ચીલ : દ્વિદળી વર્ગમાં આવેલા ચીનોપોડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Chenopodium album Linn. (સં. ચિલ્લિકા, ચંડિકા; મ. ચંદન બટવા, ગોડછીક, તાંબડી, ચીક, ચાકોલીઆચી ભાજી; હિં. ચિલ્લી, બડાબથુવા; બં. ચંદનબેટુ; ક. ચંદન બટ્ટવે; ફા. સરમક; અ. કુતુફ; અં. વાઇલ્ડ સ્પિનિઝ, વ્હાઇટ ગૂઝફૂટ) છે. તે બહુસ્વરૂપી (polymorphic), સફેદ, ટટ્ટાર 30–90 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે. સમગ્ર ભારતમાં 4700 મી.ની ઊંચાઈ સુધી પડતર જમીનમાં વન્યસ્થિતિમાં થાય છે અથવા ઉછેરવામાં આવે છે. પ્રકાંડ મોટે ભાગે મજબૂત, કોણીય અને ઘણી વાર લીલા, લાલ કે જાંબલી પટ્ટાઓવાળું હોય છે. પર્ણો સાદાં, ચતુષ્કોણીય (rhomboid), ત્રિકોણાકાર(deltoid)થી માંડી ભાલાકાર, 10–15 સેમી. લાંબાં, ઉપરનાં પર્ણો અખંડિત, નીચેનાં દતુંર (toothed) કે અનિયમિતપણે ખંડિત અને સદંડી હોય છે. કૃષિજાતોમાં પર્ણો પરિવર્તી (variable) હોય છે. પુષ્પો શૂકી (spike) સ્વરૂપે સઘન કે શિથિલ રીતે ગોઠવાયેલાં હોય છે અને લઘુપુષ્પગુચ્છ (panicle) બનાવે છે. ફળ ર્દતિ (utricle) પ્રકારનું હોય છે. બીજ કાળાં, ચપટાં, ગોળ અને ચળકતાં હોય છે. એક છોડ ઉપર 50,000 જેટલાં બીજ ઉત્પન્ન થાય છે.
ચીલને કૃષિવિજ્ઞાનક્ષેત્રે નીંદણ ગણવામાં આવે છે. કોઈ પણ પાકમાં ઊગતી બિનજરૂરી વધારાની વનસ્પતિને નીંદણ કહે છે. તેનાથી પાકના ઉત્પાદન ઉપર અસર થતી હોવાથી તેને દૂર કરવી હિતાવહ છે. ચીલના છોડ રવિપાકમાં ખાસ કરીને ઘઉં, બટાટા, જવ, રાઈ, ચણા, રજકો સાથે વધારે પ્રમાણમાં ઊગતા હોય છે.
કુલુ ખીણમાં ઉત્તર-પશ્ચિમની ટેકરીઓ પર 1500–2100 મી.ની ઊંચાઈએ પર્ણો અને બીજ માટે ચીલ ઉગાડવામાં આવે છે. ચીલ ચોખા, સોયાબીન, બટાટા અને મકાઈ સાથે મિશ્ર પાક તરીકે વવાય છે. ઉનાળુ પાક કેટલેક અંશે કડવો હોય છે. તે બધા જ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થાય છે. વધારે ઊંચાઈએ એપ્રિલમાં અને ઓછી ઊંચાઈએ જૂન-જુલાઈમાં વાવવામાં આવે છે. પાક 135–146 દિવસે પરિપક્વ બને છે. છોડ લણી, સૂકવી, ઝૂડીને દાણા માટે ઊપણવામાં આવે છે. મૅગ્નેશિયમ તત્વથી છોડની વૃદ્ધિ ઉત્તેજાય છે. આ વનસ્પતિ મૅગ્નેશિયમની દર્શક (indicator) છે. નીંદણ તરીકે તે ઘઉંને ઘણું નુકસાન પહોંચાડે છે. એક વાર ચીલનું બીજ ખેતરમાં પડે તો બીજે વર્ષે તેમાંથી અસંખ્ય છોડ ઊગી નીકળે છે. તેને દૂર કરવા ખેડૂતોને ઘણો ખર્ચ કરવો પડે છે. તેના નાશ માટે કે તેને કાબૂમાં લેવા પાક વાવતાં પહેલાં સીમાઝીન કે એટ્રાઝીન પ્રકારની નીંદણનાશક દવા એક હૅક્ટરે 2 કિગ્રા. પ્રમાણે અથવા તો પાક વાવ્યા બાદ 2, 4–D (2, 4-ડાઇક્લોરોફિનોક્સિ ઍસેટિક ઍસિડ) એક હૅક્ટરે 2 કિગ્રા. પ્રમાણે વાપરવી હિતાવહ છે. ફલોદ્યાન(orchard)માં અંકુર અવસ્થાએ ડાયુરોનના છંટકાવથી સારાં પરિણામો મળ્યાં છે. આ જાતિ વાયુ-પ્રત્યૂર્જતાજનક (aeroallergens) ઉત્પન્ન કરે છે.
