ્ઞા પાળી. 1908માં તે કૉલકાતા રહેવા ગયા. ભારતના ગૌરવને પ્રગટ કરે એવા લેખો સાથે સાથે તે શાસનના વૃત્તાંતોના આધારે આંકડા સાથે અર્થકારણ, રાજકારણ, શિક્ષણ, સમાજ આદિ ક્ષેત્રોમાં નોંધો લખતા. તેમનું આકર્ષણ શ્રી અરવિંદ જેવાને પણ જકડી રાખે તેવું હતું. તેમની સિદ્ધાંતનિષ્ઠા અપૂર્વ હતી. તેમણે મોતીલાલ નહેરુના ‘ઇન્ડિપેન્ડન્ટ’નું સંપાદન નકાર્યું; કૉંગ્રેસ પ્રમુખપદ માટે એની બેસન્ટના સમર્થનમાં રવીન્દ્રનાથ ઠાકુરની દલીલોનો પ્રતિકાર કર્યો. ‘વંદે માતરમ્’ વિશે પણ નમતું જોખ્યું નહિ. રવીન્દ્રનાથ થોડો સમય રિસાયા પણ, ભૂલ સ્વીકારી પાછા ગાઢ મિત્ર બન્યા. ‘મૉડર્ન રિવ્યૂ’ની ખ્યાતિ વિદેશોમાં પણ ફેલાતાં 1926માં તેમને જિનીવા પરિષદમાં ઉપસ્થિત રહેવા સરકારે આમંત્રણ આપ્યું. રામબાબુ ગયા, પણ સ્વખર્ચે. રામબાબુનું જીવન સાચા તપસ્વીનું હતું. જે કંઈ આવક થાય તે સઘળી તે પોતાનાં પત્રો પાછળ ખર્ચી નાખતા. તે શાકાહારી હતા અને કઠણ પથારી પર સૂતા અને દિવસના 18 કલાક પરિશ્રમ કરતા. પોતાનાં સામયિકો દ્વારા તેમણે દેશવાસીઓને તથા પરદેશીઓને બુલંદ સ્વરે સમજાવ્યું કે ‘શ્રેષ્ઠ ધર્મ અને શ્રેષ્ઠ તત્વજ્ઞાન સહિત વિશ્વમાં જે કંઈ ઉત્તમ અને મહાન છે, તે સર્વનું ઉદગમસ્થાન ભારત છે…’ 8 વર્ષ સુધી વ્યાધિઓ સામે લડતા રહી તેમણે કાર્ય ચાલુ રાખ્યું. જાંઘના હાડકાના ભાંગવા સાથે પથારીવશ થયા. ઑક્ટોબર, 1944નો ‘મૉડર્ન રિવ્યૂ’નો અંક તપાસીને બાંધણી માટે મોકલાયો, તે પછી સાંજે સાડાસાત વાગ્યે આ મહાન પત્રકારનું અવસાન થયું. છેલ્લી પળોમાં પણ તે મોટી પુત્રી સીતાદેવી સાથે ઉલ્લાસપૂર્વક વાતો કરતા હતા.

બંસીધર શુક્લ