ચૂનો (રસાયણશાસ્ત્ર) : કૅલ્શિયમ ઑક્સાઇડનું સામાન્ય નામ. સામાન્ય રીતે તેમાં થોડા પ્રમાણમાં મૅગ્નેશિયમ ઑક્સાઇડ તથા સિલિકાયુક્ત માટી તેમજ લોહની અશુદ્ધિઓ પણ હોય છે.
ભારતમાં પ્રાચીન સમયથી ચૂનાનો ઉદ્યોગ અસ્તિત્વમાં છે. બાંધકામમાં વપરાતો ચૂનો ચૂના-પથ્થર(limestone)ને પીસીને તૈયાર કરાય છે. ભારતમાં ઓરિસા, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ તથા રાજસ્થાનમાં આ ઉદ્યોગ સારી રીતે વિકસ્યો છે. ચૂના-પથ્થરનો અનુમાનિત ભંડાર અંદાજે 53 અબજ મીટર-ટન છે. ભારતમાં હાલમાં તેનું ઉત્પાદન લગભગ 350 લાખ મીટર-ટન છે. ચૂના-પથ્થરો જળકૃત ખડકો છે જે મુખ્યત્વે કૅલ્શિયમ તથા મૅગ્નેશિયમ કાર્બોનેટના બનેલા હોય છે. તેનાં ખનિજોમાં કૅલ્સાઇટ [CaCO3) તથા ડૉલોમાઇટ [CaMg (CO3)2] ઉપરાંત ઍરેગોનાઇટ પણ છે. પરવાળાં તથા સીપ, આરસ, ચૉક, કોરલ વગેરે ચૂનાના વિવિધ પદાર્થો છે. ચૂનાનો ઉદ્યોગ પાયાનો ઉદ્યોગ છે અને ટનેજમાં તે સલ્ફ્યુરિક ઍસિડ પછી બીજા નંબરે આવે છે. તે મકાનોના બાંધકામમાં વપરાતો હોવા છતાં 90 % રસાયણ તરીકે વપરાય છે. ચૂના-પથ્થરો તેમાંના મૅગ્નેશિયમ કાર્બોનેટના ટકાવાર પ્રમાણ ઉપરથી ઉચ્ચ કૅલ્શિયમ લાઇમસ્ટોન (Mg < 5 %), મૅગ્નેશિયમ લાઇમસ્ટોન (Mg 5–30 %), ડૉલોમાઇટ લાઇમ-સ્ટોન (Mg 30–40 %) કહેવાય છે.
સૂકવેલા ચૂનાના નાના ગાંગડા અથવા તેના દળેલા ભૂકાને રોટરી-ભઠ્ઠીમાં (1100-1400° સે.) ગરમ કરતાં તેમાંથી CO2 નીકળી જતાં કૅલ્શિયમ ઑક્સાઇડ મળે છે. આ પ્રક્રિયાને કૅલ્સિનેશન કહે છે : કૅલ્શિયમ ઑક્સાઇડ કળીચૂનો અથવા કૉસ્ટિક લાઇમ તરીકે ઓળખાય છે. તેનો પાણી સાથે સંસર્ગ થતાં ખૂબ ઉષ્મા ઉત્પન્ન થઈને છેવટે કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ બને છે. –18° સે. તાપમાને રાખેલું 2 રતલ જેટલું પાણી 1 રતલ કળીચૂના સાથે પ્રક્રિયા થતાં ઊકળવા લાગે તેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે.
હાઇડ્રૉલિક લાઇમ સિલિકા, ઍલ્યુમિના, લોહ વગેરે અશુદ્ધિવાળા ચૂના-પથ્થરમાંથી મેળવાય છે. કૅલ્સિનેશન પ્રક્રિયાથી ચૂનો આ અશુદ્ધિઓ સાથે સંયોજાઈ સિલિકેટ તથા ઍલ્યુમિનેટ સંયોજનો આપે છે. આવો ચૂનો પાણી ઉમેરાતાં સિમેન્ટની માફક મજબૂત રીતે જામી જાય છે. તેને મૉર્ટર કહે છે. મૉર્ટરમાંથી કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ Ca(OH)2ના સ્ફટિકો બનતાં તે સખત થાય છે. આ સ્ફટિકો રેતીના કણોને એકબીજા સાથે ચોંટાડી દે છે. પછી હવામાં ખુલ્લો રાખવાથી મૉર્ટર કાર્બન ડાયૉક્સાઇડ શોષીને કૅલ્શિયમ કાર્બોનેટ બનાવી વધુ ને વધુ સખત બનતો જાય છે.
