ચુઘતાઈ, ઇસ્મત [જ. 21 ઑગસ્ટ 1915, બદાયૂં (Badayun) ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1991, મુંબઈ] : ઉર્દૂ સાહિત્યનાં આધુનિક વાર્તાલેખિકા. સઆદત હસન મન્ટો, બેદી અને કૃષ્ણચંદ્ર જેવા મહાન લેખકો સાથે તેમની ગણના થાય છે. વાર્તામાં તેમણે આદર્શવાદના સ્થાને વાસ્તવિકતાને મહત્વ આપ્યું. જે કંઈ લખ્યું તે પોતે જોયેલું અને અનુભવેલું છે એમ તેમનું કહેવું છે. લેખિકાનો જન્મ અને ઉછેર મધ્યમવર્ગના મુસલમાન પરિવારમાં થયો. આવાં કુટુંબોમાં ખાસ કરીને યુવાન મહિલાઓ પડદો પાળતી, પૂર્ણ અને મુક્ત જીવન જીવવાની ઇચ્છાને દાબી દેતી, ઘરની ચાર ભીંતો વચ્ચે તથા ગૂંગળાવી દેતું જીવન જીવતી, તે તેમણે નીરખ્યું. મહિલાઓ પર આવાં નિયંત્રણો લાદવાથી વિકૃતિઓ અને માનસશાસ્ત્રીય ગ્રંથિઓ સર્જાય છે, જેથી તેમનું સમગ્ર જીવનમાળખું પીંખાઈ જાય છે. એમાંથી અવૈધ સંબંધો, અવૈધ સંતાનોનાં જન્મ, લગ્નેતર સંબંધો આદિ દૂષણો સમાજમાં પ્રવેશે છે. ઇસ્મતમાં બાળપણથી જ આ વિષયોની સભાનતા હોવાથી તેમણે આ બધું સૂક્ષ્મતાથી અવલોક્યું – ખૂણામાં લપાઈને, પડદા પાછળ છુપાઈને, પથારીમાં પડ્યા રહીને, ખાટલા તળે લપાઈને ગોપનીય હતું તે પોતે પ્રત્યક્ષ જોયું. આવી વાતો અને આવાં ર્દશ્યો તેમણે વિગતવાર સ્મૃતિપટ પર ઝીલ્યાં. આગળ ઉપર તેમણે તે બધાંનું એવું વિશદ વર્ણન કર્યું કે તેમની શૈલીએ ખળભળાટ મચાવ્યો. ‘લિહાફ’ તેમની સૌથી વધારે વિવાદાસ્પદ વાર્તા રહી. તેમાં સજાતીય સંબંધનો પ્રશ્ન આલેખાયો છે. ‘ચૌથી કા જોડા’માંનો રાહત લગ્ન પહેલાં જ સાળી જોડે સંબંધ બાંધી બેસે છે. ‘દો હાથ’માં મોરચે ગયેલા રામાવતારની ઝાડુવાળી પત્ની ગૌરી અવૈધ બાળકને જન્મ આપે છે, જેનો તેના બે કામગરા હાથ સારુ ઘરનાં સૌ વિના સંકોચે સ્વીકાર કરી લે છે. ઇસ્મતની મોટા ભાગની વાર્તાઓ જાતીય સંબંધોને સ્પર્શે છે, એટલી હદે કે તેમના પર અશ્લીલતાનાં લેખિકા હોવાનો આક્ષેપ થયો અને ‘લિહાફ’ માટે તેમને ન્યાયાલયમાં પણ ઢસડાવું પડ્યું. જોકે તેમને આંચ આવી નહિ. કેટલાક સમય માટે ઇસ્મત પ્રગતિશીલતાના પવનમાં ખેંચાયેલ. આ ગાળાની તેમની વાર્તાઓમાં કલાતત્વની ઊણપ વરતાય છે. ‘દો હાથ’નો અંતભાગ તેનું પ્રમાણ છે. ‘બિચ્ચો ફૂફી’માં નાયિકા તેના ભાઈ પ્રત્યે અણગમો દર્શાવતી છતાં તેને હૃદયથી ચાહે છે. ‘બેકાર’માં મુસલામન દંપતીમાં આવો જ લાગણીનો સંબંધ વણ્યો છે. આ આલેખનોમાં મધ્યમવર્ગી મુસલમાનોની ભાષા પરનું પ્રભુત્વ લેખિકાને ઘણું ઉપયોગી થયું છે. ઢળતી વયે તેમની લેખનપ્રવૃત્તિમાં ઓટ આવે છે. પતિ શાહીદ લતીફ. તેમની ઇચ્છાનુસાર તેમના શબને હિંદુસ્મશાનમાં અગ્નિસંસ્કાર દેવાયો હતો.
બંસીધર શુક્લ