ચિશ્તી, ખ્વાજા મુઇનુદ્દીન ગરીબનવાજ (જ. 1141, સજિસ્તાન, ઈરાન; અ. 16 માર્ચ 1236) : ભારતમાં ચિશ્તી સૂફી પરંપરાના સ્થાપક. તેમનું નામ હસન, પિતાનું નામ ખ્વાજા ગ્યાસુદ્દીન. તે જગવિખ્યાત કરબલાના શહીદ ઇમામ હુસેનના વંશજ હતા. વીસ વર્ષના થયા તે પહેલાં તેમના પિતાનું અવસાન થયું. લોટ દળવાની ઘંટી અને ફળવાડીના માલિક બન્યા. ગુઝ્ઝ તુર્કોના સજિસ્તાનના આક્રમણ પછી અધ્યાત્મવાદ તરફ વલણ થયું. ધન, મિલકત વગેરે ગરીબોમાં વહેંચી દઈ પ્રવાસે નીકળી પડ્યા. સમરકંદ, બુખારામાં ત્યાંના વિદ્વાનો પાસે ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું. ઇરાક જતાં નીશાપુરના હરૂન ગામમાં ખ્વાજા ઉસ્માન ચિશ્તીને પોતાના અધ્યાત્મગુરુ (મુરશિદ) તરીકે સ્વીકારી એમના શિષ્ય થયા. વીસ વર્ષ સુધી ગુરુ પાસેથી સૂફી જ્ઞાનનું શિક્ષણ પ્રાપ્ત કરી તેમની સાથે પ્રવાસ ખેડ્યો અને અનેક વાર હજ માટે મક્કા ગયા. મુરશિદ ઉસ્માન ચિશ્તી હરૂનીએ તેમને ચિશ્તી સૂફી પરંપરાના મુખ્ય સૂફી ગાદીવારસ બનાવ્યા. તે પછી ખ્વાજા મુઇનુદ્દીને વિવિધ શહેરોમાં જઈ મહાન સૂફી સંતો – શેખ અબ્દુલ કાદર જીલાની, શેખ નજમુદ્દીન કુબરા, સુહરવર્દી વગેરેની મુલાકાત લીધી અને એમની પાસેથી સૂફી વારસો મેળવ્યો. આમ ખ્વાજા સાહેબ સમરકંદ, બુખારા, બગદાદ, નીશાપુર, તબ્રેઝ, ઊશ, ઇસ્ફહાન, સબ્ઝવાર, મેહના, ખઝાન, અસ્ત્રાબાદ, બલ્ખ અને ગઝનીમાં પ્રવાસે જઈ મધ્યયુગના ધાર્મિક જીવનના પ્રવાહોના જાણકાર થયા. તે પછી ભારતમાં આવ્યા. લાહોરમાં પ્રખ્યાત વિદ્વાન સૂફી શેખ અલી હુજવીરીના મકબરાની યાત્રા કરી, અજમેર ગયા. ત્યાં પૃથ્વીરાજ ચૌહાણ રાજા હતો. અજમેરમાં અનાસાગર પાસે મુકામ કર્યો. ત્યાં જ એમણે મોટી ઉંમરે લગ્ન કર્યાં. તેમને ત્રણ પુત્રો : શેખ અબૂ સઇદ, શેખ ફખ્રુદ્દીન, શેખ હુસામુદ્દીન અને એક પુત્રી બીબી જમાલ થયાં. તેમના પુત્રોનું વલણ અધ્યાત્મવાદ તરફ કંઈ વિશેષ હતું નહિ. મકબરો અજમેરમાં છે. જગવિખ્યાત ખ્વાજા ગરીબનવાજના મકબરાને માત્ર ભારતીય મુસ્લિમો અને હિંદુઓ જ માન આપતા નથી; પરંતુ બીજી અનેક કોમોના માણસો પણ તેમને માને છે. તેમના ઉરસ (ઓલિયાની મરણતિથિનો ઉત્સવ) સમયે દેશવિદેશના લાખો માણસો તેમના મકબરાની યાત્રાએ અજમેરમાં આવે છે. અકબરના સમય સુધીમાં ખ્વાજા સાહેબનો મકબરો દેશના મહાન યાત્રાધામની ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યો હતો. મુઘલ સમ્રાટ અકબરને ખ્વાજા ગરીબનવાજમાં અટલ શ્રદ્ધા હતી. તે પગપાળા ચાલીને અજમેર સુધી ગયા હતા.
ખ્વાજા ગરીબનવાજ અજમેરમાં આવ્યા ત્યારે તે ચૌહાણ રાજ્યનું કેન્દ્ર હતું. ત્યાં ખ્વાજાએ ચિશ્તી સૂફી પરંપરાની સ્થાપના કરી તેના સિદ્ધાંતોને વ્યવસ્થિત કર્યા. પૃથ્વીરાજને તેમનું ત્યાં સ્થાયી થવું ગમ્યું નહિ હોય; પરંતુ સામાન્ય જનતા તેમની પાસે એકત્ર થતી હોવી જોઈએ. અલતુતમિસ(ઈ. સ. 1210થી 1232)ના સમયમાં ખ્વાજા સાહેબ બેવાર દિલ્હી ગયા હતા. રાજકીય કેન્દ્રથી તેઓ પોતાને દૂર રાખતા. તેમણે ભારતમાં શાંતિપૂર્વક વૈચારિક ક્રાંતિના પાયા નાખ્યા. એકેશ્વરવાદ અને ઈશ્વરી સત્તામાં એમની અજોડ શ્રદ્ધાના કારણે એમના વ્યક્તિત્વ દ્વારા સૂફીમતને સૈદ્ધાંતિક સમર્થન મળ્યું. તેમની સૂફી સંતવાણીનાં પુસ્તકોમાંથી સ્પષ્ટ થાય છે કે ખ્વાજા ગરીબનવાજ દયાળુ, સહિષ્ણુતામાં માનનારા અને પીડિતોના સહાયક હતા. તેઓ મહાન માનવતાવાદી સૂફી સંત હતા. જનસેવાને જ તેઓ ધર્મ માનતા અને પોતાના મુરીદો(આધ્યાત્મિક શિષ્યો)ને શિક્ષણ આપતા કે સાગર જેવી હૃદયની વિશાળતા, સૂર્ય જેવી ઉષ્મા અને ધરતી માતા જેવી ક્ષમાશીલતા પ્રાપ્ત કરવી જોઈએ. દુ:ખી લોકોનાં દુ:ખ દૂર કરી, નિ:સહાય લોકોની જરૂરતો પૂરી કરવામાં અને ભૂખ્યાં જનોને ખાવાનું આપવામાં ખ્વાજા ગરીબનવાજ સર્વશ્રેષ્ઠ ભક્તિ ગણતા.
ચિશ્તી સૂફી પરંપરાના ઉચ્ચ કક્ષાના સિદ્ધાંતો એમણે જ સ્થાપેલા છે, જે મહાન સૂફી નિઝામુદ્દીન ઓલિયાની સૂફી સંતવાણીમાં તેમજ તેરમી-ચૌદમી સદીની અસંખ્ય સૂફીવાદી કૃતિઓમાં સમજૂતીરૂપ સમાવી લેવામાં આવ્યા છે.
ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તી ગરીબનવાજે ચિશ્તી સૂફી પરંપરાના મુખ્ય ખલીફા (સૂફી ગાદીવારસ) કુત્બુદ્દીન બખ્તિયાર કાકી ચિશ્તીને બનાવ્યા હતા.
મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