જળયુક્ત લાઇમ Ca(OH)2 પ્રબળ આલ્કલી અને પ્રબળ ઍસિડને તટસ્થ કરીને CaSO4, MgSO4 તથા ક્લૉરાઇડનાં તટસ્થ લવણો બનાવે છે.
ચૂનાના ઉપયોગ : ચૂનાનો વિશાળ જથ્થો પોર્ટલૅન્ડ સિમેન્ટ બનાવવા વપરાય છે. ચૂનાને પિગાળેલા સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે મેળવવાથી સોડા લાઇમ બને છે. આ કૉસ્ટિક સોડા અને Ca(OH)2નું મિશ્રણ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ કરતાં ઓછું પ્રસ્વેદ હોઈને CO2 તથા બીજા ઍસિડિક વાયુ શોષવા વધુ સુગમ પડે છે. સ્ટીલ ઉદ્યોગમાં ચૂનો પ્રદ્રાવક (fluxing agent) તરીકે વપરાય છે. પાણીના શુદ્ધીકરણમાં, બિનલોહ ધાતુઓ(Al, Cu, Mg વગેરે)ના નિષ્કર્ષણમાં, કાગળ ઉદ્યોગમાં, કાગળની લૂગદી માટે કૅલ્શિયમ બાઇસલ્ફાઇટ તૈયાર કરવામાં ચૂનો જરૂરી છે. સોડાઍશ (સોડિયમ કાર્બોનેટ) બનાવવા માટે એમોનિયા સોડા અથવા સોલ્વે વિધિમાં કળીચૂનો વપરાય છે. 1 ટન સોડાઍશ તૈયાર કરવા માટે ઉચ્ચ પ્રકારનો 7 ક્વિન્ટલ ચૂનો જરૂરી છે. સોડાઍશ જમીન-સ્થિરીકરણ (soil stabilization) અને જમીનની અમ્લતા(acidity)ના નિયંત્રણ ઉપરાંત જમીનના લાઇમિંગ માટે અગત્યનું છે. ચૂનો જમીનમાંના નષ્ટ થતા કાર્બનિક પદાર્થો ઉપર પ્રક્રિયા દ્વારા તેમને અંશત: જળવિહીન કરીને તેમનું વિઘટન કરે છે. પરિણામે બાકી રહેલાં સંયોજનો પાક ઊગવાના કામમાં આવે છે. કળીચૂના તથા કોકને વિદ્યુતભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરીને કૅલ્શિયમ કાર્બાઇડ તૈયાર કરાય છે, જે ઍસિટીલીન વાયુ બનાવવા વપરાય છે. ચૂનાનો હાઇપોક્લોરાઇટ (CaOCl2 બ્લીચિંગ પાઉડર) વિરંજક તરીકે વપરાય છે. ચૂનાનાં આર્સનિક લવણો કીટનાશક છે. ચૂના તથા મોરથૂથુંનું મિશ્રણ ફૂગનાશક છે. ઔષધ તથા સ્ફોટક દ્રવ્યોના કારખાનામાંથી બહાર કઢાતું પ્રદૂષિત પાણી તથા તેની અમ્લતા ચૂના દ્વારા તટસ્થીકરણથી દૂર કરાય છે. ગોળ તૈયાર કરવા જિલેટીન માટે તેમજ ખનિજ તેલના પરિષ્કરણ માટે ચૂનો વપરાય છે. ચામડા ઉદ્યોગમાં ચામડા ઉપરના વાળ દૂર કરવા પણ ચૂનો વપરાય છે.
જ. પો. ત્રિવેદી