ચિત્રબંધ : ચિત્રની આકૃતિમાં ચાતુરીથી ગોઠવેલા અક્ષરોવાળી પદ્યરચના. યુક્તિપૂર્વક વાંચવાથી જ તે સમજી શકાય. ત્રિશૂળ, કદલી, સ્વસ્તિક, પદ્મ, રથ, ગજ, ધનુષ્ય, અશ્વ વગેરે પરિચિત વસ્તુઓની

ચિત્રબંધ

રૂપરેખા દોરીને તેમાં કાવ્યરચનાના અક્ષરો વિશિષ્ટ રીતે લખેલા હોય તેવી રચનાને વસ્તુના નામ સાથે બંધ કે પદબંધ શબ્દ જોડીને નામ અપાતું. દા.ત., ત્રિશૂળબંધ, સ્વસ્તિક પદબંધ, ગજબંધ, પદ્મબંધ વગેરે. આવાં ચિત્રોમાં કેન્દ્રમાં આવતો અક્ષર સમાન હોય છે. દોહરો, છપય, ચામર, મનહર, ઇંદ્રવિજય વગેરે છંદો તેમાં વપરાતા.

દસમી સદીમાં થયેલા રુદ્રટે ‘કાવ્યાલંકાર’માં અનેક ચિત્રબંધ સર્દષ્ટાંત આપ્યા છે સાથે પુનરુક્તવદાભાસનાં લક્ષણો અને ઉદાહરણો પણ જણાવ્યાં છે. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’ના 9મા ઉલ્લાસમાં રુદ્રટમાંથી લીધેલાં ફક્ત 4 ઉદાહરણો આપ્યાં છે તે ખડ્ગબંધ, મુરજબંધ, પદ્મબંધ અને સર્વતોભદ્ર બંધ.

હિંદી ભાષામાં ‘ચિત્રબંધ’ના પ્રયોગો થયા છે. રાજકોટના મહેરામણસિંહજીના સુપ્રસિદ્ધ ‘પ્રવીણસાગર’માં ચિત્રબંધનાં અનેક ઉદાહરણો સુલભ છે. ગુજરાતીમાં કવીશ્વર દલપતરામે ‘દલપત પિંગળ’ના અંતભાગમાં સર્વતોભદ્ર, ગોમૂત્રિકા, અશ્વગતિ અને દર્પણનાં ઉદાહરણો આપ્યાં છે.

નીચેની આકૃતિમાં ગતાગત સ્વસ્તિક પ્રબંધ છે.

ચિત્રબંધ

ઇંદ્રવિજય છંદ

રે કર જીવ મજે ધરિ હામ, મહારિધ જેમ વજીર કરે,

રે જન યાદ કરે હરનાથ, થનાર હરેક દયા નજરે;

રે ધર પ્યાર ધણી રિધ સીધ, ધસી ધરિણી ધર પ્યાર ધરે

રે સજ કાજ નીતિમય માપ, પમાય મતિ નીજ કાજ સરે.

ચિત્રબંધ એક રીતે તો કાવ્યનો આભાસ માત્ર છે. એમાં વર્ણસગાઈ મેળવવાનો કવિનો આયાસ હોય છે. આ પ્રકારની રચનાઓમાં કાવ્યતત્વનો પ્રાય: અભાવ હોય છે. અધમ કોટિના કાવ્ય વિશે ધ્યાન દોરતાં મમ્મટે ચિત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. વેદમાં પણ કેટલાક ચિત્રબંધનાં ઉદાહરણો મળે છે. કિરાતાર્જુનીયમ અને શિશુપાલવધમાં આવાં ઉદાહરણ મળે છે.

કે. કા. શાસ્ત્રી