ચિતોડ (ચિત્તોડ, ચિત્તોડગઢ)

January, 2012

ચિતોડ (ચિત્તોડ, ચિત્તોડગઢ) : રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનના મેવાડમાં આવેલું સિસોદિયા ગોહિલ રાજપૂતોની આઠમીથી સોળમી સદી સુધીનું રાજધાનીના નગર તરીકે જાણીતું નાનું નગર. ભૌગોલિક સ્થાન : 24° 53’ ઉ. અ.થી 74° 38’ પૂ. રે.ની આજુબાજુનો 10,856 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. એના ઐતિહાસિક કિલ્લાથી અને એ કિલ્લા ઉપર આવેલાં વિજયસ્તંભ અને બીજાં મહત્વનાં સ્થાપત્યોથી દેશવિદેશમાં પણ વિખ્યાત છે. આ શબ્દ સં. चित्रकूट (प्रा. चितउड) ઉપરથી ઊતરી આવ્યો છે. કિલ્લો નગરના ઉત્તર અંતરાલમાં નાની ડુંગરધાર ઉપર આવેલો છે કે જેવો જૂનાગઢનો ઉપરકોટ છે. ઉપરકોટ કરતાં આનું ક્ષેત્રફળ મોટું છે. મેવાડના ગોહિલ રાણાઓની ઉપરના વિશાળ કિલ્લાથી સુરક્ષિત આ રાજધાની ઉપર અલ્લાઉદ્દીને ઈ. સ. 1303માં પહેલો હુમલો કર્યો હતો, જે સમયે રાજપૂતોએ કેસરિયાં કર્યાં હતાં અને રાણા ભીમસિંહની રાણી પદ્માવતી સહિત સેંકડો રાજપૂત નારીઓએ જૌહર (ચિતાઓ ખડકી, સળગાવી એમાં બળી મરવાનું) કર્યું હતું. બીજું આક્રમણ ગુજરાતના સુલતાન બહાદુરશાહે ઈ. સ. 1534–35માં અને ત્રીજું આક્રમણ અકબરે ઈ. સ.1567–68માં કરી ચિતોડનગર અને કિલ્લો હસ્તગત કર્યાં હતાં. રાણા પ્રતાપનો અકબરના પુત્ર જહાંગીર સાથે સંઘર્ષ આ સમયે થયો હતો.

કીર્તિસ્તંભ અને જૈન મંદિર

અકબરે મુઘલ સલ્તનતમાં ‘ચિતોડ’ ભેળવી દીધું એટલે રાણા પ્રતાપના પિતા ઉદયસિંહે પિછોલા તળાવને પૂર્વ કાંઠે વસાવેલા ‘ઉદયપુર’માં રાજધાની ખસેડી લીધી હતી.

વિજયસ્તંભ, ચિતોડ

મુસ્લિમ સત્તાઓનાં અનેક આક્રમણો સામે પ્રબળ સંઘર્ષ કરી ચૂકેલા ગોહિલ રાણાઓ અણનમ જ રહ્યા હતા. અનેક નાનામોટા સંઘર્ષોમાંથી પસાર થયેલ આ ચિતોડગઢ અનેક રાજમહેલો, હિંદુ-જૈન દેવાલયો, બારમી અને પંદરમી સદીમાં થયેલાં કોતરકામોથી ભરેલા બે જયસ્તંભો (વિજયસ્તંભ અને કીર્તિસ્તંભ), અનેક તળાવો વગેરેથી પ્રવાસીઓનું આજે પણ આકર્ષણ કરી રહ્યા છે. ગઢમાં ઉપર પાણીનાં ઝરણાં હોવાથી દક્ષિણની કિલ્લાની દીવાલ પરથી પાણી વહ્યા જ કરે છે, જે મુખ્ય રાજમાર્ગ પરથી વહી નગર બહાર નીકળી જાય છે. ‘ગઢ તો ચિતોડગઢ બાકી સબ ગઢૈયાં’ એ ઉક્તિનો આજે પણ દર્શનાર્થીઓને પરિચય થઈ રહ્યો છે.

ચિતોડગઢ પર થયેલાં મોટા ભાગનાં આક્રમણ ગઢની ઉત્તર બાજુના દરવાજાની ઈશાને આવેલા નાના ડુંગરા પરથી તોપો દ્વારા કરવામાં આવ્યાં હતાં. 2011 મુજબ જિલ્લાની વસ્તી 15,44,392 જેટલી છે.

કે. કા. શાસ્ત્રી