ચિકાખાઈ (શિકાખાઈ)

January, 2012

ચિકાખાઈ (શિકાખાઈ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia sinuata (Lour.) Merril syn. A. concinna DC. (સં. વિમલા, સપ્તલા, શ્રીવલ્લી; મ. હિ. શિકાકાઈ; બં. બનરિઠા; ક. શિંગીકાઈ, શીગેયવલ્લી; તા. કિયાકક; તે. ચિકાયા; મલા. ચિકાકાઈ) છે. તે કાંટાળી, આરોહી ક્ષુપ-સ્વરૂપ ધરાવતી જાતિ છે અને ભારતના ઉષ્ણકટિબંધીય જંગલોમાં બધે જ, ખાસ કરીને દક્ષિણમાં થાય છે. પર્ણો દ્વિપીંછાકાર (bipinnate) હોય છે. પુષ્પો પીળા રંગનાં અને કક્ષીય મુંડક(head)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ શિંબ પ્રકારનું અને કરચલીવાળું હોય છે. સુકાય ત્યારે તે ખાંચોવાળું બને છે. દરેક શિંગમાં 6–10 બીજ હોય છે.

(અ)

(આ)

ચિકાખાઈ : (અ) સ્વરૂપ, (આ) શિંગો

છાલમાં સેપોનિન હોય છે અને તેના જલાપઘટન(hydrolysis)થી લ્યુપિયોલ, α-સ્પનેસ્ટૅરોલ અને અકેશિક ઍસિડ લૅક્ટોન ઉત્પન્ન થાય છે. તેમાંથી ગ્લુકોઝ, ઍરબિનોઝ અને રહેમ્નોઝ નામની શર્કરાઓ અલગ કરવામાં આવે છે. વળી, તે હૅક્ઝાકોસેનોલ અને α-સ્પિનેસ્ટૅરોન ધરાવે છે. છાલનું સેપોનિન માનવ વીર્યમાં રહેલા શુક્રકોષોનો નાશ કરે છે.

તેનાં કુમળાં પર્ણો ખાટાં હોય છે અને તેમનો ચટણી બનાવવામાં ઉપયોગ થાય છે. પર્ણોનો આસવ (infusion) મલેરિયાના તાવમાં વપરાય છે. પર્ણો ઑક્સેલિક, ટાર્ટરિક, સાઇટ્રિક, સક્સિનિક અને ઍસ્કોર્બિક ઍસિડ ધરાવે છે. વળી, તેઓ કૅલિકોટોમાઇન (C12H17O3N, ગ.બિં. 138–140° સે.) અને નિકોટન નામનાં બે આલ્કેલૉઇડ, રુટિન અને ટાર્ટરિક રેસિમેઝ નામનો ઉત્સેચક, ટ્રાઇટર્મિનૉઇડ સેપોનિન (C36H58O10, ગ.બિં. 252° સે.) ધરાવે છે. ટ્રાઇટર્પિનૉઇડ સેપોનિનના જલાપઘટન(hydrolysis)થી ગ્લુકોઝ અને સેપોજેનિન (C36H48O5, ગ.બિં. 295° સે.) ઉત્પન્ન થાય છે. પર્ણોમાં ટેનિન, ઍમિનો ઍસિડો અને પ્રોટીન પણ હોય છે.

શિંગનો કાઢો પિત્તદોષ દૂર કરે છે અને રેચક હોય છે. તેનો ખોડો દૂર કરવામાં ઉપયોગ થાય છે. શિંગમાંથી તૈયાર કરેલા મલમને ત્વચાના રોગો ઉપર લગાડવામાં આવે છે. શિંગને ‘શિકાકાઈ’ કહે છે. તેનો સ્વચ્છક (detergent) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સૂકાં ફળોનો પાઉડર બનાવી સુગંધિત કરી તેને બજારમાં વેચવામાં આવે છે. ઉત્તર બંગાળમાં આ શિંગનો માછલીના વિષાક્તન(poisoning)માં ઉપયોગ થાય છે.

શિંગમાંથી સેપોનિનો (20.8 %) મળી આવે છે, જે અકેશિનિન-‘સી’, – ‘ડી’ અને – ‘ઇ’ ધરાવે છે. શિંગમાં ઑલિંગોસૅકેરાઇડો પણ હોય છે. અકેશિનિન-‘ડી’ છ શર્કરાયુક્ત (ગ્લુકોઝ, અરેબિનોઝ, ઝાયલોઝ, ફ્યુકોઝ, રહેમ્નોઝ અને એક અજ્ઞાત શર્કરા) અકેશિક ઍસિડનો ગ્લાયકોસાઇડ છે. ઑલિગોસૅકેરાઇડોમાં સુક્રોઝ, રેફિનોઝ, સ્ટેચિયોઝ અને વર્બેસ્કોઝનો સમાવેશ થાય છે. શિંગમાં મૅશેરિનિક ઍસિડ અને તેનો લૅક્ટોન, સેપોજેનિન-‘બી’ (C30H40O3, ગ.બિં. 242–243° સે.), અને અકેશિક ઍસિડ લૅકટોન, અકેશિજેનિન-‘બી’ (C90H60O7, ગ.બિં. 265–70° સે.) અને β-સિટોસ્ટૅરોલ હોય છે.

બીજમાં અકેશિનિન-‘એ’ અને ‘બી’ તથા કૉન્સિનિન નામની મુક્ત શર્કરા હોય છે. તેમને ભૂંજીને ખાવાના ઉપયોગમાં લેવાય છે.

આ જાતિનાં પર્ણો ઉપર Ravenelia acaciae-concinnae નામની ફૂગ અને વાંદા (Dendrophthoe falcata) નામની આવૃત્તબીજધારી વનસ્પતિ પરોપજીવી તરીકે થાય છે.

આયુર્વેદ અનુસાર, તે ખાટી, તીખી, કડવી, તૂરી, રેચક, ઠંડી; પિત્તદોષ તથા સોજા મટાડનારી છે. તે રતવા, કોઢ, વિસ્ફોટ, વ્રણ, મુખપાક, જઠરનાં ચાંદાં, હૃદયની પીડા, કફદોષ, હરસ, ગોળાનું દર્દ, ઝેર, આફરો અને કૃમિ મટાડે છે. શિંગના ઉકાળાથી માથું ધોવાથી જૂ મરી જાય છે અને ખોડો દૂર થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓ તેનો વાળ ધોવામાં ઉપયોગ કરતી આવી છે.

 બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