ચુકવણાના વિનિયોગના નિયમો

ચુકવણાના વિનિયોગના નિયમો : એક જ લેણદારનાં જુદાં જુદાં દેવાં દેવાદારે ચૂકવવાનાં હોય ત્યારે તેણે ચૂકવેલી રકમ(payment)-નો વિનિયોગ(appropriation) અનેક દેવાં પૈકી કયા દેવા સામે થઈ શકે તે અંગેના નિયમો. જ્યારે કોઈ દેવાદાર એકના એક જ લેણદારને જુદાં જુદાં દેવાં ચૂકવવા માટે જવાબદાર હોય તેવા સંજોગોમાં દેવાદારે લેણદારને કોઈ રકમ ચૂકવી હોય ત્યારે સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે કે આ ચુકવણું કયા દેવા સામે કરેલું ગણી શકાય. આ અંગેના નિયમો ચુકવણાના વિનિયોગના નિયમો કહેવાય છે. તેમની છણાવટ ભારતીય કરાર અધિનિયમ(Indian Contract Act)ની કલમ ૫૯થી ૬૧માં કરવામાં આવી છે. અંગ્રેજી કાયદાશાસ્ત્રમાં ક્લેટનના કેસમાં ઠરાવેલા નિયમો ઉપર વધતોઓછો આધાર રાખીને ભારતમાં આ કલમો ઘડવામાં આવી છે.

(1) દેવાદારનો વિનિયોગનો હક : જો દેવાદાર લેણદારને ભિન્ન ભિન્ન દેવાં ચૂકવવા જવાબદાર હોય અને ચુકવણાં સમયે તે સ્પષ્ટ જાણ કરે અથવા સંજોગોથી ગર્ભિત હોય કે ચુકવણું અમુક નિશ્ચિત દેવું ભરપાઈ કરવા માટે છે તથા લેણદાર જો ચુકવણું સ્વીકારે તો ચુકવણાનો વિનિયોગ તે નિશ્ચિત દેવા સામે જ થઈ શકે (ક ૫૯). દેવાદારે આ પ્રમાણે જાણ કરી હોય અને લેણદારે તે પ્રમાણે વિનિયોગ કર્યો હોય તો લેણદાર પાછળથી તે વિનિયોગને ઉલટાવી શકે નહિ અથવા તેમાં ફેરફાર કરી શકે નહિ. દેવાદારે સૂચિત કરેલા વિનિયોગ સાથે લેણદાર સંમત ન હોય તો તેણે ચુકવણું સ્વીકારવાનો ઇન્કાર કરવો પડે; પરંતુ તે વાંધા સાથે તેનો સ્વીકાર કરી શકે નહિ. એક જ દેવું હપતાથી ચૂકવવા પાત્ર હોય તો આ કલમ લાગુ પડતી નથી.

(2) લેણદારનો વિનિયોગનો હક : દેવાદારે ચુકવણું કરતી વખતે કોઈ પ્રકારની જાણ કરી ન હોય અથવા ચુકવણું કયા દેવા સામે વિનિયોગ કરવું તે અંગે નિર્દેશ કરતા સંજોગો અસ્તિત્વમાં ન હોય તો જેમની વસૂલાત કરવા માટે દીવાની દાવો કરવાનો સમય વીત્યો હોય કે ન હોય તેવાં કાયદેસરનાં બાકી રહેલાં વાસ્તવિક દેવાં પૈકી કોઈ પણ દેવા સામે લેણદાર પોતાની વિવેકબુદ્ધિથી ચુકવણાનો વિનિયોગ કરી શકે છે (ક. 60). વળી લેણદાર તારણવાળા (secured) દેવાને બદલે તારણ વિનાના દેવા સામે અને મુદ્દલને બદલે વ્યાજના સામે ચુકવણાંનો વિનિયોગ કરી શકે છે.

વિનિયોગનો ક્રમ : બંનેમાંથી કોઈ પણ પક્ષકારે ચુકવણાંનો વિનિયોગ કર્યો ન હોય તો દીવાની દાવો કરવાનો સમય વીતી ગયો હોય તેવાં દેવાં સહિત બધાં દેવાં સામે તેમના કાલક્રમ પ્રમાણે ચુકવણાંનો વિનિયોગ કરવો પડે. બધાં દેવાં એક જ સમયનાં હોય તો ચુકવણાંનો વિનિયોગ ભાગે પડતો (proportionately) કરવો પડે. દેવું ચડતા વ્યાજનું હોય તો ચુકવણાંનો વિનિયોગ પ્રથમ વ્યાજ સામે કરવો પડે (ક. 61).

જયન્તિલાલ પો. જાની