ચૂષક મૂળ (sucker root) : યજમાન(host)ના શરીરમાંથી પોષક તત્વો મેળવવા પરોપજીવી આવૃતબીજધારી (angiosperm) વનસ્પતિઓમાં વિકાસ પામેલ અસ્થાનિક (adventitious) મૂળ. આ મૂળ યજમાનની પેશીઓમાં પ્રવેશી બંનેનાં સંવહન પેશીતંત્રને જોડે છે. અમરવેલ જેવી સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિનાં ચૂષકો યજમાનની અન્નવાહક અને જલવાહક પેશીમાંથી અનુક્રમે કાર્બનિક પોષક દ્રવ્યો અને પાણી તેમજ ખનિજ ક્ષારો શોષે છે. અપૂર્ણ પરોપજીવી(દા. ત., વાંદા)નાં ચૂષક મૂળ મુખ્યત્વે યજમાનની જલવાહક પેશીમાં દાખલ થઈને પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે.
પરોપજીવી ફૂગ યજમાનની સપાટી પર અથવા ઘણે ભાગે તેની પેશીઓમાં પ્રવેશે છે. જો પરોપજીવી ફૂગનું મિસિતંતુ (mycelium) આંતરકોષીય હોય તો પોષિતાના કોષની કોષદીવાલ કે રસસ્તરમાંથી પોષક દ્રવ્યનું શોષણ કરે છે. સદા પરોપજીવી આંતરકોષીય મિસિતંતુ ધરાવતી ફૂગ વિશિષ્ટ નલિકાકાર શોષક અંગો ઉત્પન્ન કરે છે, જે યજમાનની કોષદીવાલને ભેદીને તેમાં પ્રવેશ કરે છે અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે, તેમને પણ ચૂષકો (haustoria)કહે છે. તે લાંબા, નલિકાકાર અથવા શાખી કે છેડેથી કંદૂક જેવી રચના ધરાવતા હોય છે.
આવૃતબીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણવિકાસ દરમિયાન ભ્રૂણના પોષણ માટે પરાગનલિકા, મહાબીજાણુ, ભ્રૂણપુટ, ભ્રૂણપોષ કે નિલંબ જેવાં અંગો દ્વારા ચૂષકની રચના ઉદભવે છે. તે અંડકના અંડાવરણ, પ્રદેહતલ, અંડનાલ કે જરાયુ સુધી વૃદ્ધિ પામી તેમાંથી પોષક દ્રવ્યો શોષીને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે.
બળદેવભાઈ પટેલ