ચિતાગોંગ (ચટગાંવ) : બાંગ્લાદેશનું પ્રમુખ બંદર, જિલ્લામથક અને બીજા નંબરનું શહેર. ભૌગોલિક સ્થાન : 22° 08’ 13’’થી 22° 18’ 15’’ ઉ. અ. અને 90° 46’ 30’’થી 91° 50’ પૂ. રે.ની વચ્ચે આવેલું છે. ચિતાગોંગ બંદર બંગાળના ઉપસાગરના ઈશાન ભાગમાં કર્ણફૂલી નદીના મુખથી ઉત્તરે 19 કિમી. દૂર આવેલું છે. ચિતાગોંગ જિલ્લાનું ક્ષેત્રફળ 7216 ચોકિમી. અને ડિવિઝનનું 33,771 ચોકિમી. છે. તે કોલકાતાથી અગ્નિખૂણે 193 કિમી. દૂર છે.
ચિતાગોંગ જિલ્લાના ત્રણ વિભાગ છે. બંગાળના ઉપસાગરના પૂર્વ કિનારે આવેલી સાંકડી સપાટ પટ્ટી પહેલો વિભાગ છે. વચ્ચે ટેકરીઓના ધોવાણથી જમા થયેલી કાંપ-માટી અને રેતીવાળી ખીણનો બીજો વિભાગ છે, જ્યારે તેની પૂર્વે ટેકરીઓવાળો ત્રીજો વિભાગ છે. સૌથી ઊંચી ટેકરી 1200 મી. છે.
આ જિલ્લાની કર્ણફૂલી, ફેની, હલ્ડા, સંગ, મધુમતી અને માતામુહારી નદીઓમાં બારે માસ પાણી રહે છે.
સરેરાશ તાપમાન 26° સે. છે. દરિયાકિનારા નજીકના પ્રદેશમાં શિયાળા અને ઉનાળાના અને દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ ફરક રહેતો નથી. 2870 મિમી. વરસાદ મેથી ઑક્ટોબર સુધીમાં પડે છે. અહીં સમધાત આબોહવા જોવા મળે છે. આ પ્રદેશ અવારનવાર ચોમાસાની શરૂઆતમાં કે અંતભાગમાં વાવાઝોડાનો ભોગ બને છે.
જંગલમાં સાગ, વાંસ, નેતર વગેરેનાં વૃક્ષો છે. ચૂનાખડકો, સફેદ માટી, કાચ-રેતી અને રેડિયોઍક્ટિવ ખનિજો મુખ્ય છે. ખારા પાણી અને મીઠા પાણીમાં પુષ્કળ માછલીઓ જોવા મળે છે. સૂકી અને તાજી મચ્છીની નિકાસ થાય છે. અહીં તમાકુ, શણ, ડાંગર, ચા, તેલીબિયાં, શેરડી, મરચાં વગેરે ખેતીના પાકો છે. ટેકરીઓના ઢોળાવ ઉપર ચા ઊગે છે.
ચિતાગોંગ બાંગ્લાદેશનું વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. ચા, શણ, ડાંગર વગેરે જિલ્લામાં થતા પાકો વેચાવા માટે અહીં આવે છે.
જળવિદ્યુતથી કારખાનાંઓનું સંચાલન થાય છે. રાજ્યના બીજા નંબરના આ ઔદ્યોગિક શહેરમાં સુતરાઉ અને શણના કાપડની મિલો, પેટ્રોલિયમ રિફાઇનરી, રસાયણો, પોલાદ, ખોરાકી ચીજો પર પ્રક્રિયા કરવાનાં તથા અન્ય કારખાનાંઓ છે. વાંસની જાળ, ટોપલી, સાદડી વગેરે બનાવવાના તથા હાથસાળ કાપડ વણવાના ગૃહઉદ્યોગો છે.
ચિતાગોંગ વાહનવ્યવહારનું મહત્વનું કેન્દ્ર છે. રેલવે દ્વારા તે ઢાકા અને કોમિલ્લા સાથે અને રસ્તાઓ દ્વારા ફેની અને કોમિલ્લા સાથે તથા હવાઈ માર્ગે ઢાકા, જેસોર, કૉકસબજાર અને કૉલકાતા સાથે જોડાયેલું છે. ચિતાગોંગ કુદરતી બંદર છે. બાંગ્લાદેશની 80 % આયાત-નિકાસ આ બંદર દ્વારા થાય છે. આ બંદરનું બારું ખસતું રહે છે અને પાણીનાં ઊંડાણમાં પણ વધારો કે ઘટાડો થાય છે તેથી પાઇલટસેવા ફરજિયાત છે. અહીં જેટી, પોન્ટુન જેટી અને ઉતરાણ સ્થળો (mooring) છે. જ્યાં લંગરસ્થાને સ્ટીમરો માલ ઉતારે અને ચડાવે છે. 1970 સુધીમાં વિવિધ જેટી તથા નૌવહનનાં સાધનો ક્રેન, ટન વગેરે તથા માલ સંઘરવા માટે ગોડાઉનો, વેરહાઉસીસ વગેરે વસાવાયાં હતાં.
શણ, કોથળા, શણનું કાપડ, ચા, ચામડાં, હાડકાં, હાડકાંનું ખાતર, ડાંગરની કુસ્કી, કાગળ, ખોળ, સૂકી માછલી, કૉટન વેસ્ટ, ઇમારતી લાકડું, ઢોર, ડાંગરનું ભૂસું વગેરે નિકાસ થાય છે, જ્યારે મીઠું, અનાજ, ખાંડ, તેલ, તેલીબિયાં, સિમેન્ટ, ખાતર, રૂ, કાપડ (પીસ ગુડ્ઝ), લોખંડ અને સ્ટીલ, ઘડતરનું લોખંડ, લોખંડનાં પતરાં, લોખંડની ચીજવસ્તુઓ, સિમેન્ટના ગઠ્ઠા, તમાકુ, સોપારી, લાકડું, કાગળ, વાહનવ્યવહારનાં સાધનો, મરચાં, કોલસા, પેટ્રોલિયમ અને તેની પેદાશો વગેરે આયાત થાય છે.
ચિતાગોંગમાં અનેક સાંસ્કૃતિક કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓ છે. 1962માં પૉલિટૅક્નિક અને 1966માં ચિતાગોંગ યુનિવર્સિટી સ્થપાઈ હતી. 1948થી કલા અને સાહિત્યની તેમજ વિવિધ સેવાસંસ્થાઓ સ્થપાયેલી છે.
ચિતાગોંગની વસ્તી 2022માં મહાનગર માટે 58 લાખ અને શહેર માટે 52 લાખ જેટલી છે. મોટા ભાગના લોકો મુસલમાન છે. થોડા બૌદ્ધ અને હિંદુઓ છે. ચિતાગોંગના પહાડી પ્રદેશમાં બૌદ્ધધર્મી ચકમા આદિવાસીઓ વસે છે. તેમના પ્રદેશમાં મુસલમાનોને વસાવાતાં આ પ્રદેશમાંથી ચકમા લોકો ભારતમાં હિજરત કરીને વસ્યા છે. ચકમા લોકોએ ‘શાંતિવાહિની’ સ્થાપી વસાહતી પ્રવૃત્તિનો સશસ્ત્ર વિરોધ કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચકમા લોકોના પુનર્વસવાટ અંગે થયેલી સમજૂતી મુજબ બાંગ્લાદેશમાં થોડા ચકમા લોકો પાછા ફર્યા છે.
ઇતિહાસ : પ્રાચીન કાળમાં આ બંદર ત્રિપુરા રાજ્યને તાબે હતું. નવમી સદીમાં બૌદ્ધ રાજા પાસેથી આરાકાનના હિંદુ રાજાએ તે જીતી લીધું હતું. આ કારણે ત્યાં બૌદ્ધ અને હિંદુ ધર્મના અવશેષો જોવા મળે છે. દસમી સદીથી આરબ વેપારીઓ વેપાર અર્થે અહીં આવતા હતા. તેમણે ચિતાગોંગને ‘shetgang’ ગંગાનો ડેલ્ટા કે ત્રિકોણાકાર પ્રદેશ એવું નામ આપ્યું હતું. ચૌદમી સદીમાં તે મુસલમાન બાદશાહને તાબે હતું. પછી આરાકાન રાજ્યે તે જીતી લીધું હતું. 1566માં પોર્ટુગીઝોએ વેપાર માટે કોઠી નાખી હતી. તેમણે આ બંદરને ‘પોર્ટા ગ્રાન્ડે’ એવું નામ આપ્યું હતું. પોર્ટુગીઝોની ચાંચિયાગીરીને કારણે તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. 1666માં મુઘલોએ તેને ફરી જીતી લીધું હતું. તેમની પાસેથી 1760માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તે જીતી લીધું હતું. મુઘલોએ ચાંચિયાઓને દૂર રાખવા અહીં તેમનું નૌકામથક સ્થાપ્યું હતું. દેશ આઝાદ થયો ત્યાં સુધી તે બંગાળ પ્રાંતનો ભાગ હતું. આંતરવિગ્રહ બાદ 1972માં પૂર્વ પાકિસ્તાન મટી જઈને તે બાંગ્લાદેશ નામે સ્વતંત્ર દેશ બન્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચિતાગોંગને ભારે નુકસાન થયું હતું.
શિવપ્રસાદ રાજગોર