ચીપકો આંદોલન : હિમાચલપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના ડુંગરાળ વિસ્તારોમાં વૃક્ષોને કપાતાં અટકાવવા તેમની આસપાસ વીંટળાઈ કે ચીપકી જવાનું લોકઆંદોલન તથા સત્યાગ્રહ. આ આંદોલન સુંદરલાલ બહુગુણાએ 1973ના માર્ચમાં શરૂ કર્યું હતું. તેમના નેતૃત્વ નીચે માંડલ અને ચમાલી ગામની સ્ત્રીઓએ વૃક્ષોના રક્ષણ માટે ઝાડોને ચીપકી જઈને સશસ્ત્ર કૉન્ટ્રેક્ટરોનો સામનો કર્યો હતો.

હિમાચલપ્રદેશમાં ટેહરી બહુહેતુક બંધ બંધાઈ રહ્યો છે તેનો પણ તેમણે વિરોધ કર્યો છે. આ બંધ વિસ્તારમાં ચૂનાના ખડકો છે અને આ વિસ્તારમાં ધરતીકંપ થવાની શક્યતા છે. બંધ ફાટે તો ભારે વિનાશ થવાની શક્યતા છે.

જ્યાં જંગલો કપાય છે તેવાં બીજાં રાજ્યો ઓરિસા, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરેમાં પણ આ આંદોલનની અસર થઈ છે. આદિવાસીઓના જીવનનિર્વાહનો આધાર પણ જંગલોની સાચવણી ઉપર છે તેથી તેમનો અને પર્યાવરણની જાળવણી માટે આગ્રહી વિજ્ઞાનીઓ, સમાજસેવકો વગેરેનો પણ ટેકો મળી રહ્યો છે.

ચીપકો આંદોલન માટે સુંદરલાલને ‘Right livelihood Award’ દ્વારા 1 લાખ ડૉલરનું ઇનામ સ્વીડનના પાટનગર સ્ટૉકહોમમાં 9 ડિસેમ્બર, 1987માં અપાયું હતું. આમ, આ આંદોલન વિશ્વવ્યાપી પર્યાવરણની જાળવણી માટેના આંદોલનના ભાગરૂપ બની રહ્યું છે.

શિવપ્રસાદ રાજગોર