20 સેમી.થી નાનો છોડ શાકભાજી તરીકે ઉપયોગી છે. કુમળા પ્રરોહો કચુંબર તરીકે કે દહીં સાથે ખવાય છે. તેની સ્વાદિષ્ટ કઢી બનાવાય છે. તેનો સૂકવીને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય છે. તેનો ચારા તરીકે ઉપયોગ થાય છે. કબૂતર આ છોડનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. પર્ણોમાં પોટૅશિયમ અને વિટામિન C વિપુલ પ્રમાણમાં હોય છે.
પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 89.6 %, પ્રોટીન 3.7 %, લિપિડ 0.4 %, રેસો 0.8 %, અન્ય કાર્બોદિતો 2.9 % અને ખનિજ-દ્રવ્ય 2.6 %, કૅલ્શિયમ 150 મિગ્રા., ફૉસ્ફરસ 80 મિગ્રા., આયર્ન 4.2 મિગ્રા., થાયેમિન 0.01 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.14 મિગ્રા., નાયેસિન 0.6 મિગ્રા., વિટામિન C 35 મિગ્રા., કૅરોટિન 1,740 માઇક્રોગ્રા. અને ઊર્જા 30 કિ. કૅલરી/100 ગ્રા., ઝિંક 24.0, આયોડિન 0.98, ફ્લોરિન 6.3 (શુષ્ક વજનને આધારે); અને વિટામિન K 250 પીપીએમ.. પર્ણ પ્રોટીનમાં ઍમિનોઍસિડનું વિશ્લેષણ આ પ્રમાણે છે : લ્યુસિન 6.56 ગ્રા., આઇસોલ્યુસિન 7.04 ગ્રા., લાયસિન 12.0 ગ્રા., મિથિયોનિન 0.8 ગ્રા., ફિનિલએલેનિન 1.76 ગ્રા., થ્રિયોનિન 2.72 ગ્રા., વેલાઇન 4.64 ગ્રા. અને ટ્રિપ્ટોફેન 0.32 ગ્રા./16 ગ્રા. N.
ઘેટાં અને સૂવર માટે પરિપક્વ છોડ વધારે પ્રમાણમાં લાંબા સમય સુધી ખાવામાં આવે તો તે સંભવત: ઑક્સેલિક ઍસિડને કારણે ઝેરી છે. પર્ણોમાં દ્રાવ્ય ઑક્સેલેટ પુષ્કળ પ્રમાણમાં (કુલ 1.423 % અને દ્રાવ્ય 0.873 % તાજા દ્રવ્યને આધારે) હોય છે. કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ઑક્સેલેટ અદ્રાવ્ય હોય છે. તેમાં મૅગ્નેશિયમ ઑક્સેલેટ મુખ્ય છે. ઑક્સેલેટ કૅલ્શિયમ સાથે આંતરક્રિયા કરે છે અને અલ્પકૅલ્શિયમરક્તતા(hypocalcemia)ને ઉત્તેજે છે. પર્ણોમાં કૉપર ધરાવતું ઍસિડિક પ્રોટીન હોય છે. તેને પ્લેન્ટેક્યુપ્રિન કહે છે. ઉપરાંત, પર્ણોમાં ક્વિર્સેટિન અને કોલાઇન હોય છે. મોટે ભાગે પુષ્પોમાં ઑલિયેનોલિક ઍસિડ હોય છે. છોડમાં ટ્રાઇગોનેલિન અને ચીનોપોડિન નામનાં આલ્કેલૉઇડ અને બાષ્પશીલ તેલ હોય છે. કચરેલાં પર્ણોમાંથી પ્રાપ્ત કરેલ બાષ્પશીલ તેલ Aspergillus funigatus અને Drechslera oryzaeનાં બીજાણુઓના અંકુરણને અવરોધે છે. તેથી આ છોડનો ઉપયોગ તે ફૂગોની વ્યાપકતા અટકાવવા માટે થઈ શકે છે. પર્ણોનો રસ તમાકુને લાગુ પડતા વાઇરસ(ટોબેકો મોઝેક વાઇરસ, TMV)ને અવરોધે છે.
બીજનો ઉપયોગ ભાતની કે ઓટના લોટની જેમ દાળની સાથે થઈ શકે છે. તે ચોખા, બાજરી અને ઘઉં કરતાં વધારે પોષણમૂલ્ય ધરાવે છે. તેનો ઉપયોગ સૂપ કે શીરો બનાવવામાં પણ થાય છે. તેના લોટમાંથી પૂરી અને રાબ બનાવાય છે. કુલુની ખીણમાં તેના બીજનો ફામ્બ્રા તરીકે જાણીતી ભોજનની થાળી બનાવવા ઉપયોગ થાય છે. સિમલામાં બીજના આથવણ દ્વારા ‘સુરા’ નામનું પીણું અને ‘ઘાંટી’ નામનું આલ્કોહૉલીય પીણું બનાવવામાં આવે છે. બીજનો ઉપયોગ ઢોરોના અને મરઘાં-બતકાંના ચારા માટે થાય છે. શુષ્કતાને આધારે બીજનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 16.8 %, લિપિડ 8.4 % અને રેસો 12.8 %. બીજના પ્રોટીનમાં ઍમિનોઍસિડનું વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : આર્જિનિન 8.96 ગ્રા., હિસ્ટિડિન 2.40 ગ્રા., લ્યુસિન 6.19 ગ્રા., આઇસોલ્યુસિન 3.68 ગ્રા., લાયસિન 4.96 ગ્રા., મિથિયોનિન 1.94 ગ્રા., ફિનિલઍલેનિન 3.64 ગ્રા., સિસ્ટેઇન અને સિસ્ટિન 2.14 ગ્રા., થ્રિયોનિન 3.45 ગ્રા., ટ્રિપ્ટોફેન 1.65 ગ્રા., ટાયરોસિન 2.38 ગ્રા. અને વૅલાઇન 4.54 ગ્રા./16 ગ્રા. N. બીજમાંથી મેદીય તેલ પ્રાપ્ત થાય છે. બીજનો સંકેન્દ્રિત કાઢો લેવાથી ગર્ભપાત થાય છે.
આ વનસ્પતિ રેચક (laxative), કૃમિહર (anthelmintic) અને હૃદ્-બલ્ય (cardiotonic) છે. પર્ણો પ્રતિસ્કર્વી (anti-ascorbutic) હોય છે. તે ઍસ્કેરિડોલ ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ સૂત્રકૃમિ અને અંકુશકૃમિઓનો નાશ કરવામાં થાય છે. પર્ણોનો રસ દાઝ્યા ઉપર લગાડવામાં આવે છે. સામાન્ય ખોરાક સાથે છોડનું ચૂર્ણ (25–50 %) ભેળવતાં મદચક્ર (oestrus cycle) અવરોધાય છે. જોકે પર્ણનો આલ્કોહૉલીય નિષ્કર્ષ કોઈ અસર દર્શાવતો નથી. ઉત્તેજના કે પ્રકોપને શાંત પાડવા પર્ણોનું સૂક્ષ્મ ચૂર્ણ આપવામાં આવે છે. છોડના જમીનની ઉપર થતા ભાગોમાંથી બનાવેલા કાઢાને આલ્કોહૉલ સાથે મિશ્ર કરી સંધિશોથ (arthritis) અને આમવાત (rheumatism) પર ઘસવામાં આવે છે. તરુણ પ્રરોહો લીલો રંગ ઉત્પન્ન કરે છે.
હવામાં ફેલાતી પરાગરજથી ગ્રીષ્મ પરાગજ્વર (hayfever) થાય છે; પરંતુ તેના નિષ્કર્ષનો ઉપયોગ અતિઅલ્પ સાંદ્રતાએ પરાગજ્વરના પ્રતિજન (antigen) તરીકે થાય છે. પરાગરજનો પ્રતિજનીય નિષ્કર્ષ (0.001 ગ્રા./મિલી.) પ્રત્યૂર્જક (allergic) દર્દીઓમાં ત્વચાની પ્રતિક્રિયા દાખવે છે. દમ અને ત્વગ્રોગ(dermatosis)ના દર્દીઓમાં IgE(ઇમ્યુનોગ્લોબ્યુલિન E)ની દમ અને નેત્રશ્ર્લેષ્મલાશોથ (conjuctivitis) સહિતના નાસાશોથ(rhinitis)ના દર્દીઓ કરતાં સરેરાશ વધારે ઊંચી હોય છે.
મૂળમાં હાઇડ્રૉક્સિઍક્ડાયસોન (β-ઍક્ડાયસોન) અને પૉલિપોડિન B હોય છે.
આયુર્વેદ અનુસાર ચીલ ત્રિદોષશામક, ખાટી, મધુર, ખારી પાકકાળે સ્વાદુ અને બળપ્રદ હોય છે. બીજનું તેલ બળવર્ધક, આંચકીનિવારક અને સ્નાયુના વિકારોમાં લાભદાયી હોય છે. બીજ વધારે ખવાય તો નુકસાનકારક થાય છે. આંગળાંનો સંધિવા, કંઠશોથ, કમળો, સ્ત્રીઓના મગજનો રોગ અને યકૃતના વિકાર માટે ચીલની ભાજીનું શાક ખવાય છે. ભાજી રેચક હોવાથી સંચિત દોષો બહાર નીકળી જાય છે.
કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા
બળદેવભાઈ પટેલ