ચિત્રભાનુજી ગુરુદેવ (જ. 26 જુલાઈ, 1922; અ. 19 એપ્રિલ 2019) : તત્ત્વચિંતક. રૂપરાજેન્દ્ર(ચિત્રભાનુ)નો રોજ માતુશ્રી ચુનીબાઈની કૂખે રાજસ્થાનમાં થયો હતો. પિતાશ્રીનું નામ છોગાલાલજી હતું. રૂપરાજેન્દ્ર ખૂબ જ દેખાવડા અને બુદ્ધિશાળી હતા. માતાનું અવસાન તેમની 4 વર્ષની વયે થયું, 11 વર્ષની વયે બહેનનું અવસાન અને 19 વર્ષની વયે ખાસ મિત્રનું અવસાન થયું. પ્રારંભની જિંદગીમાં જ આ ત્રણે વ્યક્તિઓના અવસાનથી રૂપરાજેન્દ્રનું મન ભારે વ્યથિત બન્યું. બુદ્ધિશાળી રૂપરાજેન્દ્રને થયું કે આવા જીવનનો શો અર્થ ? આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરવા પુદુચેરીમાં શ્રી અરવિંદ, રમણ મહર્ષિ અને પાલિતાણામાં જૈન આચાર્યને મળ્યા. સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાવા સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીને પણ મળેલા. આખરે સંસાર છોડી અધ્યાત્મ માર્ગ ગ્રહણ કર્યો.
કૉલેજમાંથી 20 વર્ષની વયે ગ્રૅજ્યુએટ થયા બાદ પિતા પાસે દીક્ષા લેવાની અનુમતિ માગી. દીક્ષા બાદ પિતાએ પણ પુત્ર સાથે દીક્ષા ગ્રહણ કરી. પિતા-પુત્રની જોડીએ ગુજરાતમાં 18 વર્ષમાં 30,000 માઈલનો પગપાળા વિહાર કર્યો. 1958માં એમની 37મી વર્ષગાંઠે પિતાશ્રીએ પુત્રના હાથોમાં જ દેહ છોડ્યો.
ત્યારબાદ ‘ચિત્રભાનુ’ના નામે અખબારોમાં લેખ લખવાના શરૂ કર્યા. ત્યારબાદ પોતાના વતનને છોડી મુંબઈને બીજી કર્મભૂમિ બનાવી. મુંબઈમાં એમની પ્રતિભા એક સારા વક્તા અને વિચારક તરીકે ઊભરી. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના રાજકારણીઓ પણ એમનાથી આકર્ષાયા. બિહારમાં પૂરથી થયેલી ભારે તારાજી બાદ એમનાં માનવતાનાં કાર્યોથી એમને પ્રસિદ્ધિ મળી. જૈન ધર્મનાં પુસ્તકો અંગ્રેજીમાં કરાવવા ‘ડિવાઇન સોસાયટી’ની સ્થાપના કરી.
1968માં કૉલકાતા ખાતે જી. ડી. બિરલા દ્વારા સ્થાપિત ‘સ્પિરિચ્યુઅલ સમિટ કૉન્ફરન્સ’માં પોતે હાજર રહી શકે તેમ ન હોઈ એમના પ્રતિનિધિ તરીકે કુ. વત્સલા અમીનને મોકલ્યાં. એમની રજૂઆતથી પ્રભાવિત થયેલ અન્ય ધર્મના અગ્રણીઓની જૈન ધર્મ તેમજ ચિત્રભાનુ વિશે વિશેષ જાણવાની જિજ્ઞાસા જાગી.
1970માં બીજી કૉન્ફરન્સમાં હાજરી આપવાનું આમંત્રણ ચિત્રભાનુજીને મળ્યું, પરંતુ જૈન સાધુ વાહન કે વિમાનની પ્રવાસ ન કરી શકે એ બંધનકર્તા બન્યાનું દુઃખ થયું. ચિત્રભાનુજીએ જિનીવાની કૉન્ફરન્સમાં હાજરી આપવાનો નિર્ણય છેવટે કરી લીધો, જે ક્રાંતિકારી પગલું હતું. જિનીવા કૉન્ફરન્સનું ઉદઘાટન એમના ઉદબોધનથી કરવામાં આવ્યું. કૉન્ફરન્સ બાદ ફ્રાન્સ અને યુ.કે.ની મુલાકાતે ગયા. ત્યાંથી ભારત પાછા ફર્યા બાદ એમની મુલાકાત પ્રમોદાબહેન સાથે થઈ. ત્યારબાદ સાધુત્વનો ત્યાગ કરી 1971માં પ્રમોદાબહેન સાથે ગાંધર્વવિવાહ કરી લીધા.
ઈસ્ટ આફ્રિકાના વિશા ઓશવાળના જૈનોના આગ્રહના કારણે નૈરોબી ગયા અને હેગમાં ભરાનારી વર્લ્ડ વેજિટેરિયન કૉન્ફરન્સમાં હાજરી આપી. ત્યારબાદ મુંબઈ પરત ફરતાં પહેલાં હાર્વર્ડ ડીવીનીટી સ્કૂલમાં ત્રીજી કૉન્ફરન્સમાં હાજરી આપવા JKF ઍરપૉર્ટ પર ખાલી હાથે 11 સપ્ટેમ્બર, 1971માં ચિત્રભાનુ ઊતર્યા. એ ત્રીજી કૉન્ફરન્સના ‘હિટ સ્પીકર ઑફ ધી ડે’ તરીકે સ્થાનિક અખબારોમાં છવાઈ ગયા.
ચિત્રભાનુજી અને મુનિશ્રી સુશીલકુમારે સાથે મળીને અમેરિકામાં જૈન સેન્ટરો સ્થાપ્યાં અને ‘ફેડરેશન ઑફ જૈન ઍસોસિયેશન્સ ઇન નૉર્થ અમેરિકા’ની સ્થાપના કરી, જેના આજે 1,00,000 સભ્યો છે, જે ભારત બહારનું સૌથી મોટું સંખ્યાબળ ધરાવતી સંસ્થા છે. પ્રાણીપ્રેમ અને જીવદયાની આહલેક જગાવી વિશ્વમાં માનવતાનું ઝરણું વહાવનાર ચિત્રભાનુજીને અનેક ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે.
જૂન, 2018માં શિકાગો દહેરાસરની 25મી વર્ષગાંઠે શ્રી વીરચંદ રાઘવજીની પ્રતિમા અને ચિત્રભાનુજીની જીવંત પ્રતિમાનું અનાવરણ થયું.
કનુભાઈ શાહ