ચિત્રલેખા (1934)

January, 2012

ચિત્રલેખા (1934) : હિંદીના પ્રસિદ્ધ નવલકથાકાર ભગવતીચરણ વર્માની વિચારપ્રધાન તથા સમસ્યામૂલક નવલકથા. લેખક તેને ચરિત્રપ્રધાન રચના કહે છે.

આ નવલકથા મુખ્યત્વે ત્રણ ભાગોમાં વિભાજિત છે : (1) ઉપક્રમ, (2) મધ્યભાગ અને (3) ઉપસંહાર. પ્રથમ ભાગમાં વિષયવસ્તુની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે અને તે દ્વારા નવલકથામાં ગૂંથેલા પ્રશ્નનું નિરૂપણ છે. મધ્યભાગમાં પ્રશ્નનું ર્દષ્ટાંત છે. (3) અંતિમ ભાગમાં સમગ્ર પ્રશ્નની ચર્ચાનો નિષ્કર્ષ રજૂ થયો છે.

નવલકથાનો પ્રારંભ શિષ્ય શ્વેતાંકે ગુરુ મહાપ્રભુ રત્નામ્બરને પૂછેલા પ્રશ્નથી થાય છે – ‘અને પાપ ?’ પ્રશ્ન સાંભળતાં જ ગુરુ સ્તબ્ધ થઈ જાય છે. આ કઠિન પ્રશ્નનો જવાબ પ્રાપ્ત કરવા માટે ‘અધ્યયન’ તથા ‘ઉપાસના’ અપર્યાપ્ત છે એમ ધારીને ગુરુ શિષ્યોને સંસારનો અનુભવ લેવા માટે પ્રેરે છે. પછીના ભાગમાં પાપ-પુણ્યને સમજાવતી અનુભવકથા છે, જેના નિર્ધારિત સ્વરૂપનો સંકેત નવલકથાના પ્રથમ ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલો છે. ગુરુ રત્નામ્બર શિષ્યોને કહે છે, ‘સંસારમાં પરિભ્રમણ કરી અનુભવ પ્રાપ્ત કરવા માટે તમને એક યોગી અને ભોગીની સહાય જોઈશે. યોગી છે કુમારગિરિ અને ભોગી છે બીજગુપ્ત. તમારા બંનેના જીવને એમના જીવનસ્રોતો સાથે વહેવું પડશે.’ નવલકથાના અંતિમ ભાગ – ઉપસંહારમાં એક વર્ષ પછી શિષ્યો પોતપોતાના અનુભવો પ્રાપ્ત કરીને ગુરુ પાસે તેનું બયાન કરે છે અને તે સાંભળીને ગુરુ તેના શિષ્યોને ‘અંતિમ પાઠ’માં અનુભવોના નિષ્કર્ષરૂપે પોતાનો સ્પષ્ટ મત આપે છે. નવલકથાનો અંત આશીર્વાદાત્મક છે.

નવલકથામાં માત્ર પ્રારંભમાં અને અંતમાં સંસ્કૃતની નીતિકથાઓ જેવી લેખનશૈલી જોવા મળે છે.

રત્નામ્બર અને યોગી કુમારગિરિ જ્ઞાનનો ઉપદેશ આપે છે. શ્વેતાંક, વિશાલદેવ અને મધુપાલ જિજ્ઞાસુ શિષ્યો છે. ચિત્રલેખા એક વિદુષી સ્ત્રી છે તથા બીજગુપ્ત પણ વિદ્વાન પુરુષ છે. આ લાક્ષણિકતાઓને કારણે જ આ પાત્રો એકબીજાંના સંપર્કમાં રહેનારાં અને એકબીજાંથી પ્રભાવિત થયેલાં હોય છે. યોગી કુમારગિરિ વિચારસાગરમાં સદૈવ ડૂબેલા રહેતા. એમના જીવનની અકર્મણ્યતા પર જ્ઞાન અને વિચારોનું આવરણ હતું. ગુરુ રત્નામ્બર તેમના શિષ્ય વિશાલદેવને કુમારગિરિ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે લઈ આવે છે. બીજગુપ્ત અને ચિત્રલેખાનાં તર્કબદ્ધ કથનોથી પ્રભાવિત થઈને, પોતાની ઇચ્છા અને સિદ્ધાંતની વિરુદ્ધ જઈને કુમારગિરિ તેમને પોતાની કુટિરમાં આશ્રય આપે છે. પ્રથમ પરિચયમાં જ યોગી કુમારગિરિ ચિત્રલેખાના મુખમાંથી નીકળેલા દર્શનના વિકૃત સિદ્ધાંતોનું તર્કપૂર્ણ બયાન સાંભળીને સ્તબ્ધ બની જાય છે. સુંદર ચિત્રલેખા પ્રતિભાસંપન્ન વિદુષી નારી હતી. આ પ્રથમ મિલનમાં થયેલા વાદવિવાદના અંતે ‘‘યોગી નર્તકીમાં જ્ઞાનનાં દર્શન કરે છે અને નર્તકી યોગીમાં સૌંદર્યનું દર્શન.’’

ચંદ્રગુપ્તના દરબારમાં થયેલી ચર્ચા દરમિયાન યોગી કુમારગિરિ જ્ઞાનક્ષેત્રમાં ચિત્રલેખાથી પરાજિત થાય છે, જે બંને વચ્ચેના આકર્ષણને પુષ્ટ કરે છે. તેથી નવલકથામાં સમાયેલા મૂળ સંઘર્ષ – પ્રણય- ત્રિકોણનું સર્જન કરે છે જે ધીમે ધીમે વિકસે છે અને અંતે બીજગુપ્તના ત્યાગ તથા યોગી કુમારગિરિ અને ચિત્રલેખાના પતનનું કારણ બને છે. શ્વેતાંક પણ કર્તવ્ય અને વ્યક્તિત્વ પરત્વે જ નહિ; પરંતુ જ્ઞાન પરત્વે પણ ચિત્રલેખાથી પરાજિત થાય છે. આ પરાજયને કારણે બ્રહ્મચારી શ્વેતાંકના જીવનમાં પ્રથમ વાર કામવાસના જાગ્રત થાય છે. તે યશોધરાની કામના કરે છે તથા બીજગુપ્તને સર્વસ્વનો ત્યાગ કરવા પ્રેરે છે.

‘ચિત્રલેખા’નાં લગભગ બધાં પાત્રો પોતપોતાના વિચારો સાથે નવલકથામાં ઉપસ્થિત થાય છે. તેમને તો પાપ અને પુણ્યની સમસ્યા પ્રત્યે પોતપોતાનો ર્દષ્ટિકોણ રજૂ કરી સિદ્ધ કરવું છે કે સંસારમાં પાપ જેવું કશું છે જ નહિ અને જે છે તે તો માણસના ર્દષ્ટિકોણમાં રહેલી વિષમતાનું બીજું નામમાત્ર છે. અહીં લેખકે નવલકથાના અંતભાગમાં અથવા નિષ્કર્ષના રૂપમાં પોતાના નિશ્ચિત મતનું બયાન કર્યું છે : માણસ જે કાંઈ કરે છે તે તેના સ્વભાવને અનુસરીને કરે છે. મનુષ્ય કદી પોતાનો સ્વામી હોતો નથી, તે પરિસ્થિતિનો દાસમાત્ર છે… વિવશ છે… આમ જ હોવાથી પાપ અને પુણ્ય કેવાં ? આ કારણસર જ સંસારમાં પાપની વ્યાખ્યા થઈ શકી નથી – ન તે થઈ શકે છે. આપણે ન તો પાપ કરતા હોઈએ છીએ ન પુણ્ય, આપણે તો માત્ર એ જ કરીએ છીએ જે આપણે કરવું પડે છે.

સુધા શ્રીવાસ્તવ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે