ચિત્રમીમાંસા : સંસ્કૃત વૈયાકરણ અને આલંકારિક અપ્પય દીક્ષિતકૃત પ્રૌઢ પરંતુ અપૂર્ણ અલંકારગ્રંથ. ચિત્રકાવ્યના સંદર્ભે અર્થચિત્રની અંતર્ગત, રુય્યકની પ્રણાલીને મહદંશે અનુસરતા ઉપમા, ઉપમેયોપમા, અનન્વય, સ્મરણ, રૂપક, પરિણામ, સંદેહ, ભ્રાન્તિમાન્, ઉલ્લેખ, અપહનુતિ, ઉત્પ્રેક્ષા તથા અતિશયોક્તિ એમ 12 અર્થાલંકારોનું વિસ્તૃત, ક્યારેક નવ્ય ન્યાયની શૈલી મુજબનું અને નવીન ઉદભાવનાઓ અને અભિગમોથી યુક્ત નિરૂપણ તેમાં કરવામાં આવ્યું છે. રૂપક અલંકારના મૂળમાં લક્ષણા નથી; પરંતુ રૂપકનો બોધ સંસર્ગબળે જ થાય છે એવા નવીન મતનું પ્રસ્થાપન તેમાં કરવામાં આવ્યું છે જેને દીક્ષિતજીના તરુણ સમકાલીન જગન્નાથે અને અન્ય નવ્યોએ અનુમોદન આપ્યું છે. ‘રસગંગાધર’માં ચિત્રમીમાંસાનાં (અને કુવલયાનન્દમાં દર્શાવેલાં પણ) અલંકારલક્ષણોનું ખંડન કરવામાં આવ્યું છે. આમ છતાં, અલંકારોના સૂક્ષ્મ અને શાસ્ત્રીય નિરૂપણની ર્દષ્ટિએ ‘ચિત્રમીમાંસા’ મહત્વનો અલંકારગ્રંથ બની રહે છે. એમ કહી શકાય કે દીક્ષિતજીએ ‘કુવલયાનન્દ’ની રચના ‘बालानां सुखबोधाय’ કરી છે અને ‘ચિત્રમીમાંસા’ની રચના ‘विद्वज्जनरज्जनाय’ કરી છે. જગદીશચન્દ્ર મિશ્ર-વિરચિત ‘ભારતી’ હિન્દી ટીકા અને ધરાનન્દકૃત ‘સુધા’ સંસ્કૃત ટીકા સાથે ચિત્રમીમાંસાનું પ્રકાશન (ચૌખમ્બા ઈ. સ. 1971) વારાણસીમાંથી થયું છે.

પારુલ માંકડ