ચીનોપોડીએસી : મોટે ભાગે દરિયાકિનારે અને ખારી ભૂમિમાં મળી આવતું એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિકુળ. કેટલીક વાર ક્ષુપ અને ભાગ્યે જ નાનાં વૃક્ષ (haloxylon); પ્રકાંડ સાંધામય અને માંસલ; પર્ણો સામાન્યત: એકાંતરિક, સાદાં, માંસલ; અનુપપર્ણીય; પુષ્પવિન્યાસ મિશ્ર, કલગી, સંયુક્ત કલગી અથવા નાના પરિમિત પુષ્પવિન્યાસોની શૂકિ સ્વરૂપે; પુષ્પો નાનાં, ઘણુંખરું લીલાં, નિયમિત, દ્વિલિંગી અથવા એકલિંગી હોય તો એકગૃહી કે દ્વિગૃહી, અધોજાયી (hypogynous). પરિદલપુંજ એકચક્રીય, મોટે ભાગે 5 અથવા 2 થી 5; વજ્રસર્દશ, દીર્ઘાયુ, ભાગ્યે જ નરપુષ્પોમાં અભાવ, ઘણી વાર વર્ધનશીલ, કોરછાદી (imbricate), પુંકેસરો પરિદલપત્રો જેટલાં; પરિદલપત્ર સમ્મુખ, અધોજાયી; તંતુઓ મુક્ત; પરાગાશય
દ્વિખંડી, તેમનું સ્ફોટન આયામ; દ્વિ-ત્રિયુક્ત-સ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશય, એકકોટરીય, તલસ્થ વક્રમુખી એક અંડક; પરાગવાહિની, 1થી 3 ફળ, કાષ્ઠફળ, અથવા અર્ટિકલ, દીર્ઘાયુ, પરિદલપુંજ મુક્ત, બીજમાં ભ્રૂણ વક્ર કે કુંતલાકાર, ભ્રૂણપોષી; પુષ્પીય સૂત્ર :
આ કુળમાં 102 પ્રજાતિ અને 1400 જાતિઓનો સમાવેશ; સમગ્ર વિશ્વમાં તેનું વિસ્તરણ.
જાણીતી જાતિઓ : Atriplex hortensis, L. (પાલખની ભાજી); Basella rubra, L. (પોઈ); Beta vulgaris, L. (બીટ); Chenopodium album, L. (ચીલની ભાજી); Spinacea oleracea, L. (પાલખની ભાજી); Suaeda maritima, Dumort (લૂણી).
બળદેવભાઈ પટેલ