ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ) (જ. 1653 ક્યોટો, જાપાન; અ. 6 જાન્યુઆરી 1725, ઓસાકા, જાપાન) : જાપાનના ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાટકકાર. તેમની નાટકકાર તરીકેની કારકિર્દી લગભગ 1673ની આસપાસ શરૂ થઈ હતી. તેમણે 160 જેટલાં નાટકો બુનરાકુ (પપેટ થિયેટર) માટે લખ્યાં હોવાનું કહેવાય છે. તેમણે પૉપ્યુલર થિયેટર માટે ‘કાબુકી’ નાટકો લખ્યાં અને પપેટ થિયેટર માટે ‘જોરુરી’ નાટકો લખ્યાં. 1704 સુધી તેમણે ‘કાબુકી’ નાટકો જ રચ્યાં હોવા છતાં તેમની વિશેષતા તો ‘જોરુરી’માં જ પ્રકટ થાય છે. જોકે પછીની પેઢીઓએ તેમનાં ઘણાં ‘જોરુરી’ નાટકોને ‘કાબુકી’ થિયેટરમાં ભજવ્યાં હતાં. 1684માં તેમનું નાટક ‘યોત્સુગિ સોગા’, તાકેમોતો ગિદાયુ નામના ચારણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ગિદાયુએ શરૂ કરેલી ‘જોરુરી’ નાટક કંપનીને ઝડપી સફળતા મળી અને ચિકામાત્ઝુનું બીજું નાટક ‘શુઝ કાગેકિયો’ પણ 1686માં ભજવાયું. પછી તો લેખક અને ચારણ બંનેએ ભાગીદારીમાં કામ કર્યું, જેમાં ઘણી સફળતા સાંપડી. 1705માં તાકેદા ઇઝુમોએ કંપનીની વ્યવસ્થા સંભાળી, પણ ચિકામાત્ઝુ સાથે એનો એ જ સહકાર ચાલુ રાખ્યો. ચિકામાત્ઝુનાં નાટકોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે : ઐતિહાસિક નાટકો અને રોજ-બ-રોજના જીવનનાં નાટકો. પહેલા વિભાગનાં નાટકો ચીન કે જાપાનની ઐતિહાસિક, પૌરાણિક ઘટનાઓનો સંદર્ભ ધરાવે છે. આમાં સૌથી જાણીતું નાટક ‘કોકુસેનિયા કાસન’ છે. બીજા પ્રકારનાં નાટકોમાં મુખ્યત્વે પ્રેમની નિષ્ફળતાથી થતી આત્મહત્યાનો વિષય હોય છે. જાપાનમાં આવી આત્મહત્યા અઢારમી સદીની શરૂઆતમાં ખૂબ જ પ્રમાણમાં થતી. ખાસ કરીને, કસબામાં રહેતો યુવાન કોઈ વેશ્યાના પ્રેમમાં પડે છે અને તે પેલી સ્ત્રીને તેના માલિક પાસેથી છોડાવી શકતો નથી. અંતે બંનેની એકસાથે આત્મહત્યા !
‘ધ બેટલ્સ ઑવ્ કૉક્ષિંગા’ ઐતિહાસિક મેલોડ્રામા લોકપ્રિય નાટક છે. આવું જ અન્ય નાટક ‘ડબલ સ્યુસાઇડ એટ અમિજિમા’ પણ હજુ ભજવાય છે. જોકે ‘પપેટ થિયેટર’ની બોલબાલા ઓછી થતાં તેમનાં નાટકો ક્વચિત્ ભજવાય છે.
ચિકાત્માઝુએ 129 ‘જોરુરી’ અને 31 ‘કાબુકી’ નાટકો લખ્યાં હતાં, એમાંથી 18 ગુમ થયેલાં છે. તેમની શૈલી છંદોબદ્ધ, કાવ્યાત્મક, પણ વધુ અલંકારી, ખાસ કરીને શ્લેષયુક્ત હતી. વર્ણન અને ચરિત્રચિત્રણમાં તેમની સિદ્ધિ નોંધપાત્ર છે.
અનિલા દલાલ
વિ. પ્ર. ત્રિવેદી